Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

રક્ષાબંધનના દિવસે બહેનોને સિટી બસ - બી.આર.ટી.એસ.માં નિઃશુલ્‍ક મુસાફરી

રાજકોટ તા.૯: રક્ષાબંધનના પવિત્ર પ્રસંગે તા.૧૧ના ગુરૂવારે બી.આર.ટી.એસ. રૂટ પર તથા શહેરમાં ચાલતી સિટી બસમાં બહેનોને વિનામૂલ્‍યે બસમાં મુસાફરી માટે પદાધીકારીઓ અને અધિકારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

 આ અંગે મેયર પ્રદિપ ડવ, સ્‍ટે.ચેરમેન પુષ્‍કર પટેલ તથા મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરાએ જણાવ્‍યુ હતુ કે,  મહાનગરપાલિકા દ્વારા વિશ્વ મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિતે સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવામાં બહેનો માટે દરવર્ષની પરંપરા મુજબ ફ્રી સેવા પુરી પાડવા નક્કી કરવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ આગામી તા.૧૧ ગુરૂવારના રોજ રક્ષાબંધનના પવિત્ર તહેવારના દિવસે કોઈપણ રૂટ પર ગમે તેટલી વખત ફક્‍ત બહેનો નિઃશુલ્‍ક મુસાફરી કરી શકશે.

શહેરના લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બી.આર.ટી.એસ. બસ સેવા ઉપલબ્‍ધ કરાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલમાં ૯૦ સિટી બસ તથા ૧૮ ઇલેકટ્રીક એ.સી. બસ દ્વારા બી.આર.ટી.એસ. બસ સેવા પુરી પાડવામાં આવી રહેલ છે.  

શહેરની બહેનોને રક્ષાબંધન પ્રસંગ માટે સિટી બસની ફ્રી સેવાનો લાભ લેવા મેયર, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન તથા કમિશનરએ અપીલ કરી છે.

(3:55 pm IST)