Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ઘંટેશ્વર પાસે ટ્રક પાછળ એકટીવા ઘુસી જતા ભારતીનગરનો જયદીપ ગંભીર

રાજકોટ, તા. ૯ :. જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક બંધ ટ્રકની પાછળ એકટીવા ઘુસી જતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર ઘંટેશ્વર નજીક સૈનિક સોસાયટી પાસે રોડ સાઈડમાં ઉભેલા બંધ ટ્રકની પાછળ અચાનક એક એકટીવા ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. દરમ્યાન ત્યાંથી પસાર થતા ગાંધીગ્રામ પોલીસ મથકની પીસીઆર વાનના કોન્સ. રણધીરભાઈ તથા યુવરાજસિંહએ ત્યાં જઈ જોતા એક અજાણ્યો યુવાન માથાના ભાગે ઈજા પામેલી હાલતમાં પડયો હોય, તેથી તેણે તાકીદે ૧૦૮ તથા પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી જાણ થતા ૧૦૮ના ઈએમટી બીરજા રાઠોડ અને પાઈલોટ રઘુનાથસિંહ સ્થળ પર પહોંચી ગયા હતા. બાદ તપાસ કરતા યુવાનના ખિસ્સામાંથી પાકીટ અને મોબાઈલ ફોન નિકળતા તેના પાકીટમાંથી મળેલા આધારકાર્ડમાં આ યુવાનનું નામ જયદીપ કેશુભાઈ ધારવીયા (ઉ.વ. ૨૫) (રહે. ગાંધીગ્રામ-ભારતીનગર-૮) હોવાનું જાણવા મળ્યુ છે. બાદ યુવાનને તાકીદે ૧૦૮ મારફતે સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. આ બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઈ પી.કે. ક્રિશ્ચીયન તથા રાઈટર કૃષ્ણદેવસિંહે હોસ્પીટલે પહોંચી તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)