Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા આપો પછી વેરા ઉઘરાવો

રવેચીનગર સહિતની સોસાયટીઓમાં લાઇટ-રસ્તા-ગટર- પાણીની સુવિધા જ નથી : લતાવાસીઓની કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા. ૧૦ :  શહેરનાં કોઠારીયા વિસ્તારો છેલ્લા ૪ વર્ષેથી રાજકોટ મ્યુ. કોર્પોરેશનની હદમાં ભળી ગયો છે. છતાં હજુ સુધી કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં રસ્તા-ગટર-પાણી-લાઇન જેવી પ્રાથમિક સુવિધા નથી છતાં તંત્ર દ્વારા વેરા ઉઘરાવવા તજવીજ શરૂ કરી છે. ત્યારે સૌ પ્રથમ આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ અપાયા બાદ જ વેરા બિલ આપવામાં આવે તેવી માંગ રવેચીનગર વિસ્તારનાં રહેવાસીઓએ ઉઠાવી છે.

આ અંગે રવેચીનગર શેરી નં.૧માં રહેતા જાગૃત નાગરિક મોહમદ અલી કાદરીએ મ્યુ. કમિશ્નરશ્રીને પાઠવેલ આવેદન પત્રમાં જણાવ્યું છે કે ૧૯૯ર થી આ વિસ્તારમાં લોકો વસવાટ કરે છે. છતાં સ્ટ્રીટલાઇન, ગટર, રસ્તા-પાણીની નિયમિત અને વ્યવસ્થિત સુધિવા નથી. આપવામાં આવી હવે મ્યુ. કોર્પોરેશને આ વિસ્તાર સંભાળી લીધો છે. ત્યારે તમામ પ્રકારનાં વેરા ઉઘરાવવા તજવીજ હાથ ધરાઇ છે. ત્યારે સૌ પ્રથમ આ વિસ્તારમાં રોડ-ગટર-લાઇટ પાણી જેવી રોજીંદી જરૂરીયાતની પ્રાથમિક સુવિધાઓ આપી દેવાય તો સમગ્ર વિસ્તારનાં રહેવાસીઓ સામુહિક રીતે સ્વેચ્છાએ વેરા ભરવા તૈયાર છે ત્યારે આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા માંગ છે. (૯.૭)

(3:00 pm IST)