Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જિલ્લા પંચાયતના ભાજપના સભ્‍યોએ ‘ઉભરો' ઠાલવ્‍યોઃ સંપીને શાસન ચલાવવા પ્રભારીની ટકોર

દર મહિને સંકલન બેઠક બોલાવવા તથા દર સોમ અને ગુરૂવારે પંચાયતમા નિયમિત હાજરી આપવા મહેન્‍દ્રસિંહ સરવૈયાની સૂચના

રાજકોટ, તા., ૧૦: જિલ્લા પંચાયતમાં શાસક ભાજપના સભ્‍યોમાં પ્રવર્તતા આંતરીક અસંતોષને ધ્‍યાને રાખી આજે પાર્ટીના જિલ્લા પ્રભારી પુર્વ ધારાસભ્‍ય મહેન્‍દ્રસિંહ સરવૈયાએ પાર્ટીની કારોબારી બેઠક બાદ જિલ્લા કાર્યાલય ખાતે પંચાયતના સભ્‍યોની બેઠક રાખેલ જેમાં એક-બે સિવાયના તમામ સભ્‍યો હાજર રહયા હતા. હાજર પૈકી કેટલાય સભ્‍યોએ પંચાયતમાં સંકલનનો અભાવ હોવાનું જણાવી પ્રમુખ ભુપત બોદરની કાર્યવાહી સામે  સ્‍પષ્‍ટ મત વ્‍યકત કર્યો હતો. સભ્‍યોની લાગણીને ગંભીરતાથી ધ્‍યાને લઇ  પ્રભારીએ સભ્‍યો સાથે વ્‍યકિતગત બેઠક કર્યા બાદ સમુહ બેઠક યોજેલ જેમાં પંચાયતમાં સંકલન માટે કડક તાકીદ કરી હતી.

જિલ્લા પંચાયતમાં સામુહીક નિર્ણયો લેવાને બદલે બે-ત્રણ લોકો જ શાસન ચલાવે છે. જવાબદાર પદાધિકારીઓની ઓછી હાજરી અને સભ્‍યો સાથેના સંકલનના અભાવે વિકાસ કામો પર અને ભાજપની પ્રતિષ્‍ઠા પર અસર પડી રહી છે તેવો સુર રજુઆતકર્તા સભ્‍યોએ વ્‍યકત કર્યાનું જાણવા મળે છે.

પ્રભારીએ દર મહિને પંચાયતની ભાજપના સભ્‍યોની સંકલન બેઠક બોલાવવા  તેમજ પદાધિકારીઓને શકય તેટલો વધુ સમય ખાસ કરીને દર સોમ અને ગુરૂવારે પંચાયતમાં અચુક ઉપસ્‍થિત રહેવા સુચના આપી હતી. પ્રમુખ અને સમીતીઓના અધ્‍યક્ષો નિયમીત હાજરી આપી પ્રજાકીય કાર્યોમાં ગતી વધારા સાથે યોગદાન આપે તેમ પ્રભારીએ અનુરોધ કર્યો હતો. પ્રભારીએ જવાબદાર લોકોને ટકોર કરી સભ્‍યોનો આક્રોશ શાંત પાડવા પ્રયાસ કર્યો હતો.  ધારાસભાની ચુંટણી નજીક આવી રહી છે તેવા સમયે જ ભાજપના સભ્‍યોનો અસંતોષ અને પંચાયતનું નિરસ રાજકીય વાતાવરણ ચર્ચાની એરણે છે.

(4:20 pm IST)