Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ઘર પાસે કચરો નાખવા બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી કિશન ડોડીયાનુ મકાન સળગાવવા પ્રયાસ

ખોડીયારનગરમાં બનાવઃ પાડોશી ઇકબાલ સોરા અને ભાણેજ ઇલ્યાસ ધુધા સામે ગુનો

રાજકોટ, તા.૧૦: દોઢસો ફૂટ રોડ પર ખોડીયારનગરમાં ઘર પાસે કચરો ફેંકવા બાબતે થયેલી માથાકુટનો ખાર રાખી યુવાનનું પાડોશીએ મકાનનો દરવાજો સળગાવી મકાન સળગાવવાનો પ્રયાસ કરતા મામા-ભાણેજ સામે માલવીયાનગર પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર આવેલા ખોડીયારનગર મચ્છોમાંના મંદિરવાળી શેરીમાં લાલાભાઇ ભરવાડના મકાનમાં ભાડે રહેતા કિશન ભરતભાઇ ડોડીયા (ઉ.વ.૨૨) એ માલવીયાનગર પોલીસ મથકમાં પાડોશી ઇલ્યાસ દાદભાઇ ધુવા અને ભગવતીપરામાં રહેતા તેના મામા ઇકબાલ કાસમભાઇ સોરા સામે ફરીયાદ નોંધાવી છે. કિશને ફરીયાદમાં જણાવ્યા મુજબ પોતે છેલ્લા દોઢેક વર્ષથી પત્નિ રાધીકા અને ત્રણ વર્ષના દીકરા કેવીન સાથે ભાડે રહે છે. ગઇકાલે પત્નિ રાધીકા બહાર ખરીદી કરવા માટે ગયેલ હોઇ અને પોતે ઘર નજીક ગોવર્ધન ચોક પાસે હતો ત્યારે મારા મોબાઇલમાં મિત્ર શબ્બીર ઉર્ફે ગીલીયાનો ફોન આવેલ હને તેણે કહેલ કે, 'એક ભાઇ તારા મકાનના દરવાજમાં કંઇક છાંટે છે' તેમ કહેતા હું તાકીદે પોતાના ઘરે જઇને જોતા પાડોશી ઇલ્યાસ દાદભાઇ ધુધાના ભગવતીપરામાં રહેતા મામા ઇકબાલ કાસમભાઇ સોરા મારા મકાનના દરવાજા પર કોઇ જવલનશીલ પદાર્થ છાંટી આગ લગાડી દરવાજો સળગાવ્યો હોઇ, તે જોતા મેં આ ઇકબાલને રોકતા તેણે મને ગાળો આપી કહેલ કે, 'તે મારા ભાણેજ ઇલ્યાસ સાથે માથાકુટ કરેલ તેનો બદલો લેવા મારા ભાણેજ ઇલ્યાસે તારૂ મકાન સળગાવી નાખવા માટે મે બોલાવ્યો છે' તેમ કહી ત્યાંથી જતો રહેલ બાદ મેં મારા મકાનમાંથી પાણીની ડોલો ભરી આગ બુઝાવી હતી. બનાવ બનતા બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આ બનાવમાં થોડા દિવસ પહેલા પાડોશી ઇલ્યાસ ધુધા સાથે કચરો ફેંકવા બાબતે બોલાચાલી થઇ હોઇ, તે બાબતનો ખાર રાખી પાડોશી ઇલ્યાસે તેના મામા ઇકબાલ સાથે મળી મકાનનો દરવાજો સળગાવ્યો હોવાનું જણાવ્યું હતું. આ આ અંગે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ દીલીપસિંહ જાદવે તપાસ હાથ ધરી છે.

(3:36 pm IST)