Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

ત્રીજી લહેરની તૈયારીની પોલ છતી કરતો કોરોનાઃ પાંચ કેસ

મ.ન.પા.ના આરોગ્ય વિભાગને ખબર નથી શહેરમાં મહામારી વકરી રહી છે!! : યુનિવર્સિટી રોડ વિસ્તારમાં બે દર્દીઓ મળી આવ્યાઃ સૌરાષ્ટ્ર પર ફરીથી જોખમ મંડાયુઃ દર્દીઓની માહિતીમાં ઘોર બેદરકારીઃ લોકોમાં ફરી ફફડાટ

રાજકોટ તા. ૧૦ :.. છેલ્લા બે મહીનાથી કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે અને છેલ્લા ૧પ દિવસથી માત્ર એક કે બે કેસ નોંધાઇ રહ્યા હોઇ લોકોમાં રાહત ફેલાઇ છે. પરંતુ આ દરમિયાન ગઇ સાંજે ફરી એક સાથે પ નવા કેસ મ.ન.પા. તંત્રએ જાહેર કરતાં લોકોનાં જીવ અધ્ધર થઇ ગયા છે.

પરંતુ દર્દીઓની માહિતી તેનાં સંપર્કમાં આવેલા વ્યકિતનાં સર્વે, હોમ કવોરન્ટાઇન જેવી કોવિડ ગાઇડ લાઇનની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી ફરી કોરોનાં મહામારી ેફેલાવવામાં કારણભૂત બને તેવો ભય લોકોમાં ફેલાયો છે.

આ અંગે મ.ન.પા.નાં આરોગ્ય વિભાગનાં સુત્રોનો સંપર્ક સાધતા તેઓએ સ્પષ્ટ જણાવેલ કે ગઇ સાંજે જે પાંચ નવા કેસ જાહેર થયા છે.

તે રાજય સરકારમાંથી જાહેર થયા છે. પ કેસ કયાં વિસ્તારનાં છે તેની કોઇ માહિતી જાહેર નથી થઇ.

આમ મ.ન.પા.નાં આરોગ્ય વિભાગ આ બાબતે સાવ અજાણ હોઇ તેવી રીતે વર્તી રહ્યો છે.

બીજી તરફ વિશ્વાસપાત્ર સુત્રોનાં જણાવ્યા મુજબ ગઇકાલે યુનિવર્સિટી રોડ પરની એક સોસાયટીમાં એક જ પરિવારનાં બે વ્યકિતઓનાં કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવતાં આસપાસનાં ૭પ રહેવાસીઓનાં કોરોનાં ટેસ્ટ થયા હતાં. તે તમામ નેગેટીવ હોવાનું જાણવા મળ્યું છે.

આમ એક જ દિવસમાં ફરી પાંચ કેસ નોંધાયા છે. જે આંકડો આમ તો નાનો દેખાય છે. પરંતુ સંક્રમણ ફેલાવાની ઝડપ પાંચ ગણી દેખાઇ રહી છે તે બાબતે ફફડાટ ફેલાવ્યો છે. અને સૌરાષ્ટ્ર ઉપર ફરી મહામારીનું જોખમ ઝળુંબી રહ્યુ હોવાનો ફફડાટ ફેલાયો છે.

એક તરફ સરકાર ત્રીજી લહેરની પુરી તૈયારી હોવાની ગુલબાંગો ફેંકે છે. અને બીજી તરફ કોરોનાં ગાઇડ લાઇન મુજબ આરોગ્યની કામગીરી કરવામાં તંત્રની આ પ્રકારની બેદરકારી પોલ છતી કરી રહી છે. ત્યારે હવે આ બાબતે તંત્રએ ગંભીર બનવું પડશે.

શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાના '૦' કેસ

રાજકોટઃ શહેરમાં આજ બપોરનાં ૧ વાગ્યા સુધીમાં ફરી '૦' કેસઃ કુલ કેસનો આંક ૪૨,૮૦૦ એ પહોંચ્યો છે.  આજ દિન સુધીમાં ૪૨,૩૨૫ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.  રિકવરી રેટ ૯૮.૯૦  ટકા  થયો છે. હાલ ૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે.  કાલે ૩૧ સ્થળ પર કોવિશીલ્ડ રસી તથા ૨ સાઇટ પર કોવેકશીન રસીનો માત્ર  બીજો ડોઝ અપાશે.

(3:23 pm IST)