Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

સ્‍માર્ટ સીટીની આવાસ યોજનાના હપ્‍તા ન ભરનારને ૭ દિ'ની તાકિદઃ ૩૨૭ ને નોટીસ

મનપા તંત્રની લાલઆંખ

રાજકોટ,તા. ૯ : પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૈયા સ્‍માર્ટ સીટી વિસ્‍તારમાં નિર્માણ પામી રહેલ લાઈટ હાઉસ પ્રોજેક્‍ટની આવાસના હપ્તા ભરપાઈ ન કરનાર ૩૨૭ લાભાર્થીઓને નોટીસ પાઠવવામાં આવી છે.

આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ યોજનાઓ અંતર્ગત આજ દિન સુધીમાં ૩૧,૦૦૦ થી વધારે આવાસ બનાવીને લાભાર્થીઓને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્‍માર્ટ ઘર, મુખ્‍યમંત્રી આવાસ યોજના, BSUP – 1,2,3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, ૩૦૧૨, હુડકો, વામ્‍બે અને સફાઈ કામદાર આવાસ યોજનાઓનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાની વિવિધ આવાસ યોજનાઓના ડ્રો થયા બાદ કેટલાક લાભાર્થીઓએ મહાનગરપાલિકા દ્વારા વિવિધ માધ્‍યમોથી અવારનવાર જણાવવામાં આવ્‍યા પછી પણ હજુ સુધી આવાસના કેટલાક બાકી હપ્તાઓની ચૂકવણી નથી કરી, તેઓને દિવસ-૭માં હપ્તાની ભરપાઈ કરવા તાકીદ કરવામાં આવેલ છે.

જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત GHTC-I (લાઈટ હાઉસ પ્રોજેક્‍ટ) માં ૩૨૭ લાભાર્થીઓને આવાસના બાકી હપ્તાની રકમની ભરપાઈ કરી તેની નકલ આવાસ યોજના વિભાગ, મહાનગરપાલિકા, ડો. આબેડકર ભવન, રૂમ નંબર-૨, બીજો માળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે રજુ કરવા જણાવવામાં આવે છે. જો દિન-૭મા આવી બાકી રકમ ભરપાઈ કરવામાં કસુર થશે તો નિયમાનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. મુદત સમય બાદ કોઇપણ રજૂઆત ધ્‍યાને લેવામાં આવશે નહિ જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવેલ છે.

(3:45 pm IST)