Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયોઃ કમલેશ ઉર્ફ જાંબુ અને કરણ પકડાયા

યુનિવર્સિટી પોલીસે રૈયાધાર પાસેથી પકડી ૫૦ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યોઃ ખુલ્લા મકાનમાં ઘુસી ચોરી કરવાની આદતઃ જાંબુ અગાઉ હત્‍યામાં સંડોવાયો'તો : હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા અને દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમી પરથી ગુનો ઉકેલાયોઃ તસ્‍વીરમાં કમલેશ ઉર્ફ જાંબુ અને કરણ તથા મુદ્દામાલ નજરે પડે છે

રાજકોટ તા. ૯: ગોપાલ ચોક નજીક ત્રિલોક પાર્ક-૨માં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ યુનિવર્સિટી પોલીસે ઉકેલી બે આરોપીને પકડી લઇ રૂા. ૫૦ હજારનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

પ્રાપ્‍ત વિગત મુજબ સાતેક દિવસ પહેલા ગોપાલ ચોક ત્રિલોક પાર્ક-૨માં અક્ષર સ્‍કૂલ સામે આવેલા મકાનમાંથી ચોરી થઇ હતી. આ ચોરીના ગુનામાં જાંબુ અને કરણ નામના શખ્‍સો સામેલ હોવાની અને આ બંને રૈયાધાર પાસે પાણીના ટાંકા નજીક બાઇક સાથે ઉભા હોવાની બાતમી હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ જાડેજા, કોન્‍સ. મૈસુરભાઇ કુંભારવાડીયા અને દિવ્‍યરાજસિંહ જાડેજાને મળતાં બંનેને સકંજામાં લીધા હતાં.

પુછતાછમાં પોતાના પુરા નામ કમલેશ ઉર્ફ લાલુ ઉર્ફ જાંબુ કાળુભાઇ પરમાર (વાલ્‍મિકી) (ઉ.૨૨-રહે. વાલ્‍મિકીવાડી-૨, જામનગર રોડ) તથા કરણ મોહનભાઇ અઠવલે (મરાઠી) (ઉ.૧૯-બેકાર, રહે. પોપટપરા-૫, ડિલક્‍સ પાન પાછળ) જણાવ્‍યા હતાં. આ બંને પાસેથી રૂા. ૨૫ હજારનો ફોન અને જીજે૦૩ડીએમ-૫૪૭૫ નંબરનું ૨૫ હજારનું બાઇક કબ્‍જે કરાયેલી છે. આ બંનેએ ત્રિલોક પાર્કમાં ચોરી કરી હતી એ ઉપરાંત દિપક સોસાયટી-૩માં એક મકાનમાંથી ફોન ચોર્યો હોવાનું કબુલ્‍યું હતું. જે મકાનના દરવાજા ખુલ્લા હોય તેમાં વંડી ટપી ચોરી કરવાની ટેવ ધરાવે છે. કમલેશ ઉર્ફ જાંબુ અગાઉ પ્ર.નગર પોલીમસાં હત્‍યાના ગુનામાં સંડોવાયો હતો. મોજશોખ માટે ચોરીના રવાડે ચડયાનું બંનેએ રટણ કર્યુ હતું.

પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ એ. બી. જાડેજા, હેડકોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, યુવરાજસિંહ, ભગીરથસિંહ, બલભદ્રસિંહ, વનરાજભાઇ, મૈસુરભાઇ, ગોપાલસ્‍ંિહ, યોગરાજસિંહ, દિવ્‍યરાજસિંહે આ કામગીરી કરી હતી.

(3:36 pm IST)