Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પર્વાધિરાજ - પર્વ પર્યુષણ દિન - અષ્ટમ્

સંવત્સરી મહાપર્વ - વેરના બીજને દૂર કરવાનો અમુલ્ય અવસર

પર્વાધિરાજ પર્વ પર્યુષણનો આઠમો દિવસ સંવત્સરી મહાપર્વ છે. આજે સર્વોત્તમ આરાધનાનો દિવસ આવી ગયો. નોકરી, વ્યાપાર આદિને કારણે સાત દિવસ ન આવનાર આજે અચુક આવે છે. આજે સવારે ગુરૂભગવંતો વ્યાખ્યાનમા બારસા સુત્રનું વાંચન કરે છે. આ બારસા સુત્ર અર્ધમાગધી ભાષામાં છે. તે કલ્પસુત્રના આઠ વ્યાખ્યાનનો સાર છે. આજે પર્યુષણનો છેલ્લો દિવસ છે.

આજે ક્ષમાના અમૃત ઘટનો દિવસ આવ્યો છે. પ્રેમ અને વહાલના જેટલા ઘૂટડા લઇ શકાય તેટલા લેવા જોઇએ. આજે સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા દરેક જીવને ખમાવી લેવા. એક પણ વ્યકિત સાથે મતભેદ રહી જાય તો સાધના સફળ થતી નથી. આપણે ક્રોધ કરીશું તો આપણે જ દુર્ગતિમાં જવુ પડશે.

આજે તમામ ઉપાશ્રયોમાં લગભગ બપોરે ૩ કલાકે સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરવામાં આવે છે. લગભગ ૩ કલાકની આ વિધિ હોય છે. તમામ જૈનો પુરા ઉલ્લાસથી આ વિધિ કરે છે. ૮૪ લાખ જીવાયોની પ્રત્યે મિત્રતા નિર્માણ કરવી. સાંવત્સરીક મહાપર્વના દિવસે 'મિચ્છામિ દુકકડં' માગી સાચુ ભાવ પ્રતિક્રમણ કરી ક્ષમાપર્વની આરાધના કરીએ.

આ સાંવત્સરિક મહાપર્વના દિવસે ૩ વાતનો સંકલ્પ કરીએ. ૧) કોઇ ક્રોધ કરશે તો હું ક્ષમા રાખીશ. (ર) ક્રોધ થઇ જશે તો ક્ષમા માગીશ. (૩) કોઇ ક્ષમા માંગશે તો હું ક્ષમા આપીશ. બાર મહિના ભલે પાનખર હોય પણ પર્યુષણ તો વસંતઋતુ છે. હૈયાથી ક્ષમા માગી જીવન સફળ બનાવીએ એ જ શુભેચ્છા.

આ આઠ દિવસના લેખમાં વિતરાગની આજ્ઞા વિરૂધ્ધ લખાઇ ગયું હોય તો 'મિચ્છામી દુકકડં'.

હિમાંશુ બી.દેસાઇ મો.૯૪૨૯૩ ૧૫૩૨૦

(3:43 pm IST)