Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

રવિવારની રજામાં બે મિત્રોના પરિવારજનો લોધીકાના દેવડા ગામે એમરલ્ડ કલબમાં ફરવા ગયા'તા

રાજકોટના વિઠ્ઠલાણી દંપતિના એકના એક પુત્ર ૧૩ વર્ષના મોર્યનું સ્વીમિંગ પૂલમાં ડૂબી જતાં મોત

ટ્યુબથી પૂલમાં ન્હાતી વખતે જીવલેણ દુર્ઘટનાઃ મૃતકના પિતા જયરાજ વે બ્રિજના સંચાલકઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૯: રવિવારની રજા રાજકોટના લોહાણા પરિવાર માટે ગમગીની બની ગઇ હતી. ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રહેતાં દંપતિનો એકનો એક ૧૩ વર્ષનો પુત્ર લોધીકાના દેવડા ગામે આવેલા એમરલ્ડ કલબના સ્વીમિંગ પૂલમાં ન્હાતી વખતે ડૂબી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રાધિકા પાર્કમાં રહેતાં અને નિકેશભાઇ વિઠ્ઠલાણી ગઇકાલે રવિવારની રજા હોઇ પોતાના પત્નિ અને ૧૩ વર્ષના પુત્ર મોૈર્ય સાથે પોતાના મિત્ર ચંદ્રેશભાઇ તન્નાના પરિવાર સાથે કાલાવડ રોડ પર લોધીકાના દેવડા ગામે એમરલ્ડ કલબ ખાતે રજા માણવા ગયા હતાં.

ત્યાં મોૈર્ય તથા ચંદ્રશભાઇના બે પુત્રો સહિતના બાળકો સ્વીમિંગ પુલમાં ન્હાવા ગયા હતાં. તરતા આવડતું ન હોઇ ટ્યુબના સહારે ન્હાવાની મજા માણી રહ્યા હતાં. એ વખતે અચાનક જ મોૈર્યના હાથમાંથી ટ્યુબની પક્કડ છુટી ગઇ અથવા તો કંઇપણ બન્યું તે ડુબી ગયો હતો.

બનાવની ખબર પડતાં જ તુરત જ મોૈર્યને બેભાન હાલતમાં બહાર કાઢી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજ્યાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. લોધીકા પોલીસ મથકના જગદીશભાઇ અને અજયસિંહે એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર મોૈર્ય ધોરણ-૭માં ભણતો હતો અને માતા-પિતાનો એકનો એક લાડકવાયો હતો. મોૈર્યના પિતા જયરાજ વે બ્રિજ નામે કામ કરે છે. બનાવને પગલે વિઠ્ઠલાણી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(4:51 pm IST)