Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

લોકભારતી યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ પદે ડો. ભદ્રાયુ વચ્છરાજાની

સૌરાષ્ટ્રના મૂલ્યનિષ્ઠ શિક્ષક, લેખક, વકતા અને સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટના પ્રમુખને દાયકા જુની સંસ્થામાં આમંત્રણ : કૃષિ સાથે ગ્રામ વિકાસનું શિક્ષણ આપતી ૭ દાયકા જુની સંસ્થામાં સત્તા મંડળે ડો. ભદ્રાયુ વચ્છરાજાનીને પ્રથમ કુલપતિ પદે આમંત્રીત કર્યા : ગુરૃવારે કાર્યભાર સંભાળશે : મૂલ્ય શિક્ષણ સાથે આત્મનિર્ભરતા નવી શિક્ષણ નીતિને ગતિ મળશે

રાજકોટ તા. ૧૦ : છેલ્લા સાત દાયકાથી શિક્ષણ સાથે ટેકનોલોજી દ્વારા ગ્રામ વિકાસ અને કૃષિ શિક્ષણ આપતી સંસ્થા લોકભારતી છે. રાજકોટથી ભાવનગર જતા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની શિક્ષણ કાર્ય સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ છે. તાજેતરમાં ગુજરાત સરકારે લોકભારતી - સણોસરાને ખાનગી યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે.

લોકભારતી સણોસરા સંસ્થાના સત્તામંડળે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં મૂલ્યનિષ્ઠ શિક્ષક તરીકે ખૂબ જાણીતા ડો. ભદ્રાયુ વચ્છરાજાનીને પ્રથમ કુલપતિ તરીકે આમંત્રીત કર્યા છે અને ડો. ભદ્રાયુ વચ્છરાજાની તેમનો કાર્યભાર ગુરૃવારે સંભાળશે.

યુજીસી એકેડમીક સ્ટાફ કોલેજના ડાયરેકટર તરીકે યશસ્વી ફરજ બજાવ્યા બાદ અદાણી ફાઉન્ડેશનમાં ૪ વર્ષ સુધી એડવાઇઝર તરીકે કાર્ય સંભાળનાર અને સૌરાષ્ટ્રની અનેક શૈક્ષણિક સંસ્થામાં કાર્યરત ડો. ભદ્રાયુ વચ્છરાજાની હાલ રાજકોટની ઐતિહાસિક શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટના પ્રમુખ છે. વિઝડમ સ્કુલ, ઇન્સ્ટીટયુટ ઓફ લેંગ્વેજ કોલેજ એન્ડ બીએડ કોલેજના માર્ગદર્શક તરીકે સેવા આપે છે. શિક્ષણ જગતમાં ડો. ભદ્રાયુ વચ્છરાજાનીનું નામ જ તેમની શૈક્ષણિક ઉંચાઇ દર્શાવે છે. અગાઉ ખાડે ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સફળ કુલપતિ કનુભાઇ માવાણીના સંઘર્ષના કાળમાં ડો. ભદ્રાયુ વચ્છરાજાનીએ પરિક્ષા નિયામક તરીકેનો વધારાનો કાર્યભાર સંભાળીને પદવીની વિશ્વનીયતા સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગરીમા પણ વધારી હતી. શિહોર તાલુકાનું સણોસરા ગામ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠનું રળીયામણુ પરિસર છે. અહીં ઋષિ તુલ્ય શિક્ષક જીવો શ્રી નાનાભાઇ ભટ્ટ, મનુભાઇ પંચોલી, મૂળશંકર ભટ્ટ, નટવરલાલ બુચ સહિતના દ્વારા ૭૦ વર્ષ પહેલા લોકભારતીની સ્થાપના થઇ હતી. આજે લીલાછમ હરીયાળા પરિસર છે. કૃષિ પ્રધાન ભારત દેશમાં લોકભારતી યુનિવર્સિટી ફોર રૃરલ ઇનોવેશન પ્રથમ યુનિવર્સિટી છે જે ટેકનોલોજી દ્વારા ગ્રામ વિકાસના અભ્યાસક્રમો ભણાવે છે. આ સંસ્થામાં સંસ્કાર સાથે કૃષિ, ગૌ પાલન, ગ્રામ વિદ્યા અને આર્ટસનું શિક્ષણ મેળવવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે. છેલ્લા ૭૦ વર્ષમાં ૩૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ લોકભારતીમાં અભ્યાસ કરીને વ્યવસાયીક તાલીમ મેળવી છે.

(4:22 pm IST)