Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

જામજોધપુરના સડોદરના લેઉવા પટેલ અજયનું વ્યાજ માટે રાજકોટમાં બે મિત્રો સહિત ચારે અપહરણ કર્યુ

વ્યાજખોરો સામે ઝૂંબેશ વચ્ચે ખુલ્લેઆમ દાદાગીરીઃ ૨.૩૦ લાખ સામે ડબલ ચુકવ્યા છતાં વધુ ઉઘરાણી : પ્રહલાદ પ્લોટમાંથી બાઇકમાં ઉઠાવી પેલેસ રોડ લઇ ગયાઃ ત્યાં તક મળતાં મિત્રને ફોન કર્યો ને પોલીસ આવી ગઇ : એ-ડિવીઝન પોલીસે સામા કાંઠાના ૪ ભરવાડ શખ્સો ભગુ, પારસ, અનિલ અને ધવલની ધરપકડ કરી : અપહરણ બાદ ચારેય શખ્સો અજયને એક બેસણામાં પણ સાથે લઇ ગયા'તા!

જેનું અપહરણ થયું હતું તે અજય પટેલ અને પોલીસે પકડેલા ચારેય ભરવાડ શખ્સો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૦: વ્યાજખોરો સામે પોલીસ કમિશ્નર અને જોઇન્ટ પોલીસ કમિશ્નર તથા બંને ડીસીપીએ વ્યાજખોરો વિરૂધ્ધ ઝૂંબેશ શરૂ કરતાં ધડાધડ ગુના નોંધાઇ રહ્યા છે. આ વચ્ચે પણ વ્યાજખોરો જાણે કાયદાનો ડર ન હોય એ રીતે ગુના આચરી રહ્યા છે. ગઇકાલે સાંજે  જાગનાથ પ્લોટ-૩૯ બાલમુકુંદ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧માં રહેતાં મુળ જામજોધપુરના સડોદરના વતની અને હાલ રાજકોટ રહી પ્લાસ્ટીકના દાણાનો કમિશનથી વેપાર કરતાં લેઉવા પટેલ યુવાનનું વ્યાજની ઉઘરાણી માટે પ્રહલાદ પ્લોટમાંથી તેના જ બે મિત્રો સહિત ચાર ભરવાડ શખ્સોએ અપહરણ કરી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ યુવાનના મિત્ર આવી જતાં ચારેય તેને છોડીને ભાગી ગયા હતાં. એ-ડિવીઝન પોલીસે ચારેયને દબોચી લઇ આગવી પુછતાછ કરી હતી.

બનાવ અંગે અજય માલવીયાની ફરિયાદ પરથી એ-ડિવીઝન પોલીસે સામા કાંઠે સંત કબીર રોડ પર શકિત સોસાયટી ગાત્રાળ નાગબાઇ વાસમાં રહેતાં ભગુ ગોકુલભાઇ કાટોડીયા (ભરવાડ) (ઉ.૨૦), અનિલ મંછાભાઇ રાઠોડ (ભરવાડ) (ઉ.૨૧), ધવલ મંછાભાઇ રાઠોડ (ભરવડા) (ઉ.૨૪) અને પારસ રાજેશભાઇ કાટોડીયા (ભરવાડ) (ઉ.૨૪) સામે આઇપીસી ૩૮૪, ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, મનીલેન્ડ એકટ મુજબ ગુનો નોંધી ચારેયને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે.

અજય પટેલે જણાવ્યું છે કે મારો પરિવાર ગામડે રહે છે અને હું રાજકોટ મામાના દિકરા અંકિત સાથે રહી પ્લાસ્ટીકના દાણાનું કામ કરુ છું. ચારેક વર્ષ પહેલા મેં મારા મિત્રો અનિલ રાઠોડ અને ધવલ રાઠોડ કે જે સંત કબીર રોડ પર રહે છે તેની પાસેથી ધંધાના કામે ૧૦ ટકા વ્યાજે રૂપિયા લીધા હતાં. જેમાં અનિલ પાસેથી ૫૦ હજાર અને ધવલ પાસેથી ૩૦ હજાર તથા તેના મિત્ર ભગુ પાસેથી ૧ાા લાખ લીધા હતાં. આ તમામને મેં નિયમીત વ્યાજ આપ્યું હતું. વ્યાજ સહિત ત્રણ ગણા રૂપિયા વસુલી ચુકયા હોવા છતાં વધુને વધુ વ્યાજ માંગી ધમકાવતાં હતાં અને મારો દોઢ તોલાનો ચેઇન પણ પડાવી ગયા હતાં.

શુક્રવારે સાંજે પોણા પાંચેક વાગ્યે હું પ્રહલાદ પ્લોટમાં ચબુતરા ચોકમાં ફિલ્ટર રિપેર કરવા જતો હતો ત્યારે ભગુ કોટડીયા અને અનિલ રાઠોડ મળ્યા હતાં અને રૂપિયાની ઉઘરાણી કરી ગાળો દઇ મને બાઇકમાં બેસાડી પેલેસ રોડ ભગવતી રેસ્ટોરન્ટ પાસે લઇ ગયા હતાં. ત્યાં આ બંનેએ મારકુટ શરૂ કરી હતી. ત્યાં ભગુનો ભાઇ અને ધવલ પણ આવી ગયા હતાં અને ચારેયે મળી મારકુટ કરી હતી.

એ પછી ફરી બાઇકમાં બેસાડી પાછળની શેરીમાં બેસણામાં લઇ ગયા હતાં. ચારેયના કોઇ મિત્રનું અવસાન થયું હોઇ તેનું બેસણું હતું. મને ત્યાં તક મળી જતાં મારા મિત્ર યુવરાજસિંહનો ફોન આવતાં મેં તેને બધી વાત કરતાં યુવરાજસિંહ આવી જતાં પોલીસને જાણ કરતાં પીસીઆર વેન આવી હતી. એ સાથે ચારેય શખ્સો ભાગી ગયા હતાં. મામલો એ-ડિવીઝન પોલીસમાં પહોંચતા પી.આઇ. વી.એન. યાદવની રાહબરીમાં પીએઅસાઇ કે.એ. જાડેજા અને ડી. સ્ટાફની ટીમે ચારેય શખ્સોને મોડી સાંજે જ શોધી કાઢી ધરપકડ કરી આકરી પુછતાછ કરી હતી.

(11:26 am IST)