Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

ન્‍યુ અંબિકા પાર્કમાંથી સતર વર્ષની સગીરા ગૂમઃ અપહરણનો ગુનો નોંધાયો

૭મીએ વહેલી સવારે સગીરા ગૂમ થઇઃ યુનિવર્સિટી પોલીસની તપાસ

રાજકોટ તા. ૯: સાધુ વાસવાણી રોડ ન્‍યુ અંબિકા પાર્કમાંથી સતર વર્ષની સગીરા બે દિવસ પહેલા વહેલી સવારે ઘરેથી ગૂમ થઇ જતાં શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરવામાં આવતાં અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામં આવી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે સાધુ વાસવાણી રોડ પર શ્‍યામલ વર્ટિક્‍સ સામે ન્‍યુ અંબિકા પાર્ક બ્રહ્માણી વેલ્‍ડીંગવાળા મકાનમાં રહેતાં હિતેષભાઇ મનસુખભાઇ દાવડા (ઉ.૩૫)ની ફરિયાદ પરથી અજાણ્‍યા શખ્‍સ વિરૂધ્‍ધ અપહરણનો ગુનો નોંધ્‍યો છે.

હિતેષભાઇ વેલ્‍ડીંગ કામ કરે છે અને તેના લગ્ન થયા નથી. તે બે ભાઇ છે. તેમના ભાઇ બાજુમાં રહે છે. તેમને સતર વર્ષની એક દિકરી છે. મોટા ભાઇના છુટાછેડા થઇ ગયા પછી તેમણે બીજા લગ્ન કર્યા હોઇ તેમની આગલા ઘરની સતર વર્ષની દિકરી કાકા હિતેષભાઇ સાથે રહે છે. તા. ૭/૮ના સવારે છએક વાગ્‍યે હિતેષભાઇ ઘરે નળ આવતાં પાણી ભરવા જાગ્‍યા ત્‍યારે ભત્રીજી તેના રૂમમાં બેડ પર જોવા મળી નહોતી. આસપાસમાં તપાસ કરતાં તે મળી આવી નહોતી. જેથી તેના પિતાની ઘરે ગયાનું સમજી ત્‍યાં તપાસ કરી હતી. પરંતુ ત્‍યાં પણ મળી નહોતી. ઠેકઠેકાણે શોધખોળ કરવા છતાં પત્તો ન મળતાં પોલીસને જાણ કરતાં સગીર ગુમ થવાના કિસ્‍સામાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

આ સગીરા મધ્‍યમ બાંધાની, ઘઉંવર્ણી છે અને આશરે પાંચ ફુટ ત્રણ ઇંચની હાઇટ ધરાવે છે. ઘરેથી નીકળી ત્‍યારે બ્‍લુ કલરની કુર્તી અને કાળી લેગીંગ પહેરી હતી. પરિવારજનોએ કોઇ પર શંકા દર્શાવી નથી. પીએસઆઇ એમ. આર. ઝાલાએ ગુનો દાખલ કરતાં તપાસ શરૂ થઇ છે.

(3:51 pm IST)