Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

બોન્ડ મામલે આંદોલનનો ૭મો દિવસઃ ઠેકઠેકાણેથી ટેકોઃ કોરોનામાં અમને આપી હોટેલ, હવે છીનવી લીધી હોસ્ટેલ!

ટોપી અમારી મોટી છે, સરકાર સાવ ખોટી છે...પીડીયુ મેડિકલ કોલેજ કેમ્પસમાં તબિબોએ વિવિધ સુત્રો-બેનર્સ સાથે રેલી કાઢી

સાંજે તબિબોએ મિણબત્તીથી 'જસ્ટીસ' લખ્યું અને 'સાડ્ડા હક્ક એથ્થે રખ્ખ'...ના સુત્રોચ્ચાર કર્યાઃ ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશને નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરીઃ ઇન્ડિયન મેડિકલ એસો.એ રેસિડેન્ટ ડોકટર્સનું અપમાન કરનાર સામે પગલા લેવા માંગણી કરી

તસ્વીરમાં પીડીયુ મેડિકલ કોલેજ કેમ્પસમાં તબિબોની રેલી અને તબિબોએ અલગ અલગ સ્લોગન સાથેના બેનર્સ ધારણ કર્યા હતાં તે જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

જામનગરમાં તબિબોએ અખબારમાંથી ટોપી બનાવી 'સરકારે ટોપી પહેરાવી' એવો કટાક્ષ કર્યો હતો.

રાજકોટ તા. ૧૦: રાજ્યની સરકારી મેડિકલ કોલેજના ચોથા વર્ષના બોન્ડેડ તબિબો સાથે ૧:૨ના બોન્ડના થયેલા કરાર મામલે અન્યાય થતાં રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજના બોન્ડેડ તબિબો હડતાલ પર ઉતર્યા છે. જેનો આજે સાતમો દિવસ છે. આ તબિબો સાથે ઇન્ટર્ની અને રેસિડેન્ટ તબિબો પણ ટેકામાં જોડાયા છે. રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના ૪૮ બોન્ડેડ તબિબો સાથે ૨૦૦થી વધુ રેસિડેન્ટ અને ઇન્ટર્ની તબિબો હડતાલમાં જોડાયા છે. આ આંદોલનને બીજા રાજ્યોના તબિબી એસોસિએશન્સ તરફથી પણ ટેકો સાંપડ્યો છે. આજે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજના તબિબોએ વિવિધ સુત્રો લખેલા બેનર્સ સાથે મેડિકલ કોલેજના કેમ્પસમાં જ રેલી કાઢી સુત્રોચ્ચાર કરી પોતાનો હક્ક આપવા માંગણી દોહરાવી હતી. બેનર્સમાં અલગ અલગ સુત્રો લખેલા હતાં....જેમ કે-ટોપી અમારી મોટી છે, સરકાર સાવ ખોટી છે, કોરોનામાં આપી હોટેલ અને હવે છીનવી લીધી હોસ્ટેલ, ડોકટરોને ન્યાય જરૂરી છે, જસ્ટીસ ફોર ડોકટર્સ, હડતાલીયા ડોકટર્સ કે પછી કોરોના વોરિયર્સ? ન્યાય જરૂરી, જૂઠે વાદે નહિ ચલેંગે...એ સહિતના ધ્યાનાકર્ષક સુત્રો લખાયા હતાં.

જેમાં એક બેનર્સ સોૈની નજરે ચડ્યું હતું. તાજેતરમાં ગુજરાત સરકાર સફળતાના પાંચ વર્ષની ઉજવણી કરી રહી છે તેને લગતું કટાક્ષ કરતું બેનર એક તબિબના હાથમાં હતું. જેમાં લખ્યું હતું કે-'પાંચ વર્ષ પૂર્ણ સેલિબ્રેશન- તાનાશાહી યોજના, હોસ્ટેલ મુકત ડોકટર યોજના, અપમાનકારિત યોજના, કોરોના યોધ્ધાઅ કામગીરી ચકાસણી યોજના, વિજ એન્ડ વોટર સપ્લાયબંધ યોજના, હડતાલીયા નામકરણ યોજના, વધારે ચાલતી (જીભ) ટુંકીકરણ યોજના'...સેવ ગુજરાત ડોકટર્સ.

આ રીતે અલગ અલગ સ્લોગન સાથે મોટા બેનર્સ હાથમાં રાખી તબિબોએ પીડીયુ મેડિકલ કોલેજ કેમ્પસમાં રેલી કાઢી હતી. તમામે માસ્ક પહેર્યા હતાં. બીજી તરફ રેસિડેન્ડ ડોકટર્સની પ્રવર્તમાન હડતાલનો સુમેળભર્યો અંત્ સહાનુભુતિ થકી લાવવાની રજૂઆત ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન વતી નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી નિતીનભાઇ પટેલને કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવાયુ  છે કે ૨૦૨૦-૨૧માં કોરોના મહામારી વખતે સરકારે જે મહેનત કરી છે તેમાં સરકારી ડોકટરો સાથે રેસિડેન્ટ ડોકટરોએ પણ એડીચોટીનું જોર લગાવ્યું હતું અને પોતાના જીવની ચિંતા કર્યા વગર દર્દીઓને સારવાર આપી હતી. બોન્ડ મુજબ ડોકટરોએ કામ કર્યા પછી હવે બોન્ડ મામલે તેમને અન્યાય કરવામાં આવ્યો છે એ યોગ્ય નથી. હડતાલનો સુમેળ ભર્યો અંત આવે તે જરૂરી છે.બીજી તરફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરી જણાવ્યું છે કે રેસિડેન્ટ ડોકટરો ગાંધીનગર આરોગ્ય કમિશનર પાસે રજૂઆત કરવા ગયા ત્યારે કોરોના વોરીયર્સ એવા આ ડોકટર્સની પ્રશંસા કરવાને બદલે અસભ્ય વર્તન કરાયું હતું અને રેસિડેન્ટ ડોકટર્સની માંગણી વાજબી નથી તેમ કહી તેણે ત્રણ વર્ષદરમિયાન કરેલા કામના પુરાવા પણ મંગાયા હતાં. આ ઉપરાંત હોસ્ટેલ ખાલી કરી દેવાનું કહેવાયું તે પણ યોગ્ય નથી. આ મામલે મુખ્યમંત્રીશ્રી જાતે રસ લઇ નિવેડો લાવે તેવી માંગણી ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-ગુજરાત બ્રાંચ દ્વારા કરવામાં આવી છે.

ગત સાંજે પીડીયુ કોલેજના તબિબોએ મિણબત્તીથી જસ્ટીસ લખી પોતાના હક્ક માટે સુત્રોચ્ચાર કર્યા હતાં. 

(3:41 pm IST)