Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

ગુજરાત અર્બન કો-ઓપ.બેંકસ ફેડરેશનના ચેરમેન પદે પુનઃ જયોતિન્દ્ર મહેતા

ડોલરરાય કોટેચા વાઇસ ચેરમેન : વાર્ષિક સભામાં જાહેરાત : કુલ ૯ ડીરેકટરો ચુંટાઇ આવ્યા : અભિનંદનવર્ષા

રાજકોટ : ગુજરાત અર્બન કો-ઓપરેટીવ બેંકસ ફેડરેશનની ૪૫ મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળી જતા પાંચ વર્ષ માટે ચુંટાઇ આવેલ બોર્ડ ઓફ ડિરેકટર્સના નામો જાહેર કરાયા હતા. કુલ ૯ બોર્ડ ઓફ ડિરેકટર્સ ચુંટાઇ આવેલ. જેમાં ચેરમેન તરીકે જયોતિન્દ્રભાઇ મહેતા સતત છઠ્ઠી વખત અને ડોલરરાય કોટેચા વાઇસ ચેરમેન તરીકે સતત પાંચમી વખત ચુંટાઇ આવેલ. સાધારણ સભાને સંબોધતા જયોતિન્દ્રભાઇએ જણાવેલ કે અર્બન કો.ઓ. બેંકોએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનામાં ખુબ ગૌરવપ્રદ કામ કર્યુ છે. ર લાખ વ્યકિતઓને રૂ.૨૨૦૦ કરોડનું ધિરાણ કરેલ. કોવિડ-૧૯ ની મહામારીમાં બેંકોના સ્ટાફે ફ્રન્ટલાઇન વોરીયર તરીકે સેવા આપેલ. દરમિયાન સહકારી આગેવાન અને કર્મચારીઓએ આ સમયગાળામાં જીવ ગુમાવ્યા તેઓને આ તકે શ્રધ્ધાંજલી અર્પવામાં આવી હતી. રજીસ્ટ્રાર શ્રી ડી. પી. દેસાઇએ સભા સંબોધતા જણાવેલ કે અર્બન બેંકોમાં સાયબર સીકયુરીટી વધુ મજબુત થાય તેવા પ્રયાસો જરૂરી છે. આમા જરૂર હોય ત્યાં સરકાર મદદ કરશે. ઓટીએસ માટે પણ સરકારનું હકારાત્મક વલણ છે. ગુજરાત સ્ટેટ કો-ઓ. બેંકના ચેરમેન અજયભાઇ પટેલે જણાવેલ કે બેંકોની હાલ જે કામ કરવાની પધ્ધતિ છે તેમાં જડમૂળથી ફેરફાર કરવાની જરૂર છે. બેંકો તેમની સીડી રેશિયો ૫૦ ટકાથી ૬૫ ટકા રાખવા સફળ નહી થાય તો તેમના અસ્તિત્વનો સવાલ ઉભો થઇ શકે. જે બેંકોના મર્જર બાબતનો મહત્વનો સંકેત આપે છે. તસ્વીરમાં સોવેનીયરનું વિમોચન અને નવા સુકાનીઓનું સન્માન થતુ નજરે પડે છે.

(2:45 pm IST)