Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

લક્ષ્મીવાડીમાં શ્રીનાથજી એપાર્ટમેન્‍ટની લિફટમાંથી લાલ અક્ષરે ‘જેનેટીક બોમ્‍બ' લખેલુ બોક્‍સ મળ્‍યું!

કોઇકના ટીખળથી પોલીસ-બોમ્‍બ સ્‍ક્‍વોડ-ડોગ સ્‍ક્‍વોડની ટીમો ધંધે લાગીઃ તપાસમાં સામાન્‍ય સરકીટ નીકળી : એસીપી એસ. આર. ટંડેલ, પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિતની ટીમે પહોંચી તુરત તપાસ કરી : ત્રીજા માળના રહેવાસી તેજસભાઇ રાજદેવ ૧૦:૩૦ કલાકે નીચે આવ્‍યા ત્‍યારે લિફટમાં કંઇ નહોતું: ૧૧:૨૦ કલાકે ઉપર જવા લિફટમાં ગયા ત્‍યારે ડાબી બાજુ ખુણામાં બોક્‍સ દેખાયું: પોતાની દ્રષ્‍ટી ઝાંખી હોઇ બોક્‍સ ઉપાડીને વાંચતા ‘જેનેટીક બોમ્‍બ' લખેલું દેખાતાં તુરત જ બોક્‍સ દાદરા પાસે અને બાદમાં બિલ્‍ડીંગ બહાર ફેંકી દઇ બીજા રહેવાસીઓ અને પોલીસને જાણ કરીઃ બોક્‍સ કોણ મુકી ગયું? તેની તપાસઃ સીસીટીવી ફૂટેજ ચકાસવા તજવીજ

જે એપાર્ટમેન્‍ટની લિફટમાંથી જેનેટીક બોમ્‍બ લખેલુ બોક્‍સ મળ્‍યું ત્‍યાં તપાસાર્થે પહોંચેલી પોલીસ, બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍ક્‍વોડની ટીમો તથા એકઠા થયેલા લોકો જોઇ શકાય છે. ઇન્‍સેટમાં બોક્‍સની તસ્‍વીર દેખાય છે જેના પર જેનેટીક બોમ્‍બ એવું લખાણ જોઇ શકાય છે (૧૪.૧૧)

રાજકોટ તા. ૯: શહેરના લક્ષ્મીવાડી વિસ્‍તારમાં એક બિલ્‍ડીંગ પાસે ઇલેક્‍ટ્રીક બોક્‍સ મળી આવતાં અને તેના પર લાલ અક્ષરે જેનેટીક બોમ્‍બ એવું લખેલું હોઇ રહેવાસીઓમાં ભય ફેલાઇ ગયો હતો. પોલીસને જાણ થતાં ભક્‍તિનગર પોલીસ, બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍ક્‍વોડની ટીમોએ પહોંચી તુરત તપાસનો ધમધમાટ આદર્યો હતો. જો કે તપાસ દરમિયાન આ બોક્‍સમાંથી સામાન્‍ય ઇલેક્‍ટ્રીક સરકિટ જેવું નીકળ્‍યું હતું. એ પછી લોકોએ રાહતનો દમ લીધો હતો. કોઇની ટીખળને કારણે પોલીસ તંત્ર ધંધે લાગ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ લક્ષ્મીવાડી શેરી નં. ૯માં આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. સી-૨ ત્રીજા માળે રહેતાં તેજસભાઇ જગદીશભાઇ રાજદેવ (ઉ.વ.૩૫)એ પોલીસને જાણ કરી હતી કે સવારે અગિયારેક વાગ્‍યે પોતે એપાર્ટમેન્‍ટની લિફટમાંથી ઉપર જતાં હતાં ત્‍યારે લિફટના ડાબી બાજુના ખુણાના ભાગે એક ઇલેક્‍ટ્રીક બોક્‍સ જેવું પડયું હતુ. પોતાની ઓછી દ્રષ્‍ટીને કારણે   તેઓ બોક્‍સ ઉપરનું લખાણ વાંચી શક્‍યા નહોતાં. જેથી તેણે હાથમાં લઇને વાંચતા તેમાં જીનેટીક બોમ્‍બ એવું લખાણ જોવા મળતાં જ તેમણે બિલ્‍ડીંગના દાદરા પાસે અને બાદમાં બિલ્‍ડીંગન બહાર ઓટા પર આ બોક્‍સ ફેંકી દીધું હતું અને બિલ્‍ડીંગના બીજા રહેવાસીઓને જાણ કરતાં પોલીસ કન્‍ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ ઉચ્‍ચ અધિકારીઓને કરવામાં આવી હતી. તેમજ ભક્‍તિનગર પોલીસને પણ કરવામાં આવી હતી. એસીપી એસ. આર. ટંડેલ, પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ નિલેષભાઇ મકવાણા, કરણભાઇ કોઠીવાળ સહિતની ટીમ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બોક્‍સ પર બોમ્‍બ લખેલુ હોઇ બોમ્‍બ સ્‍ક્‍વોડ અને ડોગ સ્‍કવોડને પણ જાણ કરવામાં આવતાં બોમ્‍બ સ્‍કવોડના પીએસઆઇ આર. આર. ઝાલા, ડોગ સ્‍ક્‍વોડના ઇદ્રીશભાઇ ડોગ જોન્‍ટીને લઇને પહોંચ્‍યા હતાં અને તપાસ આદરી હતી.

