Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

શહેરમાં ગત સપ્‍તાહે કોરોનાથી બે મોત : છેલ્લા બે દી'માં ૯૦ કેસ નોંધાયા

તા.૩ના આફ્રીકા કોલોની વિસ્‍તારના તથા તા. ૫ના મોટી ટાંકી ચોક વિસ્‍તારના વૃધ્‍ધનું મોત : શનિ-રવિમાં ૧૦૦ દર્દી સાજા થયા : હાલ ૩૨૩ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૮: સમગ્ર દેશમાં છેલ્લા અઢી વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. શહેરમાં દરરોજ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શનીવારે ૫૬ તથા ગઇકાલે રવિવારે ૩૪ કેસ નોંધાયા છે. જયારે બે દિવસમાં ૧૦૦ દર્દી સાજા થયા હતા. હાલ ૩૨૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે ગતસપ્તાહે કોરોનાથી બે મોત થયા છે.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ ગઇકાલે ૩૪ કેસ નોંધાયા છે. જેમાં કરણપરા, પુજાર પ્‍લોટ, ભગવતીપરા, હુડકો, સરદારનગર, નાનામવા, સરીતા સોસાયટી, આર્યનગર, અજમેરા સહિતનાં વિસ્‍તારમાં ૨૦ પુરુષો, ૧૪ મહિલાઓ સંક્રમીત થયા છે. ૩ દર્દીઓએ વેકસીનનાં ડોઝ લીધા નથી.
આજે બપોરે ૧૨ વાગ્‍યા સુધીમાં એકપણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્‍યાર સુધીમાં કુલ ૬૪,૮૫૫ પોઝિટિવ કેસ નોંધાઇ ચૂક્‍યા છે. જ્‍યારે આજ દિન સુધીમાં કુલ ૬૪,૦૩૧ દર્દીઓએ કોરોનાને હરાવ્‍યો છે. ગઇકાલે કુલ ૧૨૩૯ સેમ્‍પલ લેવાયા હતા. જેમાં ૩૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૬૩ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૯,૦૫,૪૪૭ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. જેમાંથી ૬૪,૮૫૫ સંક્રમિત થતા પોઝિટિવ રેટ ૩.૪૦ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૭૨ ટકાએ પહોંચ્‍યો છે. તા.૨૩નાં શનીવારે ૨૩ તથા તા.૨૪ ગઇકાલે રવિવારે ૭૭ દર્દીઓ સાજા થયા છે.
 ગત સપ્તાહે કોરોનાથી બે મોત
છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી કેસ વધી રહ્યા છે. ત્‍યાં કોરોનાએ ઓચિંતો જીવલેણ ઘા કરી લીધો છે. શહેરના આફ્રિકા કોલોની વિસ્‍તારનાં ૮૫ વર્ષના વૃધ્‍ધનું તા.૩ ઓગસ્‍ટના મૃત્‍યુ નિપજયુ હતુ. જાણાવા મળ્‍યા મુજબ તેઓ કેન્‍સરના દર્દી હતા. આ ઉપરાંત મોટી ટાંકી ચોક વિસ્‍તારના ૮૮ વર્ષના વૃધ્‍ધનું તા.૫ ઓગસ્‍ટનાં  સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. તેઓ હ્‍દયની બીમારીથી પીડિત હોવાનું તેમજ હાર્ટમાં પેસમેકર મુકાવેલ હતુ.

 

(4:12 pm IST)