Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

લોન સલાહકારને જાતિ પ્રત્યે હડધૂત કરવાના એટ્રોસીટીના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ, તા. ૧૦ : લોન કન્સલ્ટન્સીનું કામ કરતા યુવાનને ફોન પર જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવાના એટ્રોસીટી એકટના ગુન્હા હેઠળ પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો અદાલતે ફરમાવેલ છે.

 રાજકોટના પુનિત સોસાયટીમાં રહેતા અને મુળ વડોદરાના રહેવાસી એવા આ કામના ફરીયાદી કૃતાર્થ  મહેશભાઈ પરમારે રાજકોટના એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૭, ૧૧૪ તથા એટ્રોસીટી  એકટની કલમ ૩(૨)(૫)(એ) તથા ૩(૧)(આર)(એસ) મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે અન્વયે પોલીસ ધ્વારા  ગત તા. ૧૬/૦૬/૨૦૨૧ ના રોજ આ કામના આરોપી અરવિંદભાઈ પ્રભુદાસભાઈ પટેલની ઉપરોકત ગુન્હાના કામ  સબબ રાજકોટના એ. ડીવીઝન પોલીસ ધ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી.   

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી કૃતાર્થ મહેશભાઈ પરમાર લોન કન્સલન્ટસીનું કામ  કરતા હોય જેથી ગત તા. ૩૧/૦૩/૨૦૨૧ ના રોજ રાજકોટના પેલેસ રોડ ઉપર હતા ત્યારે ઉપરોકત ફરીયાદીને પોતે  ઉછીના આપેલ રકમ રૂ।. ૪,૦૦,૦૦૦/- મુળજીભાઈ ઉર્ફે ભુપેન્દ્રભાઈ પાસેથી લેવાના નીકળતા હતા પરંતુ આ કામના  ફરીયાદીને જાણવા મળેલ કે મુળજીભાઈ ઉર્ફે ભુપેન્દ્રભાઈ અવસાન પામેલ છે જેથી ઉપરોકત પૈસાનો વહીવટ દરમ્યાન  જો મુળજીભાઈ પૈસા પરત આપવામાં કસુર કરે તો આ કામના આરોપી અરવિંદભાઈ પ્રભુદાસભાઈ પટેલે ચુકવવાની  જવાબદારો લીધેલી. જેથી આ કામના ફરીયાદી સદરહું બાકી નીકળતી રકમની ઉઘરાણી માટે વડોદરા રહેતા આ  કામના આરોપીને ફોન કરતા આ કામના આરોપીએ ઉશ્કેરાઈ જઈને પૈસા પરત આપવાની સખ્ત ના પાડી દીધેલી અને ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધુત કરેલ હોય. એ. ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટી એકટ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

ફરીયાદની તપાસ એટ્રોસીટી કાયદાની જોગવાઈ મુજબ રાજકોટના એસ.ટી.એસ./સી.સેલ ટ્રાન્સફર થતા પોલીસ  ધ્વારા ગત તા. ૨૪/૦૬/૨૦૨૧ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને આરોપી અને સ્પે. એટ્રો કોર્ટ સમક્ષ રજુ કરતા  આરોપીને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતોઃ ત્યારબાદ આરોપી વતી પોતાના એડવોકેટ  મારફત જામીન પર છુટવા જામીન અરજી ગુજારેલ. જે અન્વયે આરોપી વતી રોકાયેલા એડવોકેટે કરેલ દલીલ તેમજ  તાજેતરમાં એટ્રોસીટીના ગુન્હા સબબ નામ. હાઈકોર્ટ અને નામ. સુપ્રિમ કોર્ટના તાજેતરમાં પ્રસ્થાપિત કરેલા જુદા જુદા  ચુકાદાઓને ધ્યાનમાં રાખી સ્પે. એટ્રોસીટી કોર્ટના મહે. જજ સાહેબે તમામ આરોપીઓને જામીન પર છોડવાનો હુકમ  ફરમાવેલ હતો. 

આ કામમા આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, એમ. એન. સિંધવ રોકાયેલા હતા. 

(3:27 pm IST)