Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થાની શરૃઆતઃ સર્વ સમાજના વિદ્યાર્થીઓને ભણાવાશે રાજકીય પાઠ

રાજકોટઃ  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ અને  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન- રાજકોટ દ્વારા રાજકીય કારકિર્દી ઘડવા માંગતા સર્વ સમાજ અને સર્વ જ્ઞાતિના યુવાનો માટે ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા રૃપે (ધ્ળ્ભ્ન્ત્) એક નવીનતમ પહેલ શરૃ કરવામાં આવી છે. જેના શુભારંભ પ્રસંગે સરદાર પટેલ ભવન ખાતે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.  નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સેમિનારમાં ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થા કોર્ષ સહિતના વિષયોની માહિતી આપવામાં આવી હતી. સેમિનાર કાર્યક્રમની શરૃઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ  ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ટ્રસ્ટી રમેશભાઈ ટીલાળાએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાજકોટના જાણિતા જેમોલોજિસ્ટ  તેજસભાઈ પંડ્યાએ ખોડલધામ યુવા રાજનૈતિક નેતૃત્વ સંસ્થાની ભૂમિકા વિશે સમજ આપી હતી. ત્યારબાદ સંસ્થાના સીઈઓ  પ્રશાંત હેગડે દ્વારા સમગ્ર કોર્ષની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય રાજકીય પાર્ટીના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. બાદમાં અધ્યક્ષ સ્થાનેથી  નરેશભાઈ પટેલે સંબોધન કર્યું હતું. ત્યારબાદ આભારવિધિ  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદભાઈ માલાણી દ્વારા કરવામાં આવી હતી. આ સેમિનારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી  મનોજભાઈ સોરઠીયા, કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા  મનહરભાઈ પટેલ અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી  ધનસુખભાઈ ભંડેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની આ નવિનતમ પહેલને બિરદાવી હતી. અને આ કોર્ષમાં વધુમાં વધુ યુવાનો જોડાય તેવી અપીલ કરી હતી.  વર્ગખંડમાં યુવાનોને આધ્યાત્મિક, ઈતિહાસ, નેતૃત્વ અને સંચાલન, બંધારણ અને શાસન વ્યવસ્થા, પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ચૂંટણી વ્યવસ્થાપન જેવા વિષયો પણ ઉંડાણપૂર્વકનું શિક્ષણ આપવામાં આવશે. આ કોર્ષમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓએ મો.નં. ૭૦૬૯૯ ૨૯૨૯૭ પર સંપર્ક  કરવા સંસ્થાની યાદીમાં જણાવામાં આવ્યું છે.

(3:55 pm IST)