Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

અમારી માંગણીઓ હવે તો પુરી કરો...પીડીયુ હોસ્પિટલના તબિબી શિક્ષકોએ વધુ એક વખત બેનર્સ સાથે ધરણા-સુત્રોચ્ચાર કર્યા

રાજકોટઃ રાજ્યની સરકારી મેડિકલ કોલેજના તબિબી શિક્ષકો અને જીલ્લાના ૫ીએચસી-સીએચસીના તબિબો મળી દસ હજાર તબિબી શિક્ષકો અને સરકારી તબિબો વિવિધ પ્રશ્નો અંગે થઇ રહેલા અન્યાય સામે ચાલી રહેલા આંદોલન અંતર્ગત ગયા શનિવારે મહારેલી યોજી કલેકટરશ્રીને આવેદન પાઠવાયું હતું. હજુ પણ કોઇ નિવેડો આવ્યો ન હોઇ આજે ફરીથી તબિબી શિક્ષકોએ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે એકઠા થઇ સુત્રોચ્ચાર કરી બેનર્સ સાથે પોતાના પ્રશ્નો ઉકેલવાની માંગણી દોહરાવી હતી. નોંધનીય છે કે ગત તા. ૧૬-૦૫-૨૧ના રોજ વિજયભાઇ રૂપાણીની સરકારે તબિબી શિક્ષકોની ૧૨ મુદ્દાની માંગણી મંજૂર કરતો એક ઠરાવ કર્યો હતો. તેને આજે ૬ મહિના વીતી ગયા હોવા છતાં ૯ માંગણીઓમાં કોઇ કાર્યવાહી જ થઇ નથી. આ નવ માંગણીઓમાં એડહોક સેવા વિનિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, ૧૫ ટકા સિનિયર ટ્યુટર્સને ત્રીજા ટીકૂનો લાભ આપવો. સહિતના એકપણ પ્રશ્નનો ઉકેલ આરોગ્ય વિભાગ દ્વારા લાવવામાં આવ્યો નથી. ઉપરાંત પગારમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ કારણોસર તબિબી શિક્ષકો આંદોલનના રસ્તે ચડ્યા છે.

(3:41 pm IST)