Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

લોહાણા મહાપરીષદનું સંચાલન અમદાવાદ અને મુંબઇ ખાતેથી ૬-૬ મહિના સુધી બે ભાગમાં થશે ?!

સૌરાષ્ટ્રમાં રઘુવંશીઓની ખૂબ મોટી વસ્તી છે છતાં પણ સૌરાષ્ટ્રને વિશ્વાસમાં લીધા સિવાય આવો મહત્વનો નિર્ણય લેવાયાની ચર્ચા : સૌરાષ્ટ્રના જ એક જ્ઞાતિશ્રેષ્ઠીની હાજરીમાં આવું નક્કી થયું ? જો કે સૌરાષ્ટ્રનો કાંકરો તો કાઢી જ નખાયો ?! : સૌરાષ્ટ્રની સદંતર અવગણનાને સૌરાષ્ટ્રનો લોહાણા સમાજ માફ કરશે ?

રાજકોટ,તા.૯: લોહાણા મહાપરીષદના પ્રમુખપદના વિવાદ સંદર્ભે રોજેરોજ નવા નવા ફણગા ફુટી રહ્યા છે અને જીદ, અહ્મ અને પોતાના અંગત -મનાતા માણસોને જ પ્રમુખપદે બેસાડવાના દુરાગ્રહને કારણે જ્ઞાતિ હિત અને જ્ઞાતિ ઉત્કર્ષની વાત તો સાવ કોરાણે જ મુકાઇ ગયાનું જોવા મળે છે. સમગ્ર વિશ્વમાં લોહાણા સમાજની આબરૂ ધૂળધાણી થઇ રહી છે.

પ્રમુખપદેથી પ્રવિણભાઇ કોટકના રાજીનામા પત્ર બાદ આવતીકાલે ઝુમ એપ દ્વારા વરણી સમિતિના ૨૭ સભ્યોની ઓનલાઇન મિટીંગ બપોરે ૩:૧૫ વાગ્યે રાખવામાં આવી છે. આ મિટીંગમાં મહાપરીષદના નવા પ્રમુખના નામની ભલામણ કરવામાં આવશે. ભલામણ કરેલ નામને ત્યારબાદ મધ્યસ્થ મહાસમિતિની બેઠકમાં બહુમતીથી બહાલીરૂપે મુકવામાં આવશે.

ચર્ચાતી વિગતો મુજબ આવતીકાલની વરણી સમિતિની બેઠકમાં પ્રવિણભાઇ કોટકના અંગત -મનાતા-ગણાતા સતીષભાઇ વિઠ્ઠલાણીના નામની ભલામણ પ્રમુખપદ માટે કરવામાં આવશે. આ નામને વરણી સમિતિના મોટાભાગના તમામ સભ્યો બહાલી આપી દેશે તેવી ગોઠવણ થઇ હોવાની ચર્ચા છે.

કર્ણાપકર્ણ ચર્ચાતી વિગતો મુજબ ગઇ કાલે પાંચથી છ જ્ઞાતિશ્રેષ્ઠીઓની એક બેઠક મહાપરીષદના પ્રમુખપદના કોકડાને ઉકેલવા મળી હતી. જેમાં એવી ફોર્મ્યુલા નક્કી થયાની ચર્ચા છે કે જ્ઞાતિજનો વિરોધ ન કરે અને પોતાનું ધાર્યું થઇ જાય તે માટે લોહાણા મહાપરીષદનું સંચાલન છ મહિના અમદાવાદ ખાતેથી અને છ મહિના મુંબઇ ખાતેથી કરવામાં આવશે. આ સંદર્ભે અમદાવાદ ખાતે  અંદાજે એક હજાર સ્કવેર ફુટ જેટલી એક ઓફીસ પણ ખરીદવામાં -બનાવવામાં આવશે, કે જ્યાંથી સંસ્થાનું સંચાલન થઇ શકે.

આ ફોર્મ્યુલા સંદભે સૌથી મોટી આશ્ચર્યની વાત તો એ છે કે રઘુવંશીઓની ખૂબ મોટી વસ્તી ધરાવતા સૌરાષ્ટ્રના મોટા ભાગના જ્ઞાતિશ્રેષ્ઠીઓ કે મહાજનોને એક ટકાભેર પણ વિશ્વાસમાં ન લેવાયાની ચર્ચા છે. જ્યારે સમગ્ર જ્ઞાતિની વાત હોય ત્યારે મોટા ભાગે સર્વાનુમતે આવો નિર્ણય લેવાતો હોય છે.

હજુ પણ અચંબિત થઇ જવાય તેવી ચર્ચા તો એ છે કે ગઇ કાલની જ્ઞાતિશ્રેષ્ઠીઓની મિટીંગમાં નવીનભાઇ ઉપસ્થિત હતા.

પોરબંદર પંથકના યુવા નેતાએ સદ્ભાવના સાથે આ આગેવાનોને એકત્ર કર્યા હતા, પરંતુ જાણ્યે અજાણ્યે સૌરાષ્ટ્રનો છેદ સહજતાથી અને ખૂબીપૂર્વક જમાનાના ખાધેલા મહાનુભાવોએ ઉડાડી દીધો અને ધાર્યું નિશાન પાર પાડ્યુ તેવી ચર્ચા પણ છે.  સૌરાષ્ટ્રના લોહાણા સમાજ થકી જે લોકોને માન-મોભો -પ્રતિષ્ઠા -પૈસા વિગેરે પ્રાપ્ત થયા હોય તે જ લોકો આવું કૃત્ય કરી શકે ? સાહસિક અને ખમીરવંતી ગણાતી લોહાણા જ્ઞાતિને આ વાત પચે તેવી નથી.

