Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પૂ. ઉર્મીલાબાઈ મ.સ.ના ૧૨માં માસક્ષમણનો પારણા મહોત્સવ

સંઘાણી સંપ્રદાયના ઉગ્ર તપસ્વી રત્ના

રાજકોટ, તા. ૧૦ :. શ્રી સંઘાણી સંપ્રદાયના શાસનદીપક ગુરૂદેવ બા.બ્ર.પૂ. નરેન્દ્રમુની મહારાજ સાહેબ એવમ્ ચારિત્ર્ય જયેષ્ઠા પૂ.બા.બ્ર. જય-વિજયાજી મહાસતીજી (મા સદાક્ષી)ના સુશિષ્યા પૂ.બ્રા. પૂ. ઉર્મિલાબાઈ મહાસતીજીના ૧૨મા માસક્ષમણ તેમજ સતત ચોથા માસક્ષમણના ચારણનો પ્રસંગ ગોંડલ સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘના પ્રસચંડ પૂણ્યોદયે તારીખ ૧૪-૯-૨૧ને મંગળવારના રોજ સંઘાણી સ્થાનક ઉપાશ્રયે ૧૧.૧૫ કલાકે યોજેલ છે. પૂ. ઉગ્ર તપસ્વી બા.બ્ર. ઉર્મિલાબાઈ સ્વામીની શાતા પૂછાણ કરવા માટે મહાવીર જયંતીના દિવસે ગુજરાત રત્ન પૂ.બા.બ્ર. શુશાંતમુની મહા. સાહેબ એવમ્ ક્રાંતિકારી સતગુરૂ પૂ.બા.બ્ર. પારસમુની મહારાજ સાહેબ ગોંડલના પાંચેય સંઘના શ્રાવક-શ્રાવીકાઓ સહુ વિશાળ જનસમુદાયમાં રેલી સ્વરૂપે સરકારશ્રીના નિયમોનું પાલન તથા સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરીને સંઘાણી ઉપાશ્રયે પધારેલ અને ગુરૂદેવની આજ્ઞાથી ઉગ્ર તપસ્વી પૂ.બા.બ્ર. ઉર્મીલાબાઈ મહાસતીજીના શ્રીમુખેથી માંગલીક ફરમાવેલ અંતમાં પ્રમુખશ્રી અશોકભાઈ કોઠારીએ ઉપસ્થિત સમુદાયનો આભાર વ્યકત કરેલ હતો.

ગોંડલ જૈન સમાજમાં અનેરો ઉત્સાહ પ્રવર્તે છે અને ગોંડલ સંઘાણી સંઘના સર્વે કારોબારી સભ્યો તેમજ નૂતન જય-વિજય મહિલા મંડળનો ઉત્સાહ અનેરો છે. પૂ. ઉર્મીલાબાઈ મહાસતીજીની તપ અનુમોદના અર્થે સાંજીના ગીતો રવીવાર બપોરે પાંચેય સંઘના બહેનો દ્વારા સાંજી ગીત કાર્યક્રમ રાખેલ છે અને સોમવારે ગોંડલના તમામ મહિલા મંડળના બહેનો દ્વારા સાંજીના ગીતનો કાર્યક્રમ રાખેલ છે. આ આયોજન નૂતન જય-વિજય મહિલા મંડળ દ્વારા કરવામાં આવેલ છે.

તારીખ ૧૪-૯-૨૧ મંગળવારે સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ સુધી ધર્મસભા દાદા ડુંગરગુરૂ ઉપાશ્રયે સર્વ સંત સતીજીઓના સાનિધ્યે રાખેલ છે. આ ધર્મસભામાં પૂ. ઉગ્ર તપસ્વી ઉર્મીલાબાઈ મહાસતીજીના અભિગૃહ અનુસાર પાંચ દંપતીઓ ચોથા વ્રતના (બ્રહ્મચર્ય વ્રત) પચ્ચકખાણ અંગીકાર કરશે. તેઓનું શ્રી સંઘ દ્વારા શાલ ઓઢાડીને બહુમાન કરવામા આવશે. ધર્મસભા પૂર્ણ થયેથી પૂ. બા.બ્ર. ઉર્મીલાબાઈ મહાસતીજીનું પારણુ ૧૧.૧૫ કલાકે સંઘાણી ઉપાશ્રયે કરાવાશે. આ પ્રસંગ નિમિતે સંઘાણી સ્થાનકવાસી જૈન સંઘ તેમજ બહારગામથી પધારેલા સંઘના અતિથિઓ આમંત્રીત મહેમાનોનું સ્વામી વાત્સલ્ય જમણ બેનાણી વાડીમાં યોજેલ છે.

આ પ્રસંગ સફળ બનાવવા પ્રમુખ શ્રી અશોકભાઈ કોઠારી, કનુભાઈ સંઘાણી, ગીરીશભાઈ બાવીસી, કમલેશભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સંઘાણી, બીપીનભાઈ શેઠ, ભાવેશભાઈ બાવીસી, નરેન્દ્રભાઈ સંઘાણી વગેરે કારોબારી સમિતિ દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવેલ છે તેમ સંઘાણી સંપ્રદાય પ્રમુખ શ્રી અશોકભાઈ કોઠારીની યાદી જણાવે છે.

(3:40 pm IST)