Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ઐતિહાસિક સ્થળોના વિકાસથી આપણો વારસો પણ પુનઃ જીવિત થશેઃ માંધાતાસિંહ જાડેજા

રાજયમાં રહેલા પુરાતન વારસાને જોવાની તક વધુને વધુ લોકોને મળશે

રાજકોટ તા. ૧૧: ગુજરાત સરકારે આજે જાહેર કરેલી હેરિટેજ ટુરિઝમ નીતિને ભાજપ અગ્રણી,  આપણા પુરાતન વારસાના સંવર્ધન અને જાળવણી માટે વર્ષોથી સક્રિય એવા ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહ જાડેજાએ આવકાર આપતાં જણાવ્યું છે કે રાજયના પ્રવાસન અને હોટલના ઉદ્યોગને આ નીતિથી ઘણું પ્રોત્સાહન મળશે. રોજગારીની પણ તકો ખુલશે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અત્યારે તમામ ક્ષેત્રે જયારે અત્યંત અગત્યના અને ત્વરિત નિર્ણયો લઇ રહ્યા છે ત્યારે સરકારે આજે જાહેર કરેલી આ નીતિના ફાયદા દુરોગામી છે એવું જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રના- ગુજરાતના પ્રાચીન મહેલ,કિલ્લા કે એવી કોઇ પણ વિરાસતની જાળવણી તથા એને હેરિટેજ હોટલમાં પરિવર્તીત કરવાનું કામ પેશનથી કરતા શ્રી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું કે રાજય સરકાર ગુનેગારી ડામવાથી લઇને નવી ટીપી સ્કીમ બનાવવાના નિર્ણય લઇ રહી છે. તો બીજી તરફ નલ સે જલ જેવી યોજનાને પણ આગળ વધારી રહી છે. કોરોના કાળમાં પણ રાજયનો વિકાસ અટકે નહીં એ માટે મુખ્યમંત્રી સતત પ્રયત્નશીલ છે ત્યારે આ નવી પોલીસી ઘણી ઉપયોગી થશે. હેરિટેજ ઉપરાંત જે હોમ સ્ટેની નવી નીતિનો અમલ થવાનો છે એને પણ માંધાતાસિંહે આવકાર આપીને બિરદાવી છે.

 આ નવી નીતિથી ગુજરાતની પ્રાચીન ધરોહર, ઐતિહાસિક વિરાસત અને જોવાલાયક પુરાતન સ્થળો વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકશે. દેશ-વિદેશના પ્રવાસીઓને રાજયના  ઐતિહાસિક વિરાસતના સ્થાનો, હેરિટેજ સ્થળો નજીકથી જોવા-માણવાનો લ્હાવો મળશે.

ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો,  ઝરૂખાઓ, મિનારાઓમાં શરૂ કરી શકાશે હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ જેને લીધે પ્રવાસીઓ પણ આવા સ્થળે ઉમટી પડશે. લોકો આપણા પુરાતન વારસાથી, સ્થાપત્યથી વાકેફ થશે અને પ્રવાસન ઉદ્યોગને પણ લાભ થશે.. ૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્કવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે પરિણામે ઘણી જુની ઇમારતોનો હવે સદઉપયોગ પણ થશે.

સરકારે એવું પણ જાહેર કર્યું છે હેરિટેજ પ્લેસના મૂળભૂત માળખા કે સ્ટ્રકચર ને કોઈ છેડ છાડ કર્યા સિવાય આ કામગીરી કરી શકાશે જે ઘણું મહત્વનું છે. ઉપરાંત હેરિટેજ મ્યુઝીયમ હેરિટેજ બેંકવેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરન્ટ નવા શરૂ કરવા કે રીનોવેશન રિસ્ટરેશન માટે ૪૫ લાખથી ૧ કરોડ સુધીની સહાય અપાશે જેને લીધે જુની વસ્તુઓના સંગ્રાહકોને લાભ થશે.

ગુજરાતનું ગ્રામીણ જીવન સંસ્કૃતિ ઇતિહાસ અને પરંપરાગત ધરોહર માણવા- જોવા આવતા વિદેશના અને ભારતના અન્ય રાજયોના પ્રવાસીઓને પોષાય તેવા દરે, સ્વચ્છ સુવિધાયુકત આવાસ સગવડ  આ હોમ સ્ટે પોલીસી અન્વયે મળશે.ગ્રામીણ રોજગારીની  સાથે ટુરિઝમ એન્ડ હોટેલ ઈન્ડસ્ટ્રીમાં વ્યાપક તકો ખીલશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:58 pm IST)