Gujarati News

Gujarati News

News of Friday, 9th February 2018

પંચાયતની સામાન્ય સભાના એજન્ડામાં પ્રશ્નોતરી પણ પ્રશ્નો પૂછી શકાશે નહિ

થાળી-વાટકા મૂકાઇ ગયા, વાનગી પીરસાશે નહિ : જિલ્લા પંચાયત પ્રમુખનો 'આયોજનબદ્ધ' એજન્ડા

રાજકોટ, તા. ૯ : જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા (ખાસ બજેટ માટે) તા. ૧પમીએ સવારે ૧૧:૩૦ વાગ્યે બોલાવવા માટે પ્રમુખ નિલેષ વિરાણીની સૂચનાથી વહીવટી તંત્રએ એજન્ડા ગઇકાલે સાંજે બહાર પાડયો છે. જેમાં પ્રશ્નોતરી બાબતે શબ્દોની કરામત જોવા મળે છે.

કાર્યસૂચિના મુદ્દા નં. ર ઉપર 'પ્રશ્નો' એવું દર્શાવેલ છે. જેમાં પ્રશ્નોતરી માટે એક કલાકની સમય મર્યાદા અને પ્રમુખ બેલેટથી અગ્રક્રમ નક્કી કરે તેવો ઉલ્લેખ છે. પંચાયત ધારાની જોગવાઇ મુજબ સામાન્ય સભાના દિવસ પૂર્વેના ૭ દિવસ પહેલાની મુદ્દત સુધીમાં સભ્યોએ પ્રશ્નો રજૂ કરી દેવાના હોય છે. આ વખતે ખાસ સામાન્ય સભા હોવાથી માત્ર ૬ ચોખ્ખા દિવસો રાખી એજન્ડા પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સભ્યો પાસે પ્રશ્નો રજુ કરવાનો જ સમય રહેતો નથી તો ચર્ચાને અવકાશ જ કઇ રીતે રહે ? પ્રશ્નોતરીનો ઉલ્લેખ માત્ર એજન્ડામાં રહી શકાશે. વાસ્તવમાં પ્રશ્નોની ચર્ચા થશે નહિ.

ભૂતકાળમાં અમૂક સભ્યોએ પંચાયત ધારાને ટાંકીને પ્રશ્નોતરીના ઉલ્લેખ વગરના એજન્ડાને પડકારેલ તેથી આ વખતે એજન્ડામાં પ્રશ્નોતરીનો ઉલ્લેખ કરી ઔપચારિકતા પૂરી કરવામાં આવી છે. છેલ્લે ૧ર ઓકટોબરે પ્રશ્નોતરી સાથેની સામાન્ય સભા મળેલ. સભ્યોને હવે પછી કયારે પ્રશ્નો પૂછવાની તક મળશે તે નક્કી નથી.

(4:35 pm IST)