Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

ચાર માસમાં સિવિલમાં કોવિડના ૮૬ અને નોન કોવિડના ૧૩૫૫ દર્દીઓનું ખુબ સાવચેતીપુર્વક કરાયું ડાયાલિસિસ

સુગમ વ્યવસ્થા સાથે કોરોના તથા અન્ય રોગના દર્દીઓની સારવાર કરતી સિવિલ હોસ્પિટલ

રાજકોટ : માનવીય શરીર રચનામાં દરેક અંગ અને દરેક ક્રિયાનું સવિશેષ મહત્વ હોય છે. ખાસ કરીને લોહી શુધ્ધિકરણની પ્રક્રિયા. આ પ્રક્રિયા વ્યવસ્થિત થાય તે માટે કીડની મહત્વની ભુમિકા ભજવે છે. પરંતુ જયારે કીડની કોઈ બિમારીને કારણે લોહી શુધ્ધિકરણની પ્રક્રિયા કરવાનું બંધ કરી દે ત્યારે માનવ શરીર સામે અનેક મુશ્કેલીઓ ઉભી થતી હોય છે. ત્યારે આ મુશ્કેલીને દૂર કરવા અને માનવજીવનને બચાવવા તબીબો દ્વારા ડાયાલીસીસની પ્રક્રિયા હાથ ઘરવામાં આવે છે.

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કિડની તેમજ બિમારી ધરાવતા દર્દીઓનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેનો મેડીકલ સ્ટાફ દર્દીઓની મહામુલી જીંદગી બચાવવા માટે અથાક પ્રયાસો સાથે પોતાની કામગીરી કરી રહ્યા છે. કોરોનાના દર્દીઓની સાથે અન્ય બિમારીથી પીડિત દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તેવી સુગમ વ્યવસ્થા સાથે સારવાર આપવામાં આવી રહી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આઈ.કે.ડી.આર.સી દ્વારા સંચાલિત ડાયાલીસીસ વિભાગમાં કામ કરતાં ડો. ક્રિષ્નાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ડાયાલીસીસ વિભાગ દ્વારા કોવીડ-૧૯ હોસ્પિટલના દરેક ફલોર પર કોવીડ પોઝીટીવ અને લીવર ફેલ્યોરના ૨ થી ૩ દર્દીઓનું રોજ ડાયાલીસીસ કરવામાં આવે છે. જેમાં જુન મહિનામાં ૨, જુલાઈમાં ૧૦ ઓગસ્ટમાં ૨૮, સ્પ્ટેમ્બરમાં ૪૬ એમ કુલ ૮૬ દર્દીઓનું ૧૦૪ વાર ડાયાલીસીસ કરવામાં આવ્યું છે. જયારે નોન કોવીડના ૧૩૫૫ દર્દીઓનું ડાયાલીસીસ કરવામાં આવ્યું છે.

કોવીડ -૧૯ હોસ્પિટલમાં ડાયાલીસીસ ટેકિનશિયન તરીકે ફરજ નિભાવતા કૌશલ બિસેનએ કહ્યું હતું કે, 'કોવીડ પોઝીટીવ હોય અને સાથે કીડની ફેઈલ હોય તેવા દર્દીઓને કોરોના વોર્ડમાં જઈને આર્ટીફિશિયલ રીતે જેમ કીડની શરીરમાં કામ કરતી હોય તેવી જ રીતે આધુનિક મશીન અને સુવિધા સાથે દર્દીને લોહી શુધ્ધિકરણ કરી આપવામાં આવે છે. તેમના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે.' આ માટે અલાયદી વ્યવસ્થાન ઉભી કરાઇ છે. જેથી નોનકોરોના દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાઇ.  

આમ દર્દીઓના સુખદ સ્વાસ્થ્ય અને દિર્ધાયુ જીવન માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેના આરોગ્ય કર્મીઓ અનેક મોરચે લડાઈ લડી રહ્યા છે. તેમની આ કર્તવ્ય નિષ્ઠા આપણા સૌ માટે પ્રેરણાદાયી છે.

(1:07 pm IST)