Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

પોલીસની ફરજમાં રૂકાવટ કરવા અંગેના ગુનામાં રાજકીય અગ્રણીનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા.૧૦: મહાગુજરાત જનતા પાર્ટી રાજકોટના પુર્વ પ્રમુખ રમેશભાઇ જેસડીયાની પોલીસની ફરજમાં રૂકાવટ તથા ધાક - ધમકીના ગુન્‍હામાં નિર્દોષ છુટકારો અદાલતે ફરમાવેલ છે.

ગત તા.૧૧-૧૦-૨૦૦૯ના રોજ ગાંધીગ્રમ પોલીસ સ્‍ટેશનના પોલીસ કોન્‍સ્‍ટેબલ જસવંતભાઇ સવાભાઇ બે ક્રોસ અરજીના અરજદારોને પોલીસ સ્‍ટેશનમાં બોલાવેલા હતા. ત્‍યારે તેમની કાયદેસરની ફરજ દરમ્‍યાન મહાગુજરાત જનતા પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ રમેશભાઇ નાનજીભાઇ જેસડીયા ત્‍યાં આવી પડેલ અને રોફ જમાવી ધમકી ભર્યા શબ્‍દોમાં જણાવેલ કે, ‘હું મહાગુજરાત જનતા પાર્ટીનો પ્રમુખ છું હું જેમ કહું તેમ તમારે કરવાનું છે અને જો તેમ નહી કરો તો જાનથી મારી નાખીશ' આવુ કહી પોલીસની ફરજમાં રૂકાવટ કરી ગુન્‍હો કરેલ હતો. ત્‍યારબાદ આરોપી સામે આઇ.પી.સી. કલમ ૧૮૬ તથા ૫૦૬ (ર) મુજબનો ગુનો નોંધાયેલ હતો.

આ કામમાં ફરીયાદ પક્ષે ૧૨ થી વધુ સાહેદો તપાસેલ હતા. આ કામમાં એડી.ચીફ.જયુડી. મેજી.એમ.એફ. મકરાણીએ ચુકાદામાં જણાવેલ કે આરોપી વિરૂધ્‍ધ ઇપીકો કલમ ૧૮૬,૫૦૬,(ર) નું તહોમત પુરવાર થતુ નથી તથા સી.આર.પી.સી.કલમ ૧૯૫(૧)ની જોગવાઇ મુજબ રાજય સેવક બીજા કોઇ રાજય સેવકની લેખીત ફરીયાદ સીવાય ઇ.પી.કો કોડની કલમ ૧૭૨ થી ૧૮૮ હેઠળના શિક્ષાને પાત્ર ગુન્‍હાની ફરીયાદ ઉપર અદાલત વિચારણા કરી શકશે નહી તમામ પોલીસ સાહેદો સિવાય સ્‍વતંત્ર સાહેદોએ ફરીયાદને સમર્થન આપેલુ નથી.

આરોપી તરફે ગુજરાત હાઇકોર્ટના તથા સુપ્રીમ કોર્ટના જુદા જુદા કેસ સંદર્ભમાં ચુકાદાઓ રજુ કરવામાં આવેલ જેને ધ્‍યાને લઇ તથા આરોપી તરફે દબાણપુર્વકની દલીલ ધ્‍યાને લઇ આરોપી રમેશ નાનજીભાઇ જેસડીયાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી તરફે સીનીયર ધારાશાસ્‍ત્રી પી.સી. વ્‍યાસ તથા ધારાશાસ્‍ત્રી શ્રી દિપ પી.વ્‍યાસ, હેમેન્‍દ્રસિંહ જાડેજા રોકાયેલ હતા.

(5:00 pm IST)