Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ચૂંટણી સમયે ભાજપે આપેલ વચનો હજુ પુરા થયા નથીઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ૯ :.. જસદણનાં પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ ડેરી તથા જસદણ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્યું છે કે, ભાજપ સરકાર તરફથી થયેલ પ્રગતિ અને વિકાસ કામોની પ્રજાની જાણકારી માટે વંદે ગુજરાત વિકાસ યાત્રા કાઢવામાં આવી. વિકાસ થયો હોય તો તે બધાને ખબર જ હોય પરંતુ આ ચૂંટણી લક્ષી કાર્યક્રમનું આયોજન હતું. બુલેટ કે મેટ્રો ટ્રેન, એરપોર્ટ, સીકસલેન માર્ગ કે અન્ય અગત્યના વિકાસના કામો થયા હોય તેનો સ્વીકાર કે પ્રશંસા કરવામાં આવે તે વ્યાજબી છે. પરંતુ ગુજરાત મોડલના નામે ચૂંટણી સમયે આપેલ વચનો અને કરેલ વાયદાઓ પુરા થયેલ નથી તે બાબતની પણ નોંધ લેવાવી જોઇએ.

(૧) ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની નાબુદીને બદલે દરેક ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. (ર) જન ધન યોજનામાં ખાતામાં રૃા. ૧પ લાખ જમા થયેલ નથી. (૩) નોટબંધી વખતે ૬ મહિના લોકો હેરાન થયા પણ કાળુ નાણું મળ્યું નહી પરદેશથી પણ કાંઇ આવ્યાના વાવડ નથી. (૪) સૌનો સાથ અને સૌના વિકાસને બદલે મોટા ભાગના ઉદ્યોગોમાં મંદી, અને સામાન્ય માણસો મોંઘવારી ભોગવી રહ્યા છે. સૌના માટે 'અચ્છે દિન' આવે ત્યારે ખરા. (પ) મફતમાં રાંધણ ગેસ કનેકશન અને બાટલો આપવાની વાત કરેલી પણ હવે બાટલો લેવાના પૈસા નથી. (૬) ખેતીની આવક બમણી થવાને બદલે ડીઝલ, ખાતર, જંતુનાશક દવા, મજૂરી વિગેરેના દરમાં વધારો થવાને લીધે ખેતીની આવક ઘટતી જાય છે. (૭) કલ્પચર યોજના, દરેક ખેડૂતના ખેતરે પાણી અને દિવસના ૧ર કલાક વીજળી કયારે મળશે એની રાહ જોવાય છે. (૮) શિક્ષીત બેકારો રોજમદારો અને ગરીબોની સંખ્યા વધતી જાય છે. મોંઘવારીએ માઝા મૂકી છે., ખૂન, લૂંટ, આપઘાત, દુષ્કર્મ મારા મારીના કેસો વધતા જાય છે.

(12:19 pm IST)