પોતાનો વિરોધ ન થાય પરંતુ સર્વાનુમતી થાય તે માટે સતીષભાઇ આજે યોગેશભાઇ લાખાણીને મળીને મનામણા કરશે?

લોહાણા મહાપરીષદની આવતીકાલની વરણી સમીતીની બેઠકમાં પોતાનો વિરોધ ન થાય અને સર્વાનુમતીથી પોતાનું નામ મહાપરીષદના પ્રમુખપદ માટે મુકવામાં આવે તે માટે પ્રમુખપદના ઉમેદવાર ગણાતા સતીષભાઇ વિઠ્ઠલાણી આજે અથવા આવતીકાલે મીટીંગ પહેલા મહાપરીષદના પુર્વ પ્રમુખ તથા સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી શ્રી યોગેશભાઇ લાખાણીને મળીને મનામણા-વિનંતી કરે તેવી પણ શકયતા દેખાઇ રહી છે.

કારણ કે યોગેશભાઇ લાખાણી તથા પરેશભાઇ ભુપતાણીના મનાતા જુથ પાસે કુલ ૨૭ માંથી ૧૦ થી ૧૧ સભ્યો હોવાનું જાણવા મળે છે. પ્રવિણભાઇ કોટકનો સપોર્ટ હોવાથી અને પ્રવિણભાઇએ જ નિમેલા મોટાભાગના સભ્યો વરણી સમીતીમાં હોવાથી યેનકેન પ્રકારે મહાપરીષદના પ્રમુખપદ માટે બહુમતીથી સતીષભાઇ વિઠલાણીના નામની ભલામણ તો થઇ જાય, પરંતુ ૧૦ થી ૧૧ સભ્યોનો વિરોધ પણ ભવિષ્યમાં નડી શકે. આ વાતને લઇને 'જ્ઞાતિ હિત'  તથા 'જ્ઞાતિ એકતા'ને આગળ ધરીને સતીષભાઇ વિઠલાણી દ્વારા યોગેશભાઇ લાખાણીનો સંપર્ક થઇ શકે છે. ૨૦૨૦ થી ર૦રપની સતત બીજી ટર્મ માટે પરાણે મહાપરીષદના  પ્રમુખ બની જવાના વિવાદ સંદર્ભે પ્રવિણભાઇ  કોટક તથા યોગેશભાઇ લાખાણી વચ્ચે થોડા સમય પહેલા જ ભારે મનદુઃખ સર્જાયેલ

શું સૌરાષ્ટ્ર માટે અલગ મહાપરિષદ રચાશે ?

સૌરાષ્ટ્રમાં લોહાણા જ્ઞાતિની ખૂબ મોટી વસ્તી હોવા છતાં પણ લોહાણા મહાપરિષદના પ્રમુખપદ માટે સૌરાષ્ટ્ર-કચ્છના લોહાણા મહાજનોની માંગણી અને લાગણી ધ્યાને ન લેવાતા સૌરાષ્ટ્ર માટે અલગ મહાપરિષદ રચવાની વાતોએ પણ જોર પકડયું છે. લોહાણા જ્ઞાતિનું રાજકીય રીતે વર્ચસ્વ વધારવા પણ સૌરાષ્ટ્ર થકી ખૂબ મોટું કામ થઇ શકતું હોવાનું રાજકીય પંડીતો માની રહ્યા છે. સૌરાષ્ટ્રના લોહાણા સમાજમાં સક્ષમ તથા સર્વસ્વીકાર્ય અને જ્ઞાતિને એક તાંતણે બાંધી શકે તેવા ઘણા બધા નેતૃત્વ છે.

મહાપરિષદના પ્રમુખપદ માટે કોઇ અણધાર્યું નામ પણ આવી શકેઃ ધનવાન  કોટકનું અચાનક રાજીનામું

લોહાણા મહાપરિષદની આવતીકાલની વરણી સમિતિની બેઠકમાં પ્રમુખપદ માટે મુંબઇના ખીમજી ભગવાનજી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સતીષભાઇ વિઠ્લાણીના  નામની ભલામણ મોટેભાગે નિશ્ચિત મનાઇ રહી છે. છતાં પણ વિરોધ થવાની શકયતાને જોતા અને પ્રવિણભાઇ કોટક જેવી સ્થિતિને નિવારવા કોઇ અણધાર્યું નામ મીટીંગ દરમ્યાન ચર્ચામાં આવી શકે છે. જીતુભાઇ લાલ, હરિશભાઇ લાખાણી, ધનવાનભાઇ કોટક, નીતિનભાઇ રાયચુરા, ડો. નિમાબેન આચાર્ય, જીતેન્દ્રભાઇ ઠક્કર, હિમાંશુભાઇ ઠક્કર, વિનોદભાઇ ઠક્કર, કૌશિકભાઇ મજીઠીયા, સુરેશભાઇ ચંદારાણા કે પછી આ સિવાય પણ કોઇનું નામ  આવી શકે છે. દરમિયાન શ્રી ધનવાનભાઇ કોટકે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખપદેથી રાજીનામું અચાનક આપ્યું તેની પણ ભારે ચર્ચા છે. કારણ જાણવા મળતુ નથી પરંતુ જે સમયે રાજીનામું આપ્યું છે તો સૂચક છે.

(3:39 pm IST)