Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

રાજકોટ જેલની બેરેકમાં બે કેદી મજાકે ચડયાઃ ધક્કો લાગતાં પડી જતાં કડુકાના જયંતિનું મોત

હોસ્‍પિટલમાં ખસેડાતાં સારવારમાં દમ તોડયોઃ ૩૮ વર્ષનો શખ્‍સ હત્‍યાના ગુનામાં કાચા કામના કેદી તરીકે હતોઃ હત્‍યાના ગુનાના કેદી શિશપાલ આહિરથી ધક્કો લાગી ગયો

રાજકોટ તા. ૧૧: અહિની સેન્‍ટ્રલ જેલની બેરેકમાં રાતે બે કેદી વચ્‍ચે મજાક મશ્‍કરી થતી હતી ત્‍યારે એક કેદી પડી જતાં માથામાં ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્‍યું હતું. મૃતક કેદી હત્‍યાના ગુનામાં સામેલ હતો. જ્‍યારે જેનાથી ધક્કો લાગ્‍યો એ કેદી પણ હત્‍યાના ગુનાનો છે.

જાણવા મળ્‍યા મુજબ રાજકોટ જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવેલા જસદણના કડુકા ગામના જયંતિ ભીખાભાઇ સાગઠીયા (ઉ.૩૮)ને રાતે માથામાં ઇજા થયેલી હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. અહિ તબિબની પુછતાછમાં તેને જેલની યાર્ડ નં. ૩ની બેરેકમાં હતો ત્‍યારે બીજા કાચા કામના કેદી કોટાડ સાંગાણીના શિશપાલ નારણભાઇ આહિર સાથે મજાક મસ્‍તી કરતી વખતે પડી જતાં માથામાં ઇજા થયાનું કહેતાં તબિબે પોલીસને જાણ કરતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ પ્ર.નગરમાં જાણ કરતાં હેડકોન્‍સ. સરસ્‍વતિબેન ડામોરે જરૂરી કાર્યવાહી કરી હતી. બેરેકના સીસીટીવી ચેક કરવામાં આવતાં બંને મજાક મશ્‍કરી કરતાં દેખાયા હતાં.

વધુ માહિતી મુજબ મૃત્‍યુ પામનાર કેદી બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને હત્‍યાના ગુનાનો કેદી હતો.  જેનાથી ધક્કો લાગ્‍યો એ કેદી પણ હત્‍યાના ગુનાનો છે. બંનેને માનસિક બિમારીની દવા ચાલુ હોઇ અલગ જ બેરેકમાં રાખવામાં આવ્‍યા હતાં. ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ બાદ બનાવની આગળની તપાસ એસીપી પી. કે. દિયોરા કરશે.

(10:52 am IST)