Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

નરેન્‍દ્રભાઇના સક્ષમ નેતૃત્‍વમાં દેશે પ્રગતિના શિખરો સર કર્યા છે : રાઘવજીભાઇ

કેન્‍દ્ર-રાજય સરકારની ૮ વર્ષની ઉપલબ્‍ધીઓ અન્‍વયે રાજકોટમાં જીલ્લા કક્ષાનો સુશાસન કાર્યક્રમ : ૭પ૦ લાભાર્થીઓને લાભ

રાજકોટ : રાજકોટમાં યોજાયેલ જીલ્લા કક્ષાના કાર્યક્રમ સુશાસન અંતર્ગત મંચ ઉપર ઉપસ્‍થિત શ્રી રાઘવજીભાઇ પટેલ તથા મહાનુભાવો, લાભાર્થીઓને સહાય વિતરણ, કલેકટર દ્વારા સ્‍વાગત, સંબોધન કરતા પૂર્વ પૂરવઠામંત્રી જયેશભાઇ રાદડીયા તથા ઇન્‍સેટમાં રાઘવજીભાઇ પટેલ સંબોધન કરતા જણાય છે. (૯.રર)

રાજકોટ તા. ૧૦ : કેન્‍દ્ર-રાજ્‍ય સરકારની આઠ વર્ષની ઉપલબ્‍ધીઓ અન્‍વયે ગરીબ કલ્‍યાણ - સેવા - સુશાસન  અંતર્ગત રાજકોટ જિલ્લાનો  કાર્યક્રમ  પશુપાલન અને કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને રાજકોટના અટલ બિહારી વાજપેયી ઑડિટોરિયમ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્‍તે સરકારની વિવિધ યોજનાઓના લાભો  ૭૫૦ જેટલા લાભાર્થીઓને અપાયા હતા.

પશુપાલન અને કળષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણના હેતુથી કામ કરતી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની સરકારની નીતિ-રીતિઓનું વિશ્‍લેષણ કરતાં ઉમેર્યું હતું, કે નરેન્‍દ્રભાઈ દ્વારા પારદર્શક અને દીર્ઘદ્રષ્ટિથી સફળતાપૂર્વક શાસન ચલાવવામાં આવી રહ્યું છે. મોદીજીએ યુક્રેનથી સફળતાપૂર્વક ભારતના ૨૩ હજાર વિદ્યાર્થીઓને ભારત પરત લાવવામાં મહત્‍વની ભુમિકા અદા કરી હતી. નરેન્‍દ્રભાઈએ દેશની સુરક્ષા માટે સર્જીકલ સ્‍ટ્રાઈક, એર સ્‍ટ્રાઇક વગેરે થકી સરહદોની સુરક્ષા વધારી, જે દેશની સુરક્ષા માટેની નરેન્‍દ્રભાઈની મક્કમતા દર્શાવે છે.

મંત્રી રાઘવજીભાઇ પટેલે વધુમાં જણાવ્‍યું હતું કે કોરોનાની મહામારીમાંથી દેશને અને રાજયોને બચાવવા સરકારે રસીકરણ, લોકડાઉન, અનાજ વિતરણ, ઓક્‍સીજનના બાટલા, ટેન્‍ક, દવાઓ સહિતની સેવાઓ ઉપલબ્‍ધ કરાવી અને વિશાળ જન સંખ્‍યાવાળા દેશને આયોજનપૂર્વક મહામારીમાંથી બચાવ્‍યો છે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇના સક્ષમ નેતળત્‍વમાં દેશે અનેક પ્રગતિના આયામો હાંસલ કર્યા. ખેતી, પાણી(સૌની યોજના), વીજળી, આરોગ્‍ય સહિતના અનેક ક્ષેત્રે કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે વિકાસના નવા શિખરો સર કર્યા છે.

મંત્રીએ વધુમાં કહ્યું હતું કે અતિવળષ્ટિ જેવી કુદરતી આફતો હોય કે, ખેડૂતોને ખાતરો આપવાના હોય તમામમાં સરકારી સબસિડી સહાય સરકારે આપી છે. સરકારની વિવિધ યોજનાઓ દ્વારા લોક કલ્‍યાણના કામો નિયત સમયમર્યાદામાં અને અસરકારક રીતે થઇ રહયા છે.

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્‍યું હતું કે ખેલ મહાકુંભ, ગરીબ કલ્‍યાણ મેળા, આરોગ્‍ય મેળા વગેરે જેવા અભિયાનો થકી સરકાર દ્વારા લોકોને સુખાકારી આપવાના અવિરત પ્રયાસો થઈ રહ્યા છે.

પ્રાસંગીક ઉદબોધનમાં ધારાસભ્‍ય કુંવરજીભાઇ બાવળીયાએ કહ્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓના લાભો છેવાડાના જરૂરિયાતમંદ માનવીઓ સુધી પહોંચે અને તેઓ આત્‍મનિર્ભર બને તે માટેનું કામ સરકાર દ્વારા સતત થઈ રહ્યું છે. વહીવટી તંત્રને પણ આવા કાર્યક્રમના સુચારુ - સફળ આયોજન માટે તેમણે અભિનંદન પાઠવ્‍યા હતા.

ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે ગરીબ લોકો પગભર થઈ શકે, કામ કરી શકે તે માટે સરકાર ગરીબ મેળામાં સાધનોની સહાય આપી રહી છે. ગરીબોને આવાસો- આરોગ્‍ય- પાણી સહિતની સુવિધા સરકાર આપી રહી છે.

આ તકે ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયાએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતળત્‍વમાં આપણો દેશ સતત વિકાસના શિખરો સર કરી રહ્યો છે. અનેક મહામારીમાં પણ વિના મૂલ્‍યે અનાજ વિતરણ, રસીકરણ  સહિતની ગરીબલક્ષી યોજના સરકારએ સતત અમલી બનાવી છે.

કલેકટર અરુણ મહેશ બાબુએ મહાનુભાવોનું શાબ્‍દિક સ્‍વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

‘‘મિશન મંગલમ'' યોજનાના લાભાર્થી સાવિત્રીબેન પાડલીયાએ તેમનો પ્રતિભાવ રજૂ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર,  ધારાસભ્‍ય  લાખાભાઈ  સાગઠીયા,  પ્રાદેશિક  નગરપાલિકા નિયામક  ધિમંત વ્‍યાસ,  નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, પૂર્વમંત્રી જેન્‍તીભાઇ કવાડીયા, પૂર્વ ધારાસભ્‍ય પ્રવીણભાઈ માંકડીયા,  માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, જિલ્લા ભા.જ.પ.પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, મનસુખભાઇ રામાણી, રક્ષાબહેન બોળીયા સહિતના અગ્રણીઓ, અધિકારીઓ, લાભાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:26 pm IST)