Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

મવડી પાછળ ઉભા થઈ ગયેલા ૫૦ જેટલા ઝૂપડા, કાચા-પાકા મકાનો તોડી પાડવા ૧૭મીએ ઓપરેશનઃ નોટીસો અપાઈ

ત્યાં રહેતા આસામીઓ કલેકટર સમક્ષ દોડી આવ્યાઃ ચોમાસાની સીઝનમાં ઓપરેશન ન કરવા અથવા અન્ય જગ્યા આપવા માંગણી

રાજકોટ, તા. ૧૦ :. મવડી ચોકડી પાછળ આવેલ શગૂન ચોકની ભૂતિયા ધાર નજીક સરકારી જમીનો ઉપર ઉભા થઈ ગયેલા ૫૦ જેટલા ઝૂપડા, કાચા અને પાકા મકાનો તોડી પાડવા દક્ષિણ મામલતદાર શ્રી દંગીએ પોતાની ટીમ મોકલી સર્વે કરાવી તા. ૭મીએ ત્યાં રહેતા આ તમામ દબાણકારોને નોટીસો ફટકારતા રહેવાસીઓમાં દોડધામ થઈ પડી છે. આ લોકો મામલતદાર સમક્ષ રજૂઆત માટે દોડી ગયા હતા અને ચોમાસાની સીઝન હોય ઝૂપડા, મકાનો ન તોડવા અથવા અન્ય વૈકલ્પિક જગ્યા આપવા માંગણી કરી હતી, પરંતુ મામલતદારે ના પાડી દેતા આ લોકો પરિવાર સાથે કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા અને અરજી કરી હતી.

મામલતદાર દ્વારા ૧૦ દિ'નો સમય અપાયો છે, જો દબાણ દૂર નહિ કરે તો ૧૭મીએ તોડી પડાશે તેવી ચેતવણી પણ આપી દીધી છે. કલેકટર કચેરીએ આ લોકોએ જણાવ્યુ હતુ કે અમે શાકભાજી, ફ્રુટના ગરીબ ધંધાર્થીઓ છીએ, ૧૦થી ૨૦ વર્ષથી રહીએ છીએ. ૧ થી ૨ જણાતો ટેકસ પણ ભરે છે, પરિણામે સરકારે અમારૂ સાંભળવુ જોઈએ, હવે કલેકટરના નિર્ણય ઉપર મીટ છે.

(3:24 pm IST)