Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

રાજકોટ-બામણબોર વચ્ચે સીકસ લેનના ૫ ફલાયઓવર બનશે

માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણશ મોદી દ્વારા રિવ્યુ લેવાયાઃ આઈ.ઓ.સી.એ ગેરકાયદેસર બનાવેલ 'બેરીકેડ' દૂર કરવા કલેકટરના પોલીસ તંત્રને આદેશો : ૨૮ કિ.મી.નો આ હાઈવે મે-૨૦૨૨ પહેલા પૂરો કરવા સૂચનાઃ ૨-અન્ડરપાસ બનશેઃ ૧ ટોલ પ્લાઝા બનાવાશેઃ કલેકટરની પત્રકારો સાથે વાતચીત : સાયન્સ મ્યુઝીયમ-સ્પોર્ટસ સંકુલ તથા કોવીડ હોસ્પીટલના ઉદ્ઘાટન અંગે ગાંધીનગરથી મંજૂરીની જોવાતી રાહ : અમૂલ ડેરીને ૮૦ એકર જમીન આજે ડીએલપીસીમાં ભાવો ફાઈનલ થયા બાદ સરકારમાં દરખાસ્ત થશે : એઈમ્સ માટે રોડ રસ્તાની કામગીરી ઝડપી કરવા આદેશોઃ ટોપ પ્રાયોરિટીમાં રૂડા વિસ્તારનો રસ્તો બનાવાશે, ઓપીડી અંગે દિલ્હીથી ફાઈનલ થશે

રાજકોટ, તા. ૯ :. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશબાબુએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે રાજકોટ-અમદાવાદ વચ્ચે જે સીકસ લેન બની રહ્યો છે. તેની માર્ગ-મકાન મંત્રી શ્રી પૂર્ણશ મોદી દ્વારા ગઈકાલે વીસીમાં ખાસ સમીક્ષા લેવાય હતી.

કલેકટરે જણાવ્યુ હતુ કે રાજકોટ-બામણબોર વચ્ચે ૨૮ કિ.મી.નોે હાઈવે ઝડપી અને મે-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી લેવા આદેશો કરાયા છે. ખર્ચ-ડીઝાઈન વિગેરે નેશનલ હાઈવે જોઈ રહ્યું છે.

તેમણે ઉમેર્યુ હતુ કે, આ ૨૮ કિ.મી. લાંબા સીકસ લેન હાઈવે ઉપર રાજકોટ સુધી કુલ ૫ ફલાય ઓવર બનાવાશે. ૨-વીયુપી એટલે કે અન્ડરપાસ હાઈવે હશે અને એક ટોલ પ્લાઝા ખાસ ઉભુ કરાશે. આ ૨૮ કિ.મી. લાંબા હાઈવેમાં થોડો મોરબી તરફનો ભાગ છે. આ ઉપરાંત કુવાડવા જીઆઈડીસીનું કામ થોડુ બાકી છે, તો રામપરાનો ૩૦૦ મીટર પણ બાકી છે.

કલેકટરે પત્રકારોને જણાવ્યુ હતુ કે રાજકોટ નજીક આઈઓસીના ડેપો દ્વારા સર્વીસ રોડ ઉપર જે ગેરકાયદેસર બેરીકેડ બનાવી નાખ્યું છે તેનો નિકાલ કરવા પોલીસને સૂચના આપી છે. આ બાબતે રાજકોટ પોલીસ કમિશ્નર પણ ખાસ ઓનલાઈન હતા.

સાયન્સ મ્યુઝીયમ

ઈશ્વરીયા પાર્કમાં ઉભા કરાયેલા ૧૦ કરોડના ખર્ચે સાયન્સ મ્યુઝીયમ લગભગ તૈયાર થઈ ગયુ છે અને તેનું તથા રેસકોર્ષ બનાવાયેલ સ્પોર્ટસ સંકુલ અને ચૌધરી હાઈસ્કૂલમાં બનાવાયેલ નવી કોવીડ હોસ્પીટલના ઉદ્ઘાટન અંગે સરકારમાં જાણ કરાઈ છે. સરકારની મંજુરી આવે બાદમાં કાર્યવાહી થશે.

અમૂલ ડેરી

અમૂલ ડેરીને આપવાની થતી જમીન અંગે કલેકટરે ઉમેર્યુ હતુ કે ગઢકાની જે ૧૦૦ એકર જમીન આપવાની હતી તેમા વીડીનો થોડો ભાગ નીકળતા એ જમીન રદ્દ કરી ગઢકા અને ઢાંઢણી વિસ્તારની કુલ ૮૦ એકર જમીન ડીએલપીસીની આજની બેઠકમાં જમીનનો ભાવ ફાઈનલ કરી સરકારમાં અમૂલ ડેરીને આપવાની થતી જમીન અંગે દરખાસ્ત કરાશે.

એઈમ્સ

એઈમ્સ અંગે તેમણે ઉમેર્યુ હતુ કે કુલ ૩ રસ્તાનું કામ ચાલુ છે, પરંતુ પાછળની બાજુએ રૂડા વિસ્તારના રસ્તાનું કામ હોય પ્રાયોરિટી ઉપર લેવાયુ છે. ઓપીડી અંગે કલેકટરે જણાવ્યુ હતું કે આ બાબત દિલ્હીથી ફાઈનલ થયા બાદ જાણ કરાશે.

(3:21 pm IST)