Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

ઐતિહાસિક લાખાજીરાજ શાકમાર્કેટ તોડી પાડવા વિચારણા

દાણાપીઠનો પ્રશ્ન ઉકેલ્યો હવે અમારી સમસ્યા ઉકેલોઃ શાકમાર્કેટનાં વેપારીઓએ ધોકો પછાડયો : રાજાશાહી વખતની આ માર્કેટ ખંડેર જેવી બની જતા માર્કેટના વેપારીઓએ આ સ્થળે મલ્ટીસ્ટોરી શોપીંગ સેન્ટરની માંગ ઉઠાવીઃ પ્રતિનિધિ મંડળે મેયરને રજુઆત કરતા સર્વેનાં આદેશો

રાજકોટ તા.૧૧ : શહેરની મધ્યે જુના રાજકોટમાં આવેલ ધર્મેન્દ્ર રોડ પરની ઐતિહાસિક સર લાખાજીરાજ શાકમાર્કેટને તોડી પાડીને તે સ્થળે મલ્ટીસ્ટોરી શોપીંગ સેન્ટર બનાવવા મ્યુ.કોર્પોરેશન દ્વારા ગંભીરતાપુર્વક વિચારણા હાથ ધરી છે.

આ અંગે મેયર ડો.જૈમન ઉપાધ્યાયે આપેલી માહિતી મુજબ તાજેતરમાં જ જુના રાજકોટના દાણાપીઠ અને સટ્ટાબજારમાં ટ્રાફીકનો પ્રશ્ન હલ કરવા વોંકળા ઉપર રસ્તો બનાવવાનો સૈધ્ધાંતિક નિર્ણય થયો ત્યારે હવે ધર્મેન્દ્ર રોડ પરથી સર લાખાજીરાજ શાકમાર્કેટના વેપારીઓએ પણ તેઓની નવી માર્કેટ બનાવવાની વર્ષો જુની માંગણીનો સ્વીકાર કરવા રજુઆત આપતા તંત્ર દ્વારા આ અંગે સર્વે કરાવવા નિર્ણય લેવાયો છે.

મેયરશ્રીએ જણાવેલ કે ૧૯પ૬માં બનેલી સર લાખાજીરાજ શાકમાર્કેટનું બિલ્ડીંગ ખખડધજ ખંઢેર હાલતમાં થઇ ગયુ છે અને હવે તેમાં કોઇ ગ્રાહક આવતા નથી તેથી વેપારીઓને ભાડુ આપવુ પણ પરવડતુ નથી. આર્થિક મુશ્કેલી ઉભી થઇ છે તેવી રજુઆત આ માર્કેટના વેપારીઓ કિશોરભાઇ કારિયા, સુંદરભાઇ પંચુમલ, બીપીનભાઇ પુજારા, મેહુલભાઇ વગેરે દ્વારા કરવામાં આવી છે અને વર્ષો જુની માર્કેટને તોડી પાડી આ સ્થળે નવુ મલ્ટીસ્ટોરી (બહુમાળી) શોપીંગ સેન્ટર બનાવવા માંગ ઉઠાવી હતી. જેથી વેપારીઓના રોજગાર વિકસી શકે અને આર્થિક સંકડામણ દુર થાય તેમજ ટ્રાફીક-પાર્કીંગની સમસ્યા પણ હળવી થશે કેમ કે હાલ આ માર્કેટને કારણે પરાબજાર અને ધર્મેન્દ્ર રોડ પર વાહન પાર્કીંગની સમસ્યા વિકરાળ બની છે. નવા શોપીંગ સેન્ટરમાં વાહન પાર્કીંગની સુવિધા ઉપલબ્ધ બનાવી શકાય માટે આ વર્ષો જુની સમસ્યા ઉકેલવા વેપારીઓએ માંગ ઉઠાવી છે.

નોંધનીય છે કે આ જુનવાણી માર્કેટમાં ૪ દુકાનો, ૧૮ર શાકભાજીના થડા અને ૩ર જેટલી વખાર (ગોડાઉન) છે. જે તમામ જર્જરીત થઇ ગયા છે.

હેરીટેજ બિલ્ડીંગ હોવાથી નવુ બાંધકામ થઇ શકે કેમ ?

દરમિયાન આ શાકમાર્કેટનો સરકારી હેરીટેજ (ઐતિહાસિક) બિલ્ડીંગમાં સમાવેશ કર્યો છે કે કેમ ? અને જો હેરીટેજ બિલ્ડીંગ હોય તો તેને તોડી પાડને નવુ બાંધકામ થઇ શકે કેમ ? તેવા ટેકનીકલ પ્રશ્નો પણ આ યોજનામાં થવાની શકયતા હોય સૌ પ્રથમ આ તમામ બાબતો ચકાસી અને ત્યારબાદ શાકમાર્કેટનું ક્ષેત્રફળ કેટલુ છે ? કેટલા વેપારીઓને સમાવી શકાય, પાર્કીંગ, સુવિધા વગેરે બાબતોનો સર્વે કરાશે અને માર્કેટમાં તમામ વેપારીઓને વિશ્વાસમાં લીધા બાદ આ અંગેનો ચોક્કસ નિર્ણય લેવાશે તેમ મેયરશ્રીએ અંતમાં જણાવેલ છે.

(4:33 pm IST)