Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

હું હંમેશા મતદારોના કામ માટે ૨૪ કલાક કાર્ય કરીશઃ રમેશભાઇ ટીલાળા

હું આયાતી ઉમેદવાર નથી, લોકો ગમે ત્‍યારે રાજનગર ચોક ખાતે ઓફિસે સંપર્ક કરી શકશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૯ રાજકોટ ૭૦ (દક્ષિણ) બેઠકના ભાજપના નિષ્‍ઠાવાન, પ્રમાણિક અને સેવાના ભેખધારી રમેશભાઇ ટીલાળાના ભવ્‍ય વિજયબાદ રમેશભાઇએ તમામ મતદારોનો આભાર માની ગમે ત્‍યારે જરૂર પડે ત્‍યારે વિસ્‍તારના કોઇપણ મતદારો મારી પાસે આવી શકે છે. હું હંમેશા મતદારોના કામ માટે ૨૪ કલાક કાર્ય કરીશ.

ગઇ કાલે રાજકોટ ૭૦ ના ભાજપના ઉમેદવાર રમેશભાઇ ટીલાળા વિજયી થયા બાદ નાનામવા સર્કલથી વિજય યાત્રા નિકળી હતી જે ૭૦ વિધાનસભા વિસ્‍તારમાં ફરી ભકિતનગર સર્કલ પાસે મધ્‍યસ્‍થ કાર્યાલયે સમાપન થયુ હતું.

સમાપન બાદ મધ્‍યસ્‍થ કાર્યાલયે રમેશભાઇ ટીલાળાએ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત કાર્યકરો, આગેવાનોનો આભાર માની જણાવ્‍યુ હતુ કે રાજકોટ વિધાનસભા ૭૦ ના મતદારોએ ભારતીય  જનતા પાર્ટી અને મારી ઉપર વિશ્વાસ મુકી મારા તરફેણમાં મતદાન કરી મને ભવ્‍ય જીત અપાવી છે તે બદલ હુ તમામ મતદાતા ભાઇઓ અને બહેનોનો હૃદય પુર્વક આભાર માનુ છુ આ જીત માત્ર મારી કે ભારતીય જનતા પાર્ટીની નથી આ જીત રાજકોટ ૭૦ ના મતદાતાઓની છે.

તેમણે વધુમાં જણાવ્‍યુ હતુ કે મારી આ જીતમાં શરૂઆતથી જ મને વિજયી બનાવવા રાત-દિવસ જોયા વગર જેઓ દોડતા જ રહ્યા છે તેવા જુદા-જુદા સમાજના આગેવાનો, વેપારી મહા મંડળો, ઉદ્યોગ સાથે સંકળાયેલા એસોસીએશનો, સેવાકીય-ધાર્મિક અને સામાજીક સંસ્‍થાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ, ભાજપના આગેવાનો, કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો, બુથ કમીટીના હોદ્દેદારો, પેઝ પ્રમુખો સહિત જુદી જુદી રીતે જીતમાં મદદ કરનાર તમામનો રમેશભાઇ ટીલાળાએ આભાર માન્‍યો હતો.

અંતમાં તેમણે જણાવ્‍યુ હતુ કે મારો અને આપ બધાનો સંકલ્‍પ છે કે વિધાનસભા ૭૦ વિસ્‍તારને નમુનેદાર બનાવીએ આ માટે કોઇપણ જાતના ભેદભાવ કે  દ્રેષભાવ રાખ્‍યા વિના વિસ્‍તારની સમસ્‍યાઓ અને પ્રશ્નોને હલ કરવા હું હંમેશા તત્‍પર રહીશ. ચુંટણી પહેલા અમુક લોકો કહેતા હતા કે રમેશભાઇ આયાતી ઉમેદવાર છ ે તેમને કયાં ગોતવા જશુ તેવા આક્ષેપો સામે તેમણે જણાવ્‍યું હતુ કે રાજનગર ચોક ખાતે મારી વર્ષોથી ઓફિસ છે ત્‍યાં હું બેસુ છું. કોઇપણ મતદાર ત્‍યાં મારો સંપર્ક કરી શકે છે.

આ તકે ૭૦ વિધાનસભા બેઠકના ઇન્‍ચાર્જ જીતુભાઇ કોઠારીએ પણ પ્રાસંગિક ઉદ્‌બોધન કરી સર્વે મતદારોનો આભાર માન્‍યો હતો.

(5:17 pm IST)