Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

બે ભેરૂબંધ શ્યામ-દિશાંતનો આપઘાત સર્જે છે ભેદભરમ

સંતકબીર રોડ ગોકુલનગરનો શ્યામ મેવાડા (રાવળદેવ) (ઉ.૨૦) મોરબી રોડ પાસે રેતીના ઢગલા પરથી બેભાન મળ્યોઃ કુવાડવા રોડ લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતો દિશાંત ઝાલા (વાલ્મિકી) (ઉ.૧૬) ઘરે આવી બેભાન થઇ ગયોઃ બંનેના ઝેરથી મોત થયાનો પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો : ચાર-પાંચ મહિનાથી બંને મિત્રો બન્યા હતાં: બંનેએ મોરબી રોડ જુના જકાતનાકા પાસે સજોડે ઝેર પીધા બાદ શ્યામ ત્યાં જ ઢળી પડ્યો અને દિશાંત ઘરે જઇ બેભાન થઇ ગયોઃ બંનેના હોસ્પિટલમાં મૃતદેહ જ પહોંચ્યાઃ શ્યામનું વર્તન કેટલાક દિવસથી ફરી ગયું હતું: તે ઘરમાં બહુ ઓછો રહેતો હતો : દિશાંત બે બહેનનો એકનો એક ભાઇ હતો : શ્યામ ત્રણ ભાઇ, બે બહેનમાં નાનો હતોઃ બંનેના પરિવારોમાં કલ્પાંત : દિશાંતના મૃતદેહની વાંકાનેરના મહિકા ગામે વતનમાં અંતિમવિધીઃ બંનેના સ્વજનો કહે છે-અમે કોઇપણ પ્રકારનો ઠપકો આપ્યો નથી, કારણ અંગે અમને કંઇ ખબર નથી

તસ્વીરોમાં ઉપરથી પ્રથમ શ્યામ મેવાડા અને તેનો મૃતદેહ તથા દિશાંત ઝાલા અને તેનો મૃતદેહ જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં મૃતકોના શોકમય સ્વજનો નજરે પડે છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: શહેરના કુવાડવા રોડ ડી માર્ટ પાછળ લોકમાન્ય તિલક ટાઉનશીપમાં રહેતાં અને અભ્યાસ કરતાં ૧૬ વર્ષના દિશાંત અરજણભાઇ ઝાલા (વાલ્મિકી) અને સંત કબીર રોડ પર ગોકુલનગર-૧માં રહેતાં તથા યાર્ડમાં મજૂરી કરતાં તેના મિત્ર ૨૦ વર્ષના શ્યામ વિનુભાઇ મેવાડા (રાવળદેવ) અલગ અલગ જગ્યાએ બેભાન થઇ ગયા બાદ બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં મોત નિપજ્યા હતાં. બંને મિત્રોના મોત ઝેરથી થયાનો પોસ્ટ મોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવતાં બંનેએ સજોડે ઝેર પીધાનું તારણ નીકળ્યું છે. જો કે આવુ પગલુ શા માટે ભર્યુ? તે અંગે કારણ બહાર ન આવતાં ભેદભરમ સર્જાયા છે. કારણ શોધવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળ્યા મુજબ લોકમાન્ય તિલક ટાઉનશીપ આરએમસી કવાર્ટરમાં રહેતો દિશાંત અરજણભાઇ ઝાલા (ઉ.વ.૧૬) સાંજે પોણાઆઠેક વાગ્યે બહારથી ઘરે આવી સીધો જ સેટી પર સુઇ ગયો હતો. તેના મોઢામાંથી સફેદ ફીણા નીકળતાં હોઇ પિતા વિનુભાઇ ગોવિંદભાઇ ઝાલા, માતા નિરૂબેન અને બીજા સગા હતપ્રભ થઇ ગયા હતાં. તે બેભાન જેવો જોઇ ગયો હોઇ તુરત જ રિક્ષા મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. રસ્તામાં પિતા અરજણભાઇએ શું થયું? શું પીધું? એવા અનેક સવાલ પુછ્યા હતાં. પરંતુ દિશાંત બોલી શકયો નહોતો. સિવિલ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

બીજી તરફ મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે રેતની ઢગલા પર એક યુવાન પડ્યો હોઇ અને તેની બાજુમાં બાઇક હોઇ કોઇએ ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ પહોંચી હતી. આ યુવાનને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો. તેને પણ તબિબે મૃત જાહેર કર્યો હતો. મૃતક પાસેના મોબાઇલમાંથી ૧૦૮ના તબિબે અલગ અલગ નંબર પર સંપર્ક કરતાં મૃતકના ભાઇ રોહિત મેવાડાએ ફોન રિસીવ કર્યો હતો અને એ રીતે મૃતકનું નામ શ્યામ વિનુભાઇ મેવાડા (રહે. ગોકુલનગર-૧) હોવાનું ખુલ્યું હતું.

