Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

શ્રી રગતિયા બાપા મંદિરનો રવિવારે વંથલીમાં જીર્ણોધ્‍ધાર મહોત્‍સવ : માયાભાઈ આહીરનો લોકડાયરો

દેશ-વિદેશના વસા પરિવાર ઉપરાંત અન્‍ય જ્ઞાતિજનો પણ માથું ટેકવે છે તેવા

રાજકોટ તા. ૯ : જુનાગઢ જિલ્લાનાં વંથલીમાં ઓજત નદીના કાંઠે આવેલા શ્રી રગતિયા બાપના મંદિરના જીર્ણોધ્‍ધાર મહોત્‍સવનું  તા. ૧૧મીને રવિવારે આયોજન કરવામાં આવ્‍યું છે. આ પ્રસંગે જાણીતા લોક કલાકાર માયાભાઈ આહીરનો જૈન સાહિત્‍ય અને લોકડાયરાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્‍યો છે. આ જીર્ણોધ્‍ધાર કાર્યક્રમ બપોરે ૪ થી ૭-૩૦ દરમિયાન યોજાશે અને ત્‍યાર બાદ ચોવિહાર સાથે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમના નિમંત્રક રાજકોટ સ્‍થિત વિસામણ ગ્‍લોબલ સેલ્‍સનાં એમ.ડી. મિતુલભાઇ વસાના જણાવ્‍યા અનુસાર, દેવસ્‍થલીમાંથી વામન સ્‍થલી અને વામનસ્‍થલીમાંથી વન સ્‍થલી અને તેમાંથી વંથલી  નામ પડ્‍યું છે અને આ ગામની બહાર ઓજત નદીના કાંઠે કેસર કેરીના બાગની વચ્‍ચે શ્રી રગતિયા બાપનું સ્‍થાનક આવેલું છે. આ સ્‍થાનકની વિશેષતા એ છે કે, સમગ્ર ભારત અને વિદેશમાં રહેતા વસા પરિવાર ઉપરાંત વંથલી ગામમાં તથા આસપાસના ગામોમાં વસેલા દરેક જ્ઞાતિનાં લોકો નાત જાતના ભેદભાવ વગર પોતાના શુભ પ્રસંગે  પૂ. બાપાના આ મંદિરે માથું ટેકવે છે.

મિતુલભાઇએ એમ પણ જણાવ્‍યું છે કે, પૂ. રગતિયા બાપા ૧૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન એવા તીર્થમાં શ્રી શીતલનાથ દાદાના સાનિધ્‍યમાં બિરાજમાન છે. અહી આવનારા તમામ ભાવિકોને પૂ.બાપાની ભક્‍તિ ની સાથોસાથ તીર્થંકર ભગવંતની ભક્‍તિનો લાભ પણ મળે છે.

આ ધાર્મિક પ્રસંગે રવિવારે  પણ મોટી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહેશે. વધુ વિગત માટે મિલનભાઈ ( ૮૮૪૯૩ ૨૨૯૯૦) અથવા દર્શીતભાઈ (૭૯૯૦૩ ૯૮૪૦૮)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(1:46 pm IST)