Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

૧૦ દિ' બાદ રસ્તાઓ ટનાટન બનાવવાની કામગીરી શરૂ થશે

૫૭.૪૨ કરોડનાં ડામર પેવર કામનો એકશન પ્લાન અમલી બનાવવા સીટી ઇજનેરો સાથે બેઠક યોજતા સ્ટેન્ડીંગ ચેરમેન : ૧૬મીથી રસ્તાઓ પર ડામર-પેચવર્ક-રી-કાર્પેટ માટે સફાઇ કામ શરૂ કરી દેવાશે : દિવાળી સુધીમાં મોટા ભાગનાં રસ્તાઓ નવા બની જશે

રાજકોટ,તા.૧૧: શહેરમાં વરસાદને કારણે ધોવાઇ ગયેલા રસ્તાઓનું સમારકામ અને નવા બનાવવાની કામગીરીનો એકશન પ્લાન આગામી ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થઇ જશે અને નવા રસ્તા ડામર-પેચવર્ક-ડામર -પેવર રી-કાર્પેટ વગેરેનું કામ જોર-શોરથી શરૂ કરી દેવાશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું  કે, ચોમાસાની ઋતુ પૂર્ણ થવાના આરે છે. તેમજ રાજકોટ શહેરમાં મેઘરાજાએ ઘણા સમયથી વિરામ પણ લીધેલ છે ત્યારે શહેરના નગરજનોને ચોમાસાની ઋતુ દરમ્યાન રસ્તાઓ પર પડેલ ખાડાઓમાં વહેલાસર પેચ થાય અને ચાલુ વર્ષે જુદા જુદા વોર્ડના એકશન પ્લાનના રસ્તાઓ તથા ટી.પી. રસ્તાઓ રી-કાર્પેટ અને પેવરકામ કરવા કુલ રૂ.૫૭.૪૨ કરોડ મંજુર કરવામાં આવેલ છે. જેમાં ચરેડાઓ વિગેરેના પેચ કામ માટે પણ રૂ.૧૨.૫૦ કરોડ મંજુર કરેલ છે. જે ધ્યાને લઇ આજરોજ તમામ સીટી એન્જીનીયરો સાથે ચર્ચા કરી ટૂંક સમયમાં જ રસ્તાઓ ડામરના અને ચરેડા પેચવર્ક વિગેરે કામો શરૂ કરવા જણાવવામાં આવેલ. જેના અનુસંધાને આગામી તા.૧૬ સપ્ટેમ્બરથી શહેરના રસ્તાઓ રી-કાર્પેટ પેવરકામની સફાઈ શરૂ કરી દેવામાં આવશે. અને તા.૨૧ સપ્ટેમ્બરથી ત્રણેય ઝોનમાં પેવરકામો શરૂ થઇ જશે. સાથે સાથે પેચવર્કના પણ કામો તુરંત શરૂ કરવામાં આવશે.

વિશેષમાં ચેરમેનશ્રીએ જણાવેલ કે, શહેરમાં જે જે રસ્તાઓ ડામરકામ કરવાની જરૂર જણાશે તો વિશેષ ફંડની ફાળવણી કરવામાં આવશે.

હાલમાં શહેરમાં કોરોના મહામારી ચાલી રહી છે તો પણ પ્રાથમિક સુવિધાના કામો અટકે નહિ તેની ખાસ તકેદારી રાખવામાં આવશે તેમ અંતમાં જણાવેલ.

(3:24 pm IST)