Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

જમીન કૌભાંડ અંગે મુખ્‍યમંત્રીને થયેલ ફરિયાદમાં મારી વિરૂધ્‍ધ તાકિદે તપાસ કરોઃ સિધ્‍ધાર્થ પરમારનો કલેકટરને પત્ર

આ જમીનમાં ર૭ કરોડનું આર્થિક કૌભાંડ આચરાયું છેઃ એના પૂરાવા કલેકટર કચેરીમાં અપાયા છે... : તારીખ ૧પ જૂન સુધીમાં તપાસ કમિટી નહિં રચાય તો ૧૬મીથી કલેકટર કચેરીમાં બેસી જઇશઃ પૂર્વ ધારાસભ્‍યની ચેતવણી

રાજકોટ તા. ૧૦: રાજકોટના પૂર્વ ધારાસભ્‍ય શ્રી સિધ્‍ધાર્થ પરમારે રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને પત્ર પાઠવી પોતાના વિરૂધ્‍ધ જમીન કૌભાંડોમાં મુખ્‍યમંત્રીશ્રીને થયેલ ફરિયાદમાં તાત્‍કાલિક મારા વિરૂધ્‍ધ તપાસ સમિતિની રચના થવી જોઇએ.પત્રમાં વધુમાં શ્રી સિધ્‍ધાર્થ પરમારે ઉમેર્યું છે કે, મેં સંવિધાન સમર્પણ સંકલ્‍પ યાત્રા દ્વારા ઓબીસી/એસસી/એસટી/માઇનોરીટી, ખેડૂત અને ગરીબ વર્ગના અધિકારોના રાજય સરકાર દ્વારા અમલીકરણ કરાવવા માટે તા. ૦૧/૦૪/ર૦રર ના રોજ રાજકોટથી ગાંધીનગર લગભગ ૪૦૦ કિલો મીટર અન્‍નનો ત્‍યાગ કરીને પદયાત્રા શરૂ કરેલ હતી જેમાં આ યાત્રામાં ખલેલ પહોંચાડવા તેમજ સફળ ન થવા દેવા માટે પુર્વ મુખ્‍યમંત્રીશ્રીના ચેલાઓએ સ્‍થાનિક અખબારમાં છપાવેલ કે રાજકોટમાં અનુસુચિત જાતિની ખેતી મંડળીઓમાં જમીન કૌભાંડ ચાલી રહ્યા છે તેમાં પડદા પાછળ સિધ્‍ધાર્થ પરમાર પૂર્વ ધારાસભ્‍ય છે. મારી યાત્રા નિષ્‍ફળ બનાવવા આ ચેલાઓએ આ ધંધો કરેલ પરંતુ તેમ છતાં મારી પદયાત્રાનું રાજકોટથી લઇને અમદાવાદ સુધી ઠેર-ઠેર ભવ્‍ય સ્‍વાગત થયેલું જેની નોંધ રાજય સરકારે મેં આપેલા ૧૦ મુદ્દાઓના આવેદન ઉપર ગંભીરતા લેવી પડેલ હતી.

ઉપરોકત બાબત તમોને એટલા માટે જણાવું છું કે, અનુસુચિત જાતિ ખેતી મંડળીઓની જમીનોનું આ એ જ પ્રકરણ છે કે જેમાં જુહી દલિતોની આ મંડળીમાં ગેરકાયદેસર દસ્‍તાવેજ કરેલો છે અને મુળજી કચરા ચાવડા આ મંડળીના પ્રમુખ ન હોવા છતાં જીલ્લા રજીસ્‍ટ્રાર કચેરી અને કલેકટર કચેરીએ માન્‍યતા આપીને જુહી સહિત અનુસુચિત જાતિ સિવાયના અન્‍ય જ્ઞાતિના લોકોને સરકારના નિયમ વિરૂધ્‍ધ દસ્‍તાવેજો કરી આપેલ છે જેના કારણે અનુસુચિત જાતિના ગરીબ લોકોને નુકશાન થયેલ છે તેમજ ચોકકસ દ્વારા દલિતોની આ જમીનમાંથી આશરે ર૭ કરોડનું આર્થિક કૌભાંડ આચરવામાં આવેલ હતું. જેમાં નિયમ અનુસાર સખ્‍ત કાર્યવાહી કરવા પ્રાંત અધિકારીશ્રીના રીપોર્ટ સહીત અનેકો પુરાવા જીલ્લા કલેકટર તરીકે મેં તમોને લ઼ેખિતમાં આપ્‍યા છે જેના ઉપર આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. આ આખા પ્રકરણમાં મારો તમોને આગ્રહ છે કે તા. ૩૧/૦૩/ર૦રર ના રોજ અનુસુચિત જાતિના વ્‍યકિતએ માન. મુખ્‍યમંત્રીશ્રીને અનુસુચિત જાતિની ખેતી મંડળીની જમીન કૌભાંડમાં મારી સંડોવણી કરતો પત્ર લખેલ છે જેની નકલ તમોને પણ મોકલેલ છે. તે સંદર્ભે તા. ૧પ/૦૬/ર૦રર સુધીમાં મારા વિરૂધ્‍ધ તપાસ સમિતિની રચના કરવામાં આવે અને મંડળીના આ જમીન કૌભાંડ સંદર્ભે મારા જવાબો લેવામાં આવે અને તપાસના અંતે તપાસ સમિતિ આ આખો રીપોર્ટ સાર્વજનીક કરીને જવાબદારો સામે તાત્‍કાલીક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેમજ તપાસ કમિટી દ્વારા તપાસની સંપૂર્ણ કાર્યવાહી ઓન કેમેરા કરવામાં આવે તેવો મારો આગ્રહ છે.વિશેષ તા. ૧પ/૦૬/ર૦રર સુધીમાં અનુસુચિત જાતિની મંડળીના આ જમીન કૌભાંડની તપાસ માટે તપાસ કમિટીનું ગઠન કરવામાં નહીં આવે તો હું તા. ૧૬/૦૬/ર૦રરના રોજથી રાજકોટ કલેકટર કચેરી તમારી ઓફીસમાં આવીને બેસી રહીશ અને જયાં સુધી તમો આ પ્રકરણમાં મારા વિરૂધ્‍ધ તપાસ કમિટીનું ગઠન નહીં કરો ત્‍યાં સુધી હું તમારી ઓફીસમાં સરકારી કાર્યમાં ખલેલ ન પહોંચે તે રીતે બેઠો રહીશ જેની આપશ્રીને જાણ કરૂં છું.

(3:51 pm IST)