Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાજકોટ દૂરદર્શન કેન્દ્ર પાસે શંકાસ્પદ બેગ મળીઃ મેસેજ મળ્યાની ૧૦ જ મિનીટમાં એસઓજી-પોલીસ ટીમો-બોમ્બ સ્કવોડ પહોંચ્યા

એસીપી રાઠોડ અને આજીડેમ ચોકીના પીએસઆઇ સૌથી પહેલા પહોંચ્યાઃ ડીસીબી, ટ્રાફિકની ટીમો અને ફાયર બ્રિગેડ ટીમ પણ તાબડતોબ પહોંચી ગઇઃ બેગને કાળજી પુર્વક દૂર લઇ જઇ ખોલાતાં કંઇ ન મળ્યું: અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ઓચિંતા લીધેલી સતર્કતાની પરિક્ષામાં બધા પાસ થયા

તસ્વીરમાં શંકાસ્પદ બેગને ઉઠાવી સલામત સ્થળે લઇ જઇ ખોલવાની કાર્યવાહી કરનાર બોમ્બ સ્કવોડની ટીમ, ઘટના સ્થળે પહોંચેલા તમામ પોલીસ અધિકારીઓ, ફાયર બ્રિગેડ, ડોગ સ્કવોડ સહિતના જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧: શહેરમાં થોડા દિવસો પહેલા ગાંધીગ્રામ પોલીસ મથકની નજીક આવેલા મંદિરના બાંકડા પર કોઇ શંકાસ્પદ બોટલ ભુલી જતાં બોમ્બ હોવાની વાતે દોડધામ મચી ગઇ હતી. એસઓજી અને ગાંધીગ્રામ પોલીસની ટીમ તથા બોમ્બ સ્કવોડે પહોંચી તપાસ કરતાં પેટ્રોલના સેમ્પલની બોટલ નીકળતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. દરમિયાન આજે રાજકોટ દૂરદર્શન કેન્દ્રની પાછળના ભાગે એક શંકાસ્પદ બેગ મળી આવતાં અને તેમાં કંઇપણ હોઇ શકે તેવો ભય સેવાતાં આ અંગે પોલીસને જાણ થતાં જ દસ જ મિનીટમાં કાફલો પહોંચ્યો હતો. બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ પણ પહોંચી ગયા હતા. મેસેજ મળ્યાના દસ જ મિનીટમાં કાફલો પહોંચી ગયો હતો. બેગમાં વિસ્ફોટ કે બીજુ કંઇપણ હોઇ શકે તેવી શંકા સાથે બોમ્બ સ્કવોડના જવાન તકેદારી સાથે બેગને દુર મેદાનમાં લઇ ગયા હતાં અને કાળજીપુર્વક ખોલીને ચેક કરી હતી. પરંતુ અંદરથી કંઇ મળ્યું નહોતું. અંતે આ સમગ્ર કાર્યવાહી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે યોજેલી મોકડ્રીલ હોવાનું ખુલ્યું હતું અને પોલીસ સહિતની ટીમોની સતર્કતા ચકાસવા લેવાયેલી આ પરિક્ષામાં સૌ પાસ થઇ ગયાનું પણ જાહેર થયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સવારે ૧૦:૧૩  કલાકે પોલીસ કન્ટ્રોલ રૂમમાં સિકયુરીટી અધિકારીએ ફોન કરી દૂરદર્શન કેન્દ્રની પાછળના ભાગે એક બિનવારસ શંકાસ્પદ બેગ પડી હોવાની જાણ કરતાં જ કન્ટ્રોલ ઇન્ચાર્જ અને ટીમે તુરત જ ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતાં. આજીડેમ પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાંચ, બોમ્બ સ્કવોડ, ટ્રાફિક બ્રાંચ, ફાયર બ્રિગેડ એમ તમામને તાબડતોબ જાણ કરવામાં આવતાં લગભગ બધા જ મેસેજ મળ્યાની દસ-બાર મિનીટમાં જ પહોંચી ગયા હતાં. બોમ્બ સ્કવોડની ટૂકડી અને ડોગ સ્કવોડ પણ પહોંચ્યા હતા.

એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડ અને આજીડેમ ચોકીના પીએસઆઇ સૌથી પહેલા પહોંચી ગયા હતાં. પીઆઇ વી. જે. ચાવડા, એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ વી. કે. ગઢવી તેમજ પીએસઆઇ પી.એમ. ધાખડા તથા બીજો સ્ટાફ અને અન્ય કર્મચારીઓ પણ પહોંચી ગયા હતાં. બોમ્બ સ્કવોડના જવાને પુરતી તૈયારી સાથે શંકાસ્પદ બેગને દૂર ખુલ્લા સ્થળે લઇ જઇ બાદમાં તેમાં વિસ્ફોટક જ હશે તેવી શંકા સાથે તેને ખોલી હતી. જો કે તેમાંથી કંઇપણ શંકાસ્પદ ન મળતાં સૌએ રાહત અનુભવી હતી.

આ પછી એસીપી એચ. એલ. રાઠોડને આ કાર્યવાહી મોકડ્રીલના ભાગ રૂપે હોવાની જાણ થતાં તેમણે તમામ અધિકારીઓ અને ટીમોને જાણ કરી હતી.

(3:22 pm IST)