Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઓવરબ્રિજના કામો ધીમા પડતા પદાધિકારીઓ હાફળા - ફાફળા : રિવ્યુ મીટીંગ

લક્ષ્મીનગર અંડરબ્રિજ હજુ મહીના પછી તૈયાર થશે : હોસ્પિટલ ચોક બ્રિજનું કામ ૧૦ મહિના પાછળ ચાલે છે : કે.કે.વી. ચોક બ્રિજ અને જડ્ડુસ ચોક બ્રીજને હજુ ૧ વર્ષ લાગશે : રામાપીર ચોક - નાનામૌવા ચોકના બ્રીજ જુલાઇ ૨૦૨૨માં તૈયાર થશે : સમીક્ષા બેઠકની વિગતો રજૂ કરતા મેયર પ્રદિપ ડવ - સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કર પટેલ - બાંધકામ ચેરમેન કેતન પટેલ

રાજકોટ તા. ૯ : શહેરમાં ચારેતરફ મ.ન.પા. દ્વારા ઓવરબ્રીજના કામો ચાલી રહ્યા છે જેની કામગીરી ધીમી પડતા લોકોમાં કચવાટ ફેલાયો છે. કેમકે આ પ્રકારની કામગીરીથી હજુ ૧ાા થી ૨ વર્ષ સુધી શહેરીજનોને ટ્રાફિકની વિકરાળ સમસ્યાનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આથી ગઇસાંજે જ મેયર તથા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેનશ્રીએ ઓવર બ્રીજોની કામગીરીની સમીક્ષા બેઠક યોજી અને કયા બ્રીજનું કામ કેટલું થયું ? કેટલે પહોંચ્યુ, તેમજ કયારે પુરૂ થશે ? તેની વિગતો જાણી હતી અને બ્રીજના કામોમાં ગતિ વધારવા કોન્ટ્રાકટરોને તાકીદ પણ કરી હતી.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત જાહેર થયેલ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલ હોસ્પિટલ ચોકમાં રૂ.૮૪.૭૧ કરોડના ખર્ચે થ્રી આર્મ બ્રિજ, રૂ.૧૨૯.૫૩ કરોડના ખર્ચે કે.કે.વી. ચોક, રૂ.૨૮.૫૨ કરોડના ખર્ચે કાલાવડ રોડ જડુસ પાસે, રૂ.૪૦.૨૧ કરોડના ખર્ચે નાનામવા જંકશન પર અને રૂ.૪૧.૧૨ કરોડના ખર્ચે રામાપીર ચોક જંકશન પર ફલાય ઓવરબ્રિજની કામગીરીની સમિક્ષા કરતા મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ તથા બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ.

આ સમિક્ષા બેઠકમાં સિટી એન્જીનિયર એચ. યુ. દોઢિયા તથા તમામ બ્રિજની એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.

જેમાં રજુ થયેલ વિગતો મુજબ હોસ્પિટલ ચોક બ્રિજમાં કુલ ૩૯ પીઅર ફાઉન્ડેશનમાં ૨૯ પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. કે.કે.વી. ચોક ફલાય ઓવરબ્રિજમાં કુલ ૪૧ પીઅર ફાઉન્ડેશનમાં ૨૬ પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. કાલાવડ રોડ જડુસ ઓવરબ્રિજમાં કુલ ૬ પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. નાનામવા જંકશન ઓવરબ્રિજ ખાતે કુલ ૨૬ પીઅર ફાઉન્ડેશનમાં ૧૫ પીઅર ફાઉન્ડેશનની કામગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે. જયારે રામાપીર ચોક ઓવરબ્રિજમાં કુલ ૨૮ પીઅર ફાઉન્ડેશનમાં ૧૩ પીઅર ફાઉન્ડેશનની કામીગીરી પૂર્ણ થયેલ છે તેમજ પીઅર કેપ, પ્રિ-કાસ્ટ, ગર્ડર, રીટેઈનીંગ વોલની કામગીરી ગતિમાં છે.

હોસ્પિટલ ચોકમાં તા.૦૮/૧૧/૨૦૧૯માં વર્ક ઓર્ડર આપવામાં આવેલ અને જુલાઈ ૨૦૨૧માં કામગીરી પૂર્ણ કરવાની થતી હતી. પરંતુ કોવીડ-૧૯ના કારણે સદરહુ કામગીરી દશ માસ જેટલી મોડી પૂર્ણ થશે. કે.કે.વી. ચોક વર્ક ઓર્ડર તા.૨૧/૦૧/૨૦૨૧માં આપવામાં આવેલ અને તેની અંતિમ તા.૨૧/૦૧/૨૦૨૩, જડુસ ફલાય ઓવરબ્રિજ વર્ક ઓર્ડર તા.૨૧/૦૧/૨૦૨૧ અને તેની અંતિમ તા.૨૦/૦૧/૨૦૨૩, નાનામવા જંકશન વર્ક ઓર્ડર તા. ૨૧/૦૧/૨૦૨૧ અને તેની અંતિમ તા.૨૦/૦૭/૨૦૨૨ જયારે રામાપીર ચોક ઓવરબ્રિજ વર્ક ઓર્ડરની તા.૨૧/૦૧/૨૦૨૧ અને તેની અંતિમ તા.૨૦/૦૭/૨૦૨૨ આપવામાં આવેલ છે. આ ચારેય બ્રિજ સમય મર્યાદા પહેલા પૂર્ણ થાય અને હોસ્પિટલ ચોકમાં થ્રી આર્મ બ્રિજ પૂર્ણ કરવા મેયર તથા સ્ટેન્ડિંગ ચેરમેને એજન્સીને તાકિદ કરેલ. એજન્સી દ્વારા ચારેય બ્રિજ આપવામાં આવેલ સમય મર્યાદા પહેલા પુરી કરવામાં આવશે તેમ જણાવેલ. બ્રિજની કામગીરીની અને એજન્સીઓને જે કંઈ મુશ્કેલીઓ હોય તેની ગહન ચર્ચા કરવામાં આવેલ હતી.

(3:20 pm IST)