Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

મયુરસિંહ રાણાની હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયેલા કલાકાર દેવાયત ખવડને પકડી કાયદાનુ ભાન કરાવો

રૃદ્રશકિત ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા પ્રમુખ માયાબા જાડેજાની આગેવાનીમાં પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટઃ શહેરની વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતાં મયુરસિંહ સંપતસિંહ રાણા (કોંઢ) ઉપર બે દિવસ પહેલા ડો. યાજ્ઞિક રોડ સર્વેશ્વર ચોક નજીક ભરબપોરે મયુરસિંહ પોતાની ઓફિસથી ઘરે જવા માટે કાર પાસે આવ્યા ત્યારે લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેની સાથેનો એક શખ્સ તેના પર લોખંડના પાઇપથી તૂટી પડ્યા હતાં અને બેફામ માર મારી નંબર પ્લેટ વગરની કારમાં રહેલા ત્રીજા શખ્સ સાથે ભાગી ગયા હતાં. આ બનાવમાં પોલીસે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ કલાકાર દેવાયત ખવડ ભાગી ગયેલ છે. દરમિયાન આજે ક્ષત્રિ રૃદ્રશકિત ક્ષત્રિય મહિલા મંડળ દ્વારા પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે બે દિવસ વીતી ગયા હોવા છતાં કલાકાર દેવાયત ખવડની ધરપકડ થઇ નથી. પાર્કિંગની સામાન્ય માથાકુટમાં આ રીતે હુમલો કરવાની ઘટના નીંદનીય છે. પોલીસે તાકીદે તેને પકડી કાયદાનું ભાન કરાવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મંડળના પ્રમુખ માયાબા જાડેજા સાથે મંડળના અન્ય મહિલા સદસ્યો પણ આ રજૂઆતમાં સામેલ થયા હતાં. (ફોટોઃ અશોક બગથરીયા)

(5:21 pm IST)