Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કાલથી સિધ્‍ધ સમાધિ યોગ શિબિર

રાજકોટ તા. ૧૦ : ઋષિ સંસ્‍કૃતિ વિદ્યા કેન્‍દ્ર, બેંગ્‍લોર દ્વારા શારીરિક, માનસિક, આર્થિક, આધ્‍યાત્‍મિક અને સર્વાંગિક વિકાસ અંગે કાલે તા. ૧૧ થી ૧૯ સુધી ‘ઉમા સદન' જે. કે. ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે ‘સિધ્‍ધ સમાધિ યોગ' શિબિરનું આયોજન કરાયુ છે.

એસ.એસ.વાય. એ સરળ, શક્‍તિશાળી, અસરકારક અને પરિણામલક્ષી યોગનો પ્રકાર છે. તેના મુળ ભારતીય સંસ્‍કૃતિના પાયામાં રહેલ બ્રહ્મોપદેશનમ નામના સંસ્‍કારમાં રહેલ છે. આ સંસ્‍કાર વૈદિક કાળમાં ઘણો પ્રચલિત હતો. આ પૂર્વકાલીન બ્રહ્મોપદેશમનો આધુનિક પધ્‍ધતિસરની અને પ્રાયોગિક અભિગમ, પૂ. યોગબ્રહ્મ ગુરૂજી શ્રી ઋષિ પ્રભાકરજીની માનવ સમાજને અમૂલ્‍ય ભેટ છે.

એસ.એસ.વાય. એ કોઇ ધાર્મિક પંથ નથી. તે વ્‍યક્‍તિને સંપ્રદાય કે પંથની મર્યાદિત રેખાઓથી દુર સર્વધર્મની ક્ષિતિજ સુધી લઇ જાય છે અને સર્વધર્મ સમભાવનો સંદેશો આપે છે. સિધ્‍ધ સમાધિ યોગમાં પંચકોષની શુધ્‍ધિની પ્રક્રિયા કરાવવામાં આવે છે.

આ શિબિરમાં ૧૫ વર્ષથી ઉપરના ગમે તે ધર્મ, જ્ઞાતિ, જાતિ કે વર્ણના ભણેલા કે અભણ કોઇપણ જોડાઇ શકે છે. જોડાવા માટે નિઃશુલ્‍ક ઇન્‍ટ્રોડકશન શિબિર સ્‍થળે કાલે તા. ૧૧ ના સવારે ૮ વાગ્‍યે અને સાંજે વાગ્‍યે રાખેલ છે. વધુ માહીતી માટે ધર્મેશ તુવાર (મો.૯૪૨૮૦ ૧૧૯૧૫) નો સંપર્ક કરવા ડો. બિનેશ પતાણીની યાદીમાં જણાવાયુ છે.

(3:02 pm IST)