Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

સરકારી સિમેન્ટ સગેવગે કરવાના ગુન્હામાં પકડાયેલ આરોપીનો ૩૭ વર્ષે નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૯ : (૩૦ ટન) સરકારી સીમેન્ટ સગેવગે કરવા અને ટ્રકના ખોટા ગેટ પાસ બનાવી, સીમેન્ટ ગુમ કરીને, સીમેન્ટ ભરેલા ટ્રક સાથે પકડાયેલ આરોપીના કેસમાં ૩૭ વર્ષે આરોપીનો નિર્દોષ છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

આ કેસની વિગત મુજબ સી.આઇ. ડી. ક્રાઇમ અમદાવાદના પોલીસ ઇન્સ્પેકટર દ્વારા તા.ર/૧૧/૧૯૮પ ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ આપેલ કે, રાજકોટના માધાપર રેલ્વે યાર્ડમાં સીમેન્ટનો જથ્થો આવેલ હતો, જે સીમેન્ટનો જથ્થો બંગાવડી ડેમની સાઇટ ઉપર પહોચાડવાનો હતો, જેના માટે કોન્ટ્રાકટ મારફતે ૩ ટ્રક ૬૦૦ ગુણી (૩૦ ટન) સીમેન્ટ માધાપર રેલ્વેયાર્ડમાંથી ભરીને, સરકારી કામ સબબ ગેટ પાસ મેળવીને તા.ર/૧૦/૧૯૮૪ ના રોજ સવારે જથ્થો બંગાવડી ડેમ ખાતે ખાલી કરવા રવાના થયેલ, જે ૩ ટ્રકો દિવસ દરમ્યાન પહોંચેલ નહીં, જેથી ટ્રક બાબતે પોલીસમાં જાણ કરતા, પોલીસને સીમેન્ટ ભરેલા ૩ ટ્રકો ગોંડલ રોડ પરથી મળી આવેલ, જે અંગે ટ્રકોને રોકીને તલાસી લેતા, તેમાંથી સાચા ગેટ પાસને બદલે ખોટા ગેટ પાસ સાથે ડ્રાઇવરો મળી આવેલ. જે અંગે તપાસ કરતા માલુમ પડેલ કે, ટ્રકોના ડ્રાઇવરો અને કોન્ટ્રાકટર દ્વારા મિલાપીપણું કરીને ગુંહાઇત કાવતરૃ કરીને સરકારી સીમેન્ટનો જથ્થો બારોબાર સગે વગે ખોટા ગેટ પાસ બનાવેલ છે. અને સીમેન્ટ યોગ્ય જગ્યાએ પહોંચાડવાને બદલે સગે વગે કરેલ છે, જે અંગે આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ. પી. સી.કલમ ૪૦૭,૪ર૦, ૪૬પ, ૧ર૦ (બી) વગેરે કલમો હેઠળ ફરીયાદ નોંધાયેલ હતી.

આ ગુન્હાના કામે આરોપી ધનજીભાઇ કાનજીભાઇ પટેલ તથા અન્ય આરોપીઓની ધરપકડ કરીને ચાર્જશીટ કરેલ, જે કેસ ચાલી જતા ફરીયાદ પક્ષે પ સાહેદોની જુબાની કોર્ટમાં નોંધવામાં આવી અને ૩ જેટલા લેખિત પુરાવા રજુ કરવામાં આવ્યા આરોપીના એડવોકેટ દ્વારા દલીલ કરેલી કે, જે દસ્તાવેજો, ગેટ પાસ રજુ થયેલ છે તે ખોટા છે તે બાબતે કોઇ દસ્તાવેજ એફ.એસ.એલ.માં રજુ રાખેલ નથી કે ખોટા છે તે બાબતે કોઇ પુરાવો રજુ નથી તથા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતા કોર્ટે દલીલો માન્ય રાખીને ૩૭ વર્ષ પહેલા નોંધાયેલ ગુન્હામાં આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવીને છોડી મુકવા હુકમ કર્યો હતો.

આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ રાહુલ બી. મકવાણા, ભાર્ગવ ડી. બોડા, અશ્વિન ડી.પાડલીયા, રવિ વી. રાઠોડ, કૃણાલ વિંધાણી રોકાયેલા હતા.

(3:33 pm IST)