બનાવની અલગ અલગ એન્ટ્રી હોસ્પિટલ ચોકીના સ્ટાફે નોંધાવતાં બી-ડિવીઝનના હેડકોન્સ. કે. કે. નિકોલા અને ભાવેશભાઇ રબારીએ હોસ્પિટલે પહોંચી એ. ડી. નોંધી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહોના પોસ્ટ મોર્ટમ કરાવતાં બંનેના મોત ઝેરથી થયાનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો હતો.

મૃત્યુ પામનાર દિશાંત બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. તેને ભણવા મોડો બેસાડ્યો હોઇ હાલમાં તે આજી વસાહતમાં આવેલી શાળા નં. ૭૬માં ધોરણ-૬માં ભણતો હતો. તેના પિતા અરજણભાઇ ધીરૂભાઇ ઝાલા પ્રાઇવેટ સફાઇ કામ કરે છે. માતાનું નામ નીરૂબેન છે. પિતા અરજણભાઇએ કહ્યું હતું કે શ્યામને ઘરમાં કોઇએ કંઇ કહ્યું નહોતું. તેને શ્યામ સાથે કેટલાક સમયથી મિત્રતા હતાં. શ્યામના મોટા બાપુ લોકમાન્ય તિલક કવાર્ટરમાં રહેતાં હોઇ શ્યામ અહિ આવતો જતો હોવાથી દિશાંત અને શ્યામ વચ્ચે મિત્રતા થઇ હતી. દિશાંતે આવુ પગલુ શા માટે ભર્યુ તેની અમને જાણ નથી. શ્યામના મૃતદેહને અંતિમવિધી માટે વતન વાંકાનેરના મહિકા ગામે લઇ જવાયો હતો.

જ્યારે શ્યામ મેવાડા ત્રણ ભાઇ અને બે બહેનમાાં નાનો હતો. તે યાર્ડમાં મજૂરી કરતો હતો. તેના માતાનું નામ પ્રફુલાબેન છે. તેના પિતા વિનુભાઇ ગોવિંદભાઇ મેવાડા ડાકલા વગાડી ગુજરાન ચલાવે છે. ભાઇ રોહિતે કહ્યું હતું કે શ્યામ યાર્ડમાં મજૂરીએ જતો હતો. પરંતુ છેલ્લા એકાદ અઠવાડીયાથી તેનું વર્તન ફરી ગયું હતું. તે ઘરમાં કોઇ સાથે બહુ બોલતો નહિ. સુવા અને જમવા માટે જ આવતો હતો. અઠવાડીયાથી મજૂરીએ પણ જતો નહોતો. ગઇકાલ સાંજે તે ઘરેથી નીકળ્યા બાદ મને તે મોરબી રોડ જુના જકાતનાકા પાસે રેતીના ઢગલા પર બેભાન પડ્યો હોવાનો ૧૦૮માંથી ફોન આવ્યો હતો. તેને ઘરમાં કોઇનો ઠપકો પણ નહોતો કે તેને કોઇ છોકરી સાથે પણ મિત્રતા નહોતી. આ પગલુ શા માટે ભર્યુ તેની અમને ખબર નથી.

બંને મિત્રોએ મોરબી રોડ જકાત નાકા પાસે ઝેરી પ્રવાહી પીધા બાદ વધુ અસર થતાં શ્યામ ત્યાં જ બેભાન થઇ પડી ગયાની અને દિશાંતને ઓછી અસર હોઇ તે ઘરે પહોંચ્યા બાદ ઝેરી અસર થતાં બેભાન થઇ ગયાની શકયતા પોલીસ ચકાસી રહી છે. બંનેના પરિવારજનો આ ઘટનાથી હતપ્રભ થઇ ગયા છે. પોલીસે કારણ શોધવા મથામણ આદરી છે. (૧૪.૭)

સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેઇલને આધારે તપાસ થશેઃ પીઆઇ ઓૈસુરા

. બે મિત્રોએ ભેદી સંજોગોમાં આપઘાત કરી લીધાની ઘટનાની તપાસ પીઆઇ એમ. બી. ઓૈસુરાની રાહબરીમાં હાથ ધરવામાં આવી છે. બંને મિત્રોના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવામાં આવશે તેમજ આ બંને ખરેખર કયાં ભેગા થયા હતા? બંનેએ એક જ સ્થળે દવા પીધી હતી કે કેમ? તે સહિતની હકિકત જાણવા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવશે. આ ઉપરાંત બંનેના સ્વજનો, કુટુંબીજનો, મિત્રો પાસેથી પણ વિગતો મેળવવા તજવીજ કરવામાં આવી રહી છે.

(3:23 pm IST)