Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ઓનલાઇન છેતરપીંડી કરી ૨ લાખ ૬૦ હજાર ઓળવી જવાના ગુનામાં જામીન મંજુર

રાજકોટ, તા.૧૦ : સીરામીક ટાઇલ્‍સના વેપારી સાથે થયેલી ૨.૬૦ લાખની ઓનલાઈન છેતરપીંડીમાં બે આરોપીઓ જામીન મુક્‍ત થયા છે. મોરબીની બોગસ પેઢીનું નામ આપી ઠગાઈ કરાયાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે થઈ હતી.

કેસની વિગત મુજબ ગત તા.૨૨ મે ના રોજ સાઈબર ક્રાઈમ પોલીસ સ્‍ટેશનમાં હિરેનભાઈ કિરીટભાઈ કિશોરે ફરીયાદ નોંધાવેલ હતી કે તેઓ રાજકોટ ખાતે આર. કે. એમ્‍પાયરે બીલ્‍ડીંગમાં સીરામીક ટાઈલ્‍સનો આકનીટ ઈન્‍ટરનેશનલ નામથી પાટર્નરશીપમાં ધંધો કરે છે. પોતાના વેપાર બાબતે સોશ્‍યલ મીડીયામાં પોસ્‍ટ મુકેલી, જેથી ફેસબુકમાં આવેલ એક અજાણી પોસ્‍ટમાં તેઓએ પોતાનો મોબાઈલ નંબર આપેલ. જેમાં નંબરના વોટ્‍સએપમાં સાંઈ સીરામીક મોરબી કરીને ટાઈલ્‍સની ડીટેઈલ લખેલ મેસેજ આવેલો. સામે વાળી વ્‍યક્‍તિએ પોતાનું નામ બ્રિજેશ પટેલ કહેલું અને -ાઈઝ લીસ્‍ટ તેમજ વિઝીટીંગ કાર્ડ મોકલ્‍યું હતું. બ્રોસરથી ટાઇલ્‍સ સિલેક્‍ટ કરેલ બાદમાં બ્રિજેશ પટેલે વિદેશ હોવાનું કહીં તેના પાર્ટનર વિવેકનો નંબર આપેલો, વિવેકે માલ લેવા ૫૦ ટકા પેમેન્‍ટ એડવાન્‍સ કરવું પડશે. તેમ કહેતા રૂ.૨,૬૦,૪૩૭ નું આર.ટી.જી.એસ. કરેલું. ફરીયાદી તેના પાર્ટનર સાગર હરસોડા, અક્ષ૨ભાઈ સખીયા સાથે સેન્‍ટો સીરામીક, સરતાનપર રોડ, મોરબી ખાતે ઓર્ડર આપેલ ટાઈલ્‍સ ભરવા જતા સેન્‍ટો સિરામીકના પાર્ટનર વિજયભાઇ પટેલ હાજર હોય તેમણે જણાવેલ કે વિવેકભાઈ કે બ્રિજેશભાઈ નામની કોઈ વ્‍યક્‍તિની સાંઈ સીરામીક નામની કંપની નથી. આમ છેતરપીંડીનો ખ્‍યાલ આવેલો.

 ફરિયાદ બાદ અન્‍ય આરોપીઓ સાથેના યશપાલ વાશુદેવભાઈ નિમાવત (રહે મોરબી) અને જયેશભાઈ દિનેશભાઈ અગ્રાવત (રહે.રાજકોટ)ની ધરપકડ કરાઈ હતી. જેલમાંથી બન્ને આરોપીએ તેમના વકીલ મારફત રાજકોટની સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરેલી અને દલીલ કરેલ તેમજ હાઇકોર્ટ - સુપ્રીમ કોર્ટના ચુકાદા ટાંકેલા. તમામ દલીલોને ધ્‍યાને લઇ સેશન્‍સ ન્‍યાયમૂર્તિ  જે.આઈ. પટેલે બન્ને આરોપીઓને જામીન પર મુક્‍ત કરવા હુકમ કર્યો હતો.

આ જામીન અરજીમાં આરોપીઓ વતી રાજકોટના જાણીતા વકીલ પિયુષ જે. કારીયા, પ્રદ્યુમનસિંહ એમ. જાડેજા, સચીનભાઈ તેરૈયા, મોહિત લિંબાસીયા, અનીલભાઈ રાદડીયા રોકાયેલા હતા.

(3:57 pm IST)