Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

તામિલનાડુ અને કર્ણાટકમાં ચોમાસુ બેસી જશે, મહારાષ્ટ્ર અને આંધ્રના વધુ ભાગોમાં મોન્સુન આગળ વધશે : સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ રહેશે

૧૦ દિવસથી સ્થગિત થયેલ અરબીની પાંખ આગળ વધી : અરબી સમુદ્ર અને બંગાળની ખાડી વાળી પાંખ આગામી પાંચેક દિવસ આગળ વધશે :સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં પવનનું જોર યથાવત રહેશે : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલની તા.૧૦ થી ૧૭ જૂન સુધીની આગાહી

રાજકોટ, તા. ૧૦ : છેલ્લા ૧૦ દિવસથી સ્થગિત થયેલ અરબીની પાંખ આગળ વધી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીવાળી ચોમાસાની પાંખ આગામી પાંચેક દિવસ આગળ વધશે. જેથી તામિલનાડુ અને કર્ણાટકના સમગ્ર રાજયમાં ચોમાસુ બેસી જશે. જયારે મહારાષ્ટ્ર અને આંધ્રના વધુ ભાગોમાં નૈઋત્યનું ચોમાસુ આગળ વધશે. જયારે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ રહેશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે ગત આગાહી મુજબ ભેજ વધશે. મહત્તમ તાપમાન નોર્મલ નજીક આવી જશે તે અનુસંધાને ગઈકાલે અમદાવાદ ૪૧, અમરેલી ૩૮.૪, રાજકોટ ૩૯.૭, ડીસા ૩૯.૮ અને વડોદરા ૩૯.૮ ડિગ્રી નોંધાયેલ. આમ દિવસનું તાપમાન નોર્મલ આસપાસ જ જોવા મળેલ છે.

ગત તા. ૩૧ મે ના રોજથી અરબી વાળી પાંખ સ્થગિત થઈ ગઈ હતી જે ગોવાના બોર્ડરે હતી, આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની પાંખ આગળ વધી છે. મધ્ય અરબી સમુદ્રના વધુ થોડા ભાગો, સમગ્ર ગોવા, દક્ષિણ કોંકણ અને કર્ણાટકના થોડા ભાગોમાં ચોમાસુ આગળ વધ્યુ છે. ચોમાસુરેખા ૧૧૦ કિ.મી. ઉત્તર તરફ આગળ વધી છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧૦ થી ૧૭ જૂન સુધીની આગાહી કરતાં જણાવેલ કે આવતા ચારેક દિવસ હજુ ચોમાસાની અરબી અને બંગાળવાળી પાંખ આગળ વધે તેવા સંજોગો છે. જેથી દક્ષિણ મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુના થોડા ભાગો આંધ્ર તેમજ મધ્ય પશ્ચિમ બંગાળની ખાડી અને ઉત્તર પશ્ચિમમાં ચોમાસુ આગળ વધશે.

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતને લાગુ વળગે છે ત્યાં સુધી પવનનું જોર યથાવત રહેશે. ૨૦ થી ૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતા રહેશે.

છેલ્લા બે - ત્રણ દિવસથી પ્રિ-મોન્સુન એકટીવીટી જોવા મળી રહી છે જે મુજબ સૌરાષ્ટ્ર - ગુજરાતમાં આગામી દિવસોમાં પણ પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ રહેશે.

(5:00 pm IST)