Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

વિશ્વ સંવાદ કેન્દ્ર - સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે રાજકોટમાં એવોર્ડ એનાયત સમારોહ

વિષ્ણુભાઇ પંડયા અને ડો. જયંતિભાઇ ભાડેશીયાની ઉપસ્થિતિમાં : વર્તમાનપત્રોના તંત્રીશ્રીઓ, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધીઓને 'નારદ સન્માન'' એવોર્ડથી સન્માનિત કરાશે

રાજકોટ તા. ૧૦ : 'વિશ્વ સંવાદ કેન્દ્ર'' એ ખુબ જાણિતું રાષ્ટ્રીય મિડીયા નેટવર્ક છે, જે માધ્યમો માટે ઉપયોગી એવા રાષ્ટ્રહિતનાં સમાચારો, લેખો, શ્રાવ્ય, દ્રશ્ય વગેરે સ્વરૂપમાં માહિતીનું પ્રત્યાયન કરે છે. આ રાહષ્ટ્રવ્યાપી નેટવર્કનાં સૌરાષ્ટ્ર કેન્દ્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા પ્રમાણે લોકમતનાં ઘડતરનું રાષ્ટ્રીય કર્તવ્ય અદા કરતા રાજકોટના વર્તમાનપત્રોના તંત્રીશ્રીઓ, પત્રકારો અને ચેનલોના પ્રતિનિધીઓને 'નારદ સન્માન'' પારિતોષિકથી સન્માનવાના મંગલ અવસરનો કાર્યક્રમ રાજકોટ ખાતે તા. ૧૧/૮/ર૦ર૧ના બુધવારે રાષ્ટ્રીય શાળા ખાતે યોજવામાં આવેલ છે.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન જાણીતા પત્રકાર અને લેખક શ્રી વિષ્ણુભાઈ પંડયા - ગુજરાત સાહિત્ય એકાદમીના અધ્યક્ષ કે જેઓએ ૩ નવલકથા, ૧પ ઈતિહાસ વિષયક, ૧પ રાજકીય વિશ્લેષણ, ૧પ પત્રકારત્વ, ૧૦ સર્જક નિબંધ, કેટલાંક ચરિત્રો, અનુવાદ પત્ની ડો. આરતી પંડયા સાથે મળીને કુલ ૯૩ પુસ્તકોનુ સહલેખન કરેલ છે. જેઓને જેલમાં લખાયેલ 'મીસાવાસ્યમ' પુસ્તકોને કાકા સાહેબ કાલેલકર સન્માન, સ્વાતંત્ર્ય જંગના ઈતિહાસ લેખન માટે નર્મદ ચંદ્રક, ૧પ પુસ્તકોને પરિષદ, અકાદમીના પારિતોષિક, વર્ષ ર૦૧૭માં રાષ્ટ્રપતિ દ્વારા સાહિત્ય પત્રકારત્વ અને શિક્ષણ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કરવા માટે સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી' થી નવાજવામાં આવ્યા છે.

જયારે મુખ્ય વકતા તરીકે ડો. શ્રી જયંતીભાઈ ભાડેશીયા કે જેઓ હાલ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજીની જવાબદારી ઉપરાંત સીમા જાગરણ, ગુજરાત અધ્યક્ષ, ટ્રસ્ટી સેવાભારતી-ગુજરાત, વિદ્યાભારતી સ્કૂલ ટ્રસ્ટ, મોરબી, વાંકાનેરની જવાબદારી પણ વહન કરી રહ્યા છે. આ અગાઉ તેઓ ગુજરાત પ્રાંત સહકાર્યવાહ, પ્રાંત સંઘચાલકજીની જવાબદારી પણ વહન કરી ચુકયા છે.

અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રમોદજી બાપટ - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ક્ષેત્ર પ્રચાર પ્રમુખ કેન્દ્ર મુંબઈ ઉપિસ્થત રહેનાર છે. આ કાર્યક્રમમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે. તેમ પંકજ રાવલ પ્રચાર પ્રમુખ, સૌરાષ્ટ્ર પ્રાંત (મો. ૭૦૮૩૭૧૧૯૪૯) ની યાદીમાં જણાવાયુ છે. 

(3:40 pm IST)