Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

આર.ટી.પી.સી.આર.- એન્ટીજન ટેસ્ટ કરાવેલ ન હોય તો પણ કલેઇમની રકમ મળી શકેઃ ચુકાદો

ગાહક તકરાર ફોરમ દ્વારા ફરીયાદ મંજુર : કલેઇમ રદ કરવો યોગ્ય નથી

રાજકોટ, તા., ૧૦:  કોરોના મહામારીના સંજોગો ધ્યાને લીધા વીના વજુદ-વિહિન વાંધા કાઢી કલેઇમ નામંજુર કરવો એ ગ્રાહક સેવામાં ખામી જ ગણાય તેવો ગ્રાહક તકરાર નિવારણ ફોમરે મહત્વનો ચુકાદો આપેલ છે.

રાજકોટના સાન્યા બ્રિજેશભાઇ વાધવાણીએ ફયુચર જનરાલી ઇન્સ્યુરન્સ કુ.લી. કંપનીમાંથી તેમનો તથા તેમના પતિ અને બાળકોની કોરોના કવચ પોલીસી રૃા. પ,૦૦,૦૦૦ લીધેલ હતી. સદરહું પોલીસીની શરતો અનુસાર કોઇને પણ કોવીડ-૧૯ (કોરોના) થાય અને સારવાર લેવાની જરુરીયાત થાય તો તે સબબના કોઇ જાતના ખર્ચ વિમા કંપનીએ ચુકવવાના થતા હતા. એટલે કે ખાસ કોવીડ-૧૯ સામે રક્ષણ આપતી પોલીસી વિમા કંપની દ્વારા આપવામાં આવેલ હતી. સાન્યા બ્રિજેશભાઇ વાધવાણીને શરદી અને તાવ આવતો હતો અને શ્વાસ લેવાની તકલીફ ઉભી થયેલ અને ઓકસીજનનું પ્રમાણ ઘટી ગયેલ તેથી તેમને ડોકટરે સુચવેલ રીપોર્ટ કરાવેલ હતા. જેની કલીનીકલ ડીટેઇલમાં કોવીડ સસ્પેકટ જણાવેલ હતું અને ઘરે પ્રાથમીક સારવાર મેળવેલ.

ત્યાર બાદ તેમની તબીયત વધુ બગડતા ફરી સીટી સ્કેન ચેસ્ટ કરાવેલ હતુ અને તબીબી અભિપ્રાય અનુસાર તેઓ સુધી ઇન્ડોર પેશન્ટ તરીકે કોવીડ દેવ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ થયેલ હતા. જયાં તેમની કોવીડ-૧૯ (કોરોના)ની સારવાર કરવામાં આવેલ હતી અને સારવારમાં કુલ રૃા. ર,૩૩,૧૯૧ નો ખર્ચ થયેલ હતો. ત્યાર બાદ કલેઇમની રકમ મેળવવા વિમા કંપનીમાં કાગળો રજુ કરેલ પરંતુ આર.ટી.પી.સી.આર. કરવામાં આવેલ ન હોય અને સરકારના આદેશ અને પોલીસીની શરત અનુસાર આવો રીપોર્ટ જરૃરી હોય કલેઇમ નામંજુર કરવાનું કારણ ધરી કલેઇમ નામંજુર કરેલ. જેથી સાન્યા બ્રિજેશભાઇ વાધવાણીએ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ (એડીશનલ) સમક્ષ વિમા કંપની વિરૃધ્ધ ફરીયાદ દાખલ કરેલ હતી. જેને ગ્રાહક ફોરમે મંજુર કરી હતી.

વિમા કંપની દ્વારા એવુ જણાવવામાં આવેલ કે પોલીસીની શરત અને સરકારના આદેશ અનુસાર આર.ટી.પી.સી.આર.રીપોર્ટ જરૃરી હોય કલેઇમ નામંજુર કરવામાં આવેલ છે. ફરીયાદીના વકીલ શૈલેન્દ્રસિહ આર. જાડેજા દ્વારા મદ્રાસ  હાઇકોર્ટનો ચુકાદો  રજુ રાખી તર્કબધ્ધ દલીલ કરેલ અને રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ (એડીશ્નલ) દ્વારા નોંધવામાં આવ્યું કે માત્ર ટેસ્ટ ન હોવાને લઇ કલેઇમ ના મંજુર  કરવો યોગ્ય અને વાજબી નથી. અને રાજકોટના લેબ પાસે પુરતા પ્રમાણમાં સંશાધનો ન હતા અને લેબો પણ આવો ટેસ્ટ કરવા સક્ષમ ન હતી ત્યારે તબીબોએ સીટીસ્ક્રેન પોઝીટીવ ગણીને સારવાર કરેલ છે. ત્યારે વિમા કંપનીનો આવો રીપોર્ટ રજુકરવાનો આગ્રહ સ્વીકારી શકાય નહી. તેમજ સુપ્રીમ કોર્ટે અને આઇઆરડીએ ના વિધાન પરીપત્રો પણ આ સંબંધે પ્રસિધ્ધ  કરવામાં આવેલ છે.

આ કામે ફરીયાદી સાન્યા બ્રિજેશભાઇ વાધવાણીવતી રાજકોટના એડવોકેટ શૈલેન્દ્રસિંહ આર. જાડેજા, કેતન વી. જેઠવા, સંદીપ આર. જોષી તથા શુભમ આર.જોષી રોકાયેલ હતા.

(3:54 pm IST)