Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ધર્મભકિત સાથે રાષ્ટ્રભકિત : ૧૬મીએ જન્માષ્ટમીની આમંત્રણ રેલી

 

મસ્તક મોર મુકુટ હૈ શોભે, હોઠો પે બાંસુરી પ્યારી, ઉંગલી પર ગોવર્ધન પર્વત ઔર સબ કે દિલ મેં ગિરધારી...  : કૃષ્ણ જન્મોત્સવ નિમિતના કાર્યક્રમોમાં જોડાવા નરેન્દ્રબાપુની હાકલ : ફલોટ માટેના વાહનો ૧૩મી સુધીમાં નોંધાવી દેવા

વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરીત જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા મંડળો અને જ્ઞાતિઓના આગેવાનોની યોજાયેલ બેઠકમાં આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ સંબોધન કરેલ તે પ્રસંગની તસ્વીરમાં બાજુમાં નરેન્દ્રભાઇ દવે અને અન્ય આગેવાનો ઉપસ્થિત છે.

રાજકોટ તા. ૧૦ : વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમી મહોત્સવ દ્વારા છેલ્લા ૩પ વર્ષથી વિશ્વ પ્રસિઘ્ધ ધર્મયાત્રા (રથયાત્રા) નું આયોજન થાય છે. આ રાજકોટને કૃષ્ણમય બનાવવા માટે વિ.હિ.પ. રાજકોટની અનેક સંસ્થા, ગ્રુપ, મંડળ વિગેરેને સાથે રાખીને ભવ્ય આયોજન કરતું રહયું છે. જેના સંદર્ભમાં મેઘાણી રંગભવન, ભકિતનગર સર્કલ ખાતે, બહોળી સંખ્યામાં અલગ–અલગ રાજકોટની સંસ્થાના પ્રતિનીધિઓની હાજરીમાં જન્માષ્ટમી મહોત્સવની પૂર્વ તૈયારીના ભાગ રૃપે બેઠકનું આયોજન કરાયુ હતું. તા. ૧૬ મંગળવારે સાંજે ૫ વાગ્યે મવડી ચોકડીથી પેડક રોડ સુધી યાત્રાના રૃટ પર આમંત્રણ બાઇક રેલી યોજાનાર છે.

વિ.હિ.પ. અનેક દાયકાઓથી સમગ્ર ભારતની સૌથી મોટી જન્માષ્ટમી શોભાયાત્રાનું આયોજન કરે છે. જેમાં સમગ્ર રાજકોટના અનેક યુવા મંડળો, ગ્રુપ, સંસ્થા, એનજીઓ, વિગેરે હોશભેર જોડાય છે અને તેમના ફલોટ લઈને રથયાત્રાને ભવ્ય બનાવે છે.

બેઠકમાં શ્રી નરેન્દ્રભાઈ દવે દ્વારા યાત્રા શા માટે યોજવી જોઈએ તે અંગે ખૂબ મુદૃાસર છણાવટ કરી જણાવ્યુ હતું કે, ભારતીય સંસ્કૃતિના સંવર્ધન, સંરક્ષણ, સામાજીક સમરસ્તા માટે યાત્રા જરૃરી છે. ધર્મભકિત સાથે રાષ્ટ્રભકિતને જોડવા માટેની આ યાત્રા છે. કેમ કે હાલમાં આપણે સૌ આઝાદીના અમૃત મહોત્સવને ઉજવી રહયાં છીએ, આપણા વીર સહીદોએ પોતાનું જીવન સમર્પિત કરીને આપણને જે આઝાદી અપાવી છે તેનું આપણને ગૌરવ હોવું જોઈએ. શહીદોને યાદ કરવા માટે પણ આ અંજલીરૃપી યાત્રા છે.

વર્ષ ર૦રર ની જન્માષ્ટમી શોભાયાત્રાના ધર્માઘ્યક્ષ પૂ. નરેન્દ્રબાપુએ પોતાની જોશીલી અને પ્રેરક વાણીમાં તમામ લોકોને રથયાત્રામાં બહોળી સંખ્યામાં જોડાવવા આહવાન કરી ભાર મુકયો હતો કે આપણે સમગ્ર હિન્દુ સમાજએ અલગ–અલગ જ્ઞાતિના વાડાઓમાંથી બહાર આવીને હમ સબ હિન્દુ એક હૈ ના નારાને ચરિતાર્થ કરતા એક થઈને જગતના નાથ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવમાં જોડાઈ જવું જોઈએ. હિન્દુ સમાજને અત્યારની પરિસ્થિતિ જોતા એક થવું, સંગઠીત થવું ખૂબ જરૃરી છે. આપણા સૌની નૈતિક જવાબદારી છે આપણા ધર્મ, સંસ્કૃતિ, સંસ્કારો, વિચારો વિગેરે આપણી આવનારી પેઢીઓ સુધી જીવંત રાખવા પણ એક થઈને આપણી હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મનું રક્ષણ કરવા આગળ આવવું જોઈએ. સાથે આપણી હિન્દુ સંસ્કૃતિનું અભિન્ન અંગ એવી ગાયમાતાના રક્ષણ માટે સૌએ વિ.હિ.પ. ને શકય એટલી મદદ કરવી જોઈએ. જેમ શહીદોએ આપણને ગુલામીના જંજીરમાંથી મુકત કરીને આઝાદી અપાવી માટે જ આજે આપણે કોઈની ગુલામી વગર સ્વતંત્ર રીતે આપણું જીવન જીવી રહયાં છીએ.

શ્રી નરેન્દ્રબાપુએ ઉપસ્થિત તમામ ગ્રુપ, સંસ્થા, મંડળ, એનજીઓ વિગેરેના આગેવાનોને આ વખતના પ્રથમ અને નવા પ્રયાસ રૃપે જન્માષ્ટમી શોભાયાત્રામાં નગરજનોને જોડાવવા માટે એક આમંત્રણ બાઈક રેલીનું આગામી તા. ૧૬ ના રોજ સાંજે પ–૦૦ કલાકે મવડી ચોકડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે તેમાં જોડાવવા માટે હાકલ કરી છે. આ રથયાત્રા આમંત્રણ બાઈક– કાર રેલી મવડી ચોકડીથી થઈને જે રૃટ ઉપર જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળવાની છે એ સમગ્ર રૃટ ઉપર ફરી વળશે અને જન્માષ્ટીના દિવસે મોટી સંખ્યામાં આખા રાજકોટનો હિન્દુ સમાજ બહોળી સંખ્યામાં શોભાયાત્રાના દર્શન માટે ઉમટી પડે તેવી હાકલ સાથે જાહેર જનતાને આમંત્રણ પાઠવશે. જન્માષ્ટમીના દિવસે ભવ્ય શોભાયાત્રા માટેના વાહનો જોઈએ તેટલા મળશે અને વિવિધ સંસ્થા, મંડળોને આગ્રહપૂર્વક વિનંતી કરેલ કે, જે મુજબના વાહનો જોઈએ તે મુજબના વાહનો તા.૧૩ સુધીમાં શ્રી જન્માષ્ટમી મહોત્સવ કાર્યાલય, ૮–મીલપરા ખાતે રજીસ્ટ્રેશન કરાવી લેવું.

આ મીટીંગમાં શ્રી ગાયત્રી પરિવાર દ્વારા શોભાયાત્રામાં એક સાથે ૩–૩ ફલોટ લઈને જોડાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને ઉપસ્થિત તમામ લોકોએ ભગવાન શ્રીકૃષ્ણના જયઘોષ સાથે વધાવી હતી. ગાયત્રી પરિવારના આ ફલોટમાં આખી શોભાયાત્રા દરમ્યાન પ્રારંભથી અંત સુધી લાઈવ યજ્ઞ કરી વાતાવરણમાં શુઘ્ધિ અને પવિત્રતા લાવવામાં આવશે.  તમામ લોકોને તદન નિઃશુલ્ક ધોરણે આપણા રાષ્ટ્રઘ્વજનું વિતરણ કરવામાં આવ્યું હતંુ. જેનો ખૂબ સુંદર પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ સૌ સાથે ભોજન–પ્રસાદ લીધો હતો.

(3:18 pm IST)