Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

આચારસંહિતા પૂર્ણ : સોમવારથી કચેરીઓ ફરી ધમધમશે

નવી સરકાર રચાતા જ બઢતી - બદલી, ઉદ્‌ઘાટનોનો માર્ગ ખુલ્લો

રાજકોટ તા. ૯ : વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ગઇકાલે આવી જતા આચારસંહિતા પૂર્ણ થઇ રહી છે. સત્તાવાર રીતે આવતીકાલ સુધીની આચારસંહિતા છે પરંતુ મત ગણતરી સુધીની સઘળી કામગીરી પૂર્ણ થઇ ગઇ હોવાથી ચુંટણીપંચ આજ સાંજ સુધીમાં આચારસંહિતા પૂર્ણ થયાનો સત્તાવાર હુકમ કરે તેવી સંભાવના છે. સોમવારથી સરકારી કચેરીઓ ફરી ધમધમવા લાગશે.

ગઇ ૩ નવેમ્‍બરે ચૂંટણી જાહેર થઇ ત્‍યારથી આચારસંહિતા લાગુ પડી હતી. આચારસંહિતાના સમયમાં બઢતી - બદલી, સરકારી જાહેરાતો, સરકારી કાર્યક્રમો વગેરેની મનાઇ હોય છે. ચૂંટણી પૂરી થતાં તે બધી વહીવટી કામગીરી અને યોજનાકીય જાહેરાતોનો રસ્‍તો ખુલ્લો થયો છે. રાજ્‍યમાં તા. ૧ અને ૫ ડિસેમ્‍બરે મતદાન થયેલ. ગઇકાલે પરિણામ જાહેર થયું છે. આ વખતે સવા માસ જેવા ટૂંકાગાળાની આચારસંહિતા હતી.

આવતીકાલે બીજા શનિવારની રજા છે ત્‍યારપછીના દિવસે રવિવાર છે. સોમવારથી સરકારી કચેરીઓમાં રાબેતા મુજબની કામગીરી શરૂ થશે. નવી સરકાર પણ સોમવારથી અસ્‍તિત્‍વમાં આવનાર છે.

(3:26 pm IST)