Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

કાલે હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલનઃ કવિ કુમાર વિશ્વાસને માણવાનો અવસરઃ શનિવારે મ્‍યુઝીકલ નાઈટ- રવિવારે હસાયરો

સરગમ કલબના ત્રિવેણી સંગમ કાર્યક્રમનો આવતીકાલથી પ્રારંભ : હસાયરાના કલાકારો માયાભાઈ આહીર, ધીરૂભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમાઃ રેસકોર્ષના મેદાનમાં જાહેર જનતા માટે વિનામૂલ્‍યે કાર્યક્રમો

રાજકોટઃ  સરગમ કલબ દ્વારા આગામી તા.૧૦ -  ૧૧ અને ૧૨ (શુક્ર, શનિ, રવિ) જૂન એમ ત્રણ દિવસ માટે રેસકોર્સ મેદાનમાં જાહેર જનતા માટે યોજાનારા ત્રિવેણી સંગમ કાર્યક્રમ માણવા માટે રાજકોટવાસીઓમાં ભારે ઉત્‍સાહ દેખાઈ રહ્યો છે. .આ ત્રિવેણી સંગમ કાર્યક્રમ નું સૌથી મોટું આકર્ષણ હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન છે જેમાં દેશના પ્રખ્‍યાત કવિ અને વ્‍યંગકાર કુમાર વિશ્વાસ ઉપસ્‍થિત રહેવાના છે.કુમાર વિશ્વાસના કાવ્‍ય કળશને માણવાની સોનેરી તક ઊભી થઈ છે.

આ કાર્યક્રમ વિશે માહિતી આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્‍યું છે કે તા.૧૦મી જૂને રાત્રે ૮:૩૦ વાગે રમેશ પારેખ રંગદર્શન (રેસકોર્ષ) ખાતે જાહેર જનતા માટે હિન્‍દી હાસ્‍ય કવિ સંમેલન યોજાશે જેનું નેતળત્‍વ દેશના જાણીતા કવિ કુમાર વિશ્વાસ કરશે. કુમાર વિશ્વાસને સાંભળવા એક લ્‍હાવો હોય છે.

કુમાર વિશ્વાસ ઉપરાંત જાણીતા હાસ્‍ય કવિઓ સુરેન્‍દ્ર દુબે, મનવીર મધુર,શ્‍લેષ ગૌતમ, ખુશબી શર્મા અને કુશલ શુકવાહા હાસ્‍યરસ પીરસશે.આ બધા હિન્‍દી ભાષાના એક એક થી ચડિયાતા કવિઓ છે અને વ્‍યંગ માટે જાણીતા છે. માત્ર રાજકીય વ્‍યંગ નહીં પરંતુ કોઈ પણ બાબતને હાસ્‍ય સાથે કેવી રીતે વણી લેવી તે બખૂબી જાણે છે. 

બીજા દિવસે એટલે કે તા.૧૧મીએ રાત્રે ૮:૩૦ વાગ્‍યે રેસકોર્સમાં જ મ્‍યુઝીકલ મેલોઝ પ્રસ્‍તુત સંગીત સંધ્‍યા યોજાશે. રાજુ ત્રિવેદી પ્રસ્‍તુત આ સંગીત સંધ્‍યામાં ગોવિંદ મિશ્રા ( મુંબઈ ), નાનું ગુર્જર ( મુંબઈ ), રૈના લહેરી (મુંબઈ ) મનીષા કરન્‍ડીકર (મુંબઈ ) અને નફીસ આનંદ (અમદાવાદ) જુના નવા ગીતોની રમઝટ બોલાવશે.

તા.૧૨મીને રાત્રે ૮:૩૦ વાગ્‍યે   હસાયરામાં -માયાભાઈ આહીર, ધીરૂભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા લોકોને હસાવશે.  આ કાર્યક્રમો માટે સરગમ કલબને બાન લેબ્‍સ કંપની, પુજારા ટેલીકોમ પ્રા. લી., રોલેકસ રોલ્‍ડ રિંગ્‍સ લી., જે.પી. સ્‍ટ્રકચર પ્રા. લી., ક્‍લાસિક નેટવર્ક પ્રા. લી., ધ ડી.એમ.એલ.ગ્રુપ, જે.એમ.જે.ગ્રૂપ  અને અમીધારા ડેવલપર્સ પ્રા. લી. સહયોગ મળ્‍યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ શ્રી મૌલેશભાઈ પટેલ, સ્‍મિતભાઈ પટેલ, યોગેશભાઈ પૂજારા, મનીષભાઈ માંડેકા, જગદીશભાઈ ડોબરિયા, હરેશભાઈ લાખાણી, જીતુભાઈ બેનાણી, મયુરધ્‍વજસિંહ જાડેજા, ભરતભાઈ સોલંકી, જયસુખભાઈ ડાભી, રાજેન્‍દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, મનમોહન પનારા, રમેશભાઈ અકબરી, કૌશિકભાઈ વ્‍યાસ, તેમજ કમિટી મેમ્‍બરો જહેમત ઉઠાવી જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:18 pm IST)