શંકાસ્‍પદ જેનેટીક બોમ્‍બ લખેલુ બોક્‍સ સલામત સ્‍થળે લઇ જઇ બોમ્‍બ સ્‍ક્‍વોડની ટીમે ખોલીને જોતાં અંદરથી ઇલેક્‍ટ્રીક સરકીટ જેવું મળ્‍યું હતું. જેનાથી બ્‍લાસ્‍ટ થાય તેવું નહોતું. આ વસ્‍તુ લિફટમાં કોઇ ટીખળીએ કોઇને ડરાવવા માટે મુકી હતી કે પછી બીજો કોઇ ઇરાદો હતો? તે અંગે ચર્ચા જાગી છે. બોક્‍સ લિફટમાં કોણે અને શા માટે મુક્‍યું? તેના પર જેનેટીક બોમ્‍બ કોણે લખ્‍યું? આ સહિતના મુદ્દે રહેવાસીઓમાં અને વિસ્‍તારમાં ભારે ચર્ચા જાગી છે. પોલીસે આ મામલે ખાનગી રાહે તપાસ શરૂ કરી દીધી છે.

તેજસભાઇએ ‘અકિલા' સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મને જન્‍મજાત આંખમાં એવી તકલીફ છે જેના કારણે મને દૂરનું દેખાતુ નથી. હું સાડા દસેક વાગ્‍યે હું એકલો લિફટમાં નીચે ઉતર્યો હતો. બિલ્‍ડીંગની સાફસફાઇ માટે માણસો આવ્‍યા હોઇ તેની સાથે વાત કરવા ઉતર્યો હતો. ૧૧:૨૦ કલાકે ઉપર જવા લિફટમાં બેઠો ત્‍યારે સફેદ બોક્‍સ જોવા મળ્‍યું હતું. હું નીચે ઉતર્યો ત્‍યારે આ બોક્‍સ નહોતું. આ બોક્‍સ શેનું છે? એ જોવા મેં હાથમાં લેતાં તેમાં જેનેટીક બોમ્‍બ લખ્‍યું હોઇ હું તરત બહાર નીકળ્‍યો હતો અને દાદરા પાસે બોક્‍સ મુકી બાદમાં બહાર ફેંકી દઇ મેં બીજા લોકોને જાણ કરી હતી. પોલીસને જાણ કરતાં દસ જ મિનીટમાં કાફલો આવી ગયો હતો અને તપાસ કરી હતી. પાર્કિંગમાં કેમેરા છે પરંતુ અંદરની સાઇડ સીસીટીવી કેમેરા નથી. પોલીસે બહારના ફૂટેજે મેળવવા તજવીજ આદરી છે.

(3:41 pm IST)