Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

આત્‍મન યુવા ગ્રુપ દ્વારા કાલે કારકીર્દી સેમીનાર

ધો.૧૦ અને ૧૨ પછી શું? તે અંગે વિદ્યાર્થીઓ-વાલીઓને માર્ગદર્શન અપાશે

રાજકોટ તા. ૧૦ : હાલમાં જ ધો. ૧૦ અને ૧૨ ના પરિણામો જાહેર થયા છે. ત્‍યારે આગળના અભ્‍યાસક્રમો અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે હેતુથી આત્‍મન યુવા ગ્રુપ દ્વારા કાલે તા. ૧૧ ના વિનામુલ્‍યે કારકીર્દી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવેલ છે.

આ અંગે ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આત્‍મન ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે ધો.૧૦ અને ધો.૧૨ પછી આગળ કયો અભ્‍યાસ કરવો? તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટી મુંજવણ અનુભવતા હોય છે. ત્‍યારે તેમને મુંજવતા સવાલો અંગે કારકીર્દીલક્ષી માર્ગદર્શન મળી રહે તે હેતુથી અમે આ સેમીનારનું આયોજન કરેલ છે.

કાલે તા. ૧૧ ના શનિવારે સાંજે ૫ થી ૮ સુધી ડો. આંબેડકર ભવન, અક્ષરમાર્ગ ખાતે વિનામુલ્‍યે યોજાયેલ આ સેમીનારમાં  યુવા વિકાસ અધિકારી જી. કે. વાઘેલા, મનોવિજ્ઞાન વિભાગના ડો. યોગેશ જોગાસણા, નેનો વિજ્ઞાન વિભાગના ડો. કટારીયા, સમાજ મલ્‍યાણ અધિકારી દિનેશભાઇ આરદેશણા, કેરીયર એકેડેમીના સુનિલભાઇ ગોહેલ, નાયબ નિયમક કચેરી અને રોજગાર કચેરીના અધિકારીઓ-તજજ્ઞો ઉપસ્‍થિત રહી શૈક્ષણિક કારકીર્દી ઉજવળ બનાવવા અંગે માર્ગદર્શન આપશે.

વિનામુલ્‍યે સેમીનારનો વધુને વધુ સંખ્‍યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાભ લેવા આત્‍મન યુવા ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આત્‍મન યુવા ગ્રુપના કિશોરભાઇ જી. રાઠોડ, જગદીશ જી. ચાવડા, જલ્‍પેશ  ડી. વાઘેલા, જીતેન્‍દ્ર ડી. પરમાર નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(3:03 pm